નેશનલ ગેમ્સનું કાલે વડાપ્રધાનના હસ્તે ઉદ્ઘાટન: IPL કરતાં પણ ચડિયાતી ઓપનિંગ સેરેમની

28 September 2022 04:15 PM
Rajkot Gujarat Sports
  • નેશનલ ગેમ્સનું કાલે વડાપ્રધાનના હસ્તે ઉદ્ઘાટન: IPL કરતાં પણ ચડિયાતી ઓપનિંગ સેરેમની

♦ ‘ભારતીય ઑલિમ્પિક’નો કાલથી રંગારંગ પ્રારંભ: અમદાવાદ સહિત આખું ગુજરાત બનશે ‘રમતમય’

♦ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, કેન્દ્રીય રમત-ગમત મંત્રી અનુરાગ ઠાકુર, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી સહિતના દિગ્ગજોની હાજરીમાં મોદી સ્ટેડિયમમાં યોજાશે ભવ્ય જલ્સો

♦ ઈન્ડિયન ઑલિમ્પિક એસોસિએશનના હોદ્દેદારોની ઉપસ્થિતિમાં ફ્લેગ હોસ્ટિંગ, ‘એક ભારત શ્રેષ્ઠ ભારત’ની માર્ચ પાસ્ટ થશે: 36 રાજ્યોના ખેલાડીઓ નેશનલ ગેમ્સમાં મેડલ જીતવા માટે લગાવશે એડીચોટીનું જોર

♦ ગાયક મોહિત ચૌહાણ, શંકર મહાદેવન સહિતનું લાઈવ પરફોર્મન્સ: ગુજરાતી કલાકારો પાર્થ ઓઝા, ભૌમિક શાહ, ઈશાની દવે, દિવ્યા કુમાર, કીર્તિ સાગઠિયા સહિતના કલાકારો પણ પાથરશે કલાના કામણ

♦ બપોરે 4:45 વાગ્યાથી ઉદ્ઘાટન સમારોહ થશે શરૂ: અમદાવાદ ઉપરાંત રાજકોટ, વડોદરા, સુરત, ભાવનગર અને ગાંધીનગરમાં રમાશે અલગ-અલગ રમતો

રાજકોટ, તા.28
ગુજરાત માટે આવતીકાલનો દિવસ ઐતિહાસિક બની રહેવાનો છે. પહેલીવાર ઘરઆંગણે નેશનલ ગેમ્સની યજમાની મળ્યા બાદ છેલ્લા ઘણા સમયથી તેની તૈયારી ચાલી રહી હતી ત્યારે આવતીકાલે 36મી નેશનલ ગેમ્સનું અમદાવાદ ખાતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં ઉદ્ઘાટન કરવામાં આવશે. ગુજરાતમાં કોઈ કાર્યક્રમ હોય અને તેમાં કોઈ કચાશ રહી જાય એવું બની શકે ખરું ? કાલે યોજાનારો નેશનલ ગેમ્સનો ઉદ્ઘાટન સમારોહ આઈપીએલ કરતાં પણ ચડિયાતો હોવાનું જાણવા મળી રહ્યું છે. આ કાર્યક્રમમાં જાયન્ટ કલાકારો પરફોર્મન્સ કરવાના હોવાથી તેમને નિહાળવા માટે લોકો અધીરા બની ગયા છે.

આ અંગે વધુમાં જાણવા મળતી વિગતો પ્રમાણે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ઉપર બપોરે 4:45 વાગ્યાથી ઉદ્ઘાટન સમારોહ શરૂ થઈ જશે અને આ કાર્યક્રમમાં બપોરે 3 વાગ્યાથી જ લોકોને પ્રવેશ આપવાનું શરૂ કરી દેવામાં આવશે. આ પચી ગુજરાતી કલાકારો પાર્થ ઓઝા, ભૌમિક શાહ, ઈશાની દવે, દિવ્યા કુમાર, કીર્તિ સાગઠિયા સહિતના પોતાનું પરફોર્મન્સ આપશે. તેમના પછી સાંજે 6:25 વાગ્યાથી બોલિવૂડ ગાયક મોહિત ચૌહાણનું લાઈવ પરફોર્મન્સ શરૂ થશે.

અડધો કલાક સુધી આ પરફોર્મન્સ ચાલ્યા બાદ ગૃહરાજ્યમંત્રી તેમજ રમત-ગમત મંત્રી હર્ષભાઈ સંઘવી લોકોને સંબોધન કરશે. તેમનું સંબોધન પૂર્ણ થયા બાદ બોલિવૂડ ગાયક શંકર મહાદેવનનું લાઈવ પરફોર્મન્સ 6:50 વાગ્યાથી શરૂ થશે જે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની એન્ટ્રી બાદ પણ યથાવત રહેશે. એકંદરે આ પરફોર્મન્સ 20 મિનિટનું રહેશે.

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી 6:52 વાગ્યે સ્ટેડિયમમાં પહોંચ્યા બાદ મુખ્ય કાર્યક્રમનો પ્રારંભ થશે. તેમની એન્ટ્રી બાદ અલગ-અલગ કાર્યક્રમો સંક્ષિપ્તમાં પૂર્ણ કરાયા બાદ ઈન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનના જનરલ સેક્રેટરી પોતાનું સંબોધન કરશે. ત્યારબાદ કેન્દ્રીય રમત-ગમત મંત્રી અનુરાગ ઠાકુર પણ લોકોને સંબોધશે. આ પછી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ પોતાની સ્પીચ આપશે.

આ કાર્યક્રમ પૂર્ણ થયા બાદ ‘વંદે ગુજરાત’ અંતર્ગત સરકારના 20 વર્ષના કાર્યકાળનું ઝાંખી પ્રસ્તુત કરવામાં આવશે. ત્યારબાદ 750 જેટલા કલાકારો અને પાંચ ગાયકો વંદે ગુજરાતની થીમ રજૂ કરશે.

ખાસ વાત એ છે કે 7:23 વાગ્યાથી ઑગમેન્ટેડ રિયાલિટી મતલબ કે આંખ પર ચશ્મા પહેરીને એક શોર્ટ ફિલ્મનું નિદર્શન કરવામાં આવશે જે કાર્યક્રમને અલગ જ બનાવી દેશે. આ પ્રકારનું આયોજન સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટસ યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર ડૉ.અર્જુનસિંહ રાણાની રાહબરીમાં કરવામાં આવ્યું છે. ત્રણ મિનિટ સુધી આ કાર્યક્રમ ચાલ્યા બાદ સાંજે 7:57 વાગ્યે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી નેશનલ ગેમ્સના ઉદ્ઘાટન સમારોહને સંબોધન કરશે.

વડાપ્રધાનનું સંબોધન પૂર્ણ થઈ ગયા બાદ અલગ-અલગ કાર્યક્રમો યોજાશે જેમાં બે ખેલાડીઓ નેશનલ ગેમ્સની ટોર્ચ વડાપ્રધાનને અર્પણ કરશે. આ ઉપરાંત એક ભારત શ્રેષ્ઠ ભારત નેશનલ ગેમ્સનું માર્ચ પાસ્ટ, ઈન્ડિયન ઑલિમ્પિક એસોસિએશન દ્વારા ફ્લેગ હોસ્ટિંગ, ભારત અને રાજ્ય એસોસિએશનોનું ફ્લેગ હોસ્ટિંગ થશે. છેલ્લે 9:15 વાગ્યાથી 40 મિનિટ સુધી સેલિબ્રિટી સિંગરો દ્વારા યુથ કોન્સર્ટ કરવામાં આવશે અને ત્યારથી ગુજરાતમાં 12 તારીખ સુધી નેશનલ ગેમ્સ રમાશે.


Related News

Advertisement
Advertisement
Advertisement