નેશનલ ગેમ્સ માટે ગુજરાતની હૉકી ટીમમાં અનુભવી ખેલાડીઓ થયા નજરઅંદાજ: ટીમ જ જાહેર ન કરાઈ !

28 September 2022 04:20 PM
Ahmedabad Gujarat Sports
  • નેશનલ ગેમ્સ માટે ગુજરાતની હૉકી ટીમમાં અનુભવી ખેલાડીઓ થયા નજરઅંદાજ: ટીમ જ જાહેર ન કરાઈ !
  • નેશનલ ગેમ્સ માટે ગુજરાતની હૉકી ટીમમાં અનુભવી ખેલાડીઓ થયા નજરઅંદાજ: ટીમ જ જાહેર ન કરાઈ !
  • નેશનલ ગેમ્સ માટે ગુજરાતની હૉકી ટીમમાં અનુભવી ખેલાડીઓ થયા નજરઅંદાજ: ટીમ જ જાહેર ન કરાઈ !
  • નેશનલ ગેમ્સ માટે ગુજરાતની હૉકી ટીમમાં અનુભવી ખેલાડીઓ થયા નજરઅંદાજ: ટીમ જ જાહેર ન કરાઈ !

► વ્હાલા-દવલાને ટીમમાં સ્થાન આપવા માટે સીનિયર ખેલાડીઓનું પત્તું એમ કહીને કાપી નખાયું કે ‘તમારી ઉમર મોટી છે !’: સિલેક્શન કેમ્પ પૂર્ણ થયાને છ દિવસ વીતી ગયા છતાં હજુ સુધી કયા ખેલાડીને ટીમમાં સ્થાન મળ્યું છે તેની સત્તાવાર જાહેરાત નહીં; શા માટે ?

રાજકોટ, તા.28 : ગુજરાતના આંગણે સૌપ્રથમવાર નેશનલ ગેમ્સ રમાવા જઈ રહી છે અને આવતીકાલે અમદાવાદમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં ટૂર્નામેન્ટનું ઉદ્ઘાટન થવાનું છે. બીજી બાજુ 2 ઑક્ટોબરથી 10 ઑક્ટોબર વચ્ચે રાજકોટમાં નેશનલ હૉકી ટૂર્નામેન્ટ રમાવાની છે ત્યારે તેમાં ગુજરાતની ટીમ પણ ભાગ લેવાની હોવાથી ઘરઆંગણાની ટીમને રમતી જોવા માટે લોકો તલપાપડ છે. જો કે ગુજરાતની ટીમને મજબૂત નહીં બલ્કે નબળી પાડવાના કારસાઓ રચાઈ રહ્યા હોય તેવી રીતે ટીમમાં સીનિયર ખેલાડીઓને નજરઅંદાજ કરવાનું શરૂ કરી દેવાતાં ખેલાડીઓમાં ભારોભાર રોષ ભભૂકી ઉઠ્યો છે. આ અંગે વધુમાં જાણવા મળતી વિગતો મુજબ નેશનલ ગેમ્સ માટે ગુજરાતની ટીમ પસંદ કરવા માટે રેસકોર્સના હૉકી ગ્રાઉન્ડ ઉપર 30 ખેલાડીઓનો સિલેક્શન કેમ્પ યોજાયો હતો.

► જે ખેલાડી છથી સાત સીનિયર-જુનિયર નેશનલ ટૂર્નામેન્ટ રમી ચૂક્યા છે તેમને ઉંમરનું બહાનું આગળ ધરીને પડતાં મુકી દેવા કેટલા વ્યાજબી ? શું નવોદિત ખેલાડીઓ ગુજરાતની નૈયા પાર લગાવી શકશે ?

આ કેમ્પ 22 સપ્ટેમ્બરે જ પૂર્ણ થઈ ગયો છે ત્યારે તે પતી ગયાને છ દિવસ પૂર્ણ થઈ ગયા હોવા છતાં હજુ સુધી ટીમની જાહેરાત કરવામાં આવી નથી. બીજી બાજુ કેમ્પ પૂર્ણ થયા બાદ અનેક સીનિયર ખેલાડીઓ એવા છે જેમને એવું કહીને પડતાં મુકી દેવાનો કારસો રચાઈ રહ્યો છે કે તેમની ઉંમર થઈ ગઈ છે !! નિયમ પ્રમાણે કેમ્પ પૂર્ણ થાય એટલે તુરંત ટીમમાં રમનારા ખેલાડીઓનું લિસ્ટ જાહેર કરવાનું હોય છે તેનો પણ અહીં ભંગ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત વ્હાલા-દવલાની નીતિ અખત્યાર થઈ રહી હોય તેમ છ-છ, સાત-સાત નેશનલ ગેમ્સનો અનુભવ મેળવી ચૂક્યા હોવા છતાં તેમની ઉંમરને આગળ ધરીને નજરઅંદાજ કરવાની હરકત કરવામાં આવતાં ખેલાડીઓમાં ગજબ નિરાશા જોવા મળી રહી છે. નેશનલ ગેમ્સમાં ગુજરાત યજમાન હોવાને નાતે તેને વાઈલ્ડ કાર્ડથી એન્ટ્રી મળી છે

► યજમાન હોવાને નાતે ગુજરાતને વાઈલ્ડ કાર્ડથી એન્ટ્રી મળી પણ સામે મહારાષ્ટ્ર, હરિયાણા, પંજાબ સહિતની દિગ્ગજ ટીમો હોવાથી તેમાં સીનિયર ખેલાડીઓને રમાડવા જ જોઈએ તેવો નિષ્ણાતોનો મત

ત્યારે તેમાં મજબૂત હૉકી ટીમ ઉતારવી અત્યંત આવશ્યક બની જાય છે કેમ કે સામે પંજાબ, હરિયાણા સહિતના રાજ્યોની ટીમ રમશે જે ગમે તેવી ટીમને હંફાવી શકવા માટે સક્ષમ છે. આવી જાયન્ટ ટીમ સામે ટક્કર લેવા માટે ગુજરાતની ટીમ મજબૂત હોવી જ જોઈએ તેવો સૌનો મત છે આમ છતાં પસંદગીકારોને ખબર નહીં કે શું જોઈને સીનિયર ખેલાડીઓના જગ્યાએ નવાસવા ખેલાડીઓ લેવાનું સુઝ્યું હશે તે સવાલ અત્યારે સૌના માનસમાં ચકરાવે ચડ્યો છે. હજુ સુધી હૉકી ટીમના ખેલાડીઓનું લિસ્ટ જ જાહેર કરવામાં આવ્યું ન હોવાથી આખરે શા માટે આવું કરવામાં આવી રહ્યું હશે તે પણ સો મણનો સવાલ છે. ચર્ચા તો એવી પણ ચાલી રહી છે કે સીનિયર ખેલાડીઓની રમતમાં કોઈ ભૂલ નીકળી શકે તેમ ન હોવાથી તેમની ઉંમરને આગળ ધરીને તેમને પડતાં મુકવામાં આવી શકે છે. જો આમ કરવામાં આવશે તો તે સૌથી મોટી ભૂલ ગણાશે કેમ કે હરિફ ટીમને આ સીનિયર ખેલાડીઓ જ ટક્કર આપી શકશે, નવાસવા ખેલાડીઓ નહીં...!

હૉકી ટૂર્નામેન્ટ માટે મેજર ધ્યાનચંદ ગ્રાઉન્ડ તૈયાર: 34 પગોડા-સેન્ટ્રલી એ.સી.ડાયનિંગ હોલ તૈયાર
નેશનલ ગેમ્સ હૉકીની ટૂર્નામેન્ટ રેસકોર્સના મેજર ધ્યાનચંદ હૉકી ગ્રાઉન્ડ ઉપર રમાવાની છે ત્યારે મેદાન ઉપરાંત રમતોનું સુચારું આયોજન થાય તે માટે તંત્ર દ્વારા હંગામી સેટઅપ ઉભું કરવામાં આવ્યું છે. ટૂર્નામેન્ટની તૈયારી અંગે આજે મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરાએ ગ્રાઉન્ડની મુલાકાત લઈ સમીક્ષા કરી હતી. દરમિયાન હૉકી ગ્રાઉન્ડ ઉપર 34 જેટલો પગોડા (આર્ટિફિશિયલ રૂમ) તેમજ સેન્ટ્રલી એ.સી.ડાઈનિંગ હોલ જર્મની ડોમથી ઉભો કરવામાં આવ્યો છે. આ ઉપરાંત ખેલાડીઓ માટે ચેન્જીંગ રૂમ, ટૂર્નામેન્ટ ડાયરેક્ટર ઑફિસ, ટેક્નીકલ મેનેજમેન્ટ ઑફિસ, અમ્પાયર લોન્જ, એથ્લીટસ લોન્જ, એડમિનિસ્ટ્રેશન ઑફિસ, બ્રોડકાસ્ટ રૂમ સહિતની વ્યવસ્થા માટે વિવિધ સાઈઝના ડોમ ઉભા કરવામાં આવ્યા છે. શુક્રવારથી વિવિધ ટીમોનું રાજકોટ આગમન થવાનું છે જેમને વિવિધ હોટેલમાં ઉતારા આપવામાં આવ્યા છે. ગ્રાઉન્ડ ઉપર વ્યવસ્થા માટે એનસીસી, એનએસએસના 90 જેટલા વોલિયન્ટર્સની મદદ લેવામાં આવશે.

જેનો ડર હતો એ જ થયું: સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પાસેથી હૉકી ટૂર્નામેન્ટની યજમાની છીનવાઈ ગઈ
થોડા સમય પહેલાં જ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના હૉકી ગ્રાઉન્ડમાં કોઈ હિતશત્રુએ ઘૂસી જઈને એસ્ટ્રો ટર્ફ ફાડી નાખવા જેવી હિન હરકત કરી નાખી હતી. આ અંગેનો અહેવાલ ‘સાંજ સમાચાર’માં પ્રસિદ્ધ થયા બાદ તંત્ર દોડતું થઈ ગયું હતું. બીજી બાજુ આ ઘટનાની નોંધ રાષ્ટ્રીય સ્તરે લેવાઈ હોવાથી રાજકોટની આબરૂને કાળી ટીલી તો લાગી જ હતી સાથે સાથે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પાસેથી નેશનલ કક્ષાની હૉકી ટૂર્નામેન્ટ છીનવાઈ જવાના ભણકારા પણ વાગી રહ્યા હતા જે સાચા પડ્યા હોય તેવી રીતે હવે આખી ટૂર્નામેન્ટ રેસકોર્સમાં જ રમાડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.


Related News

Advertisement
Advertisement
Advertisement