સેન્સેકસ 57000, નિફટી 17000ની નીચે : રૂપિયો 82ના માર્ગે

28 September 2022 04:42 PM
Business India
  • સેન્સેકસ 57000, નિફટી 17000ની નીચે : રૂપિયો 82ના માર્ગે

► શેરબજારમાં કડાકાનો દોર ચાલુ : ગભરાટભરી વેચવાલી

► સેન્સેકસ 500 પોઇન્ટ ગગડયો : વૈશ્વિક મંદીની ચિંતા તથા વિદેશી સંસ્થાઓની બેફામ વેચવાલીથી ફફડાટ

રાજકોટ, તા. 28
શેરબજાર તથા કરન્સી માર્કેટ મંદીના સખ્ત ભરડામાં સપડાયેલા રહ્યા હોય તેમ આજે વધુ કડાકા સર્જાયા હતા. આક્રમણકારી વેચવાલીથી મોટા ભાગના હેવીવેઇટથી માંડી રોકડાના શેરો તુટતા સેન્સેકસમાં ઇન્ટ્રા ડે 500 પોઇન્ટથી અધિકનું ગાબડુ પડયું હતું. સેન્સેકસ 57000 તથા નિફટી 17000ની નીચે સરકી ગયા હતા. ડોલર સામે રૂપિયો પણ નવા નીચા સ્તરે ધસી ગયો હતો.

શેરબજારમાં આજે માનસ મંદીનું જ હતું. શરૂઆત જ ગેપડાઉન રહી હતી. વૈશ્વિક મંદીના ભણકારા શુક્રવારે રિઝર્વ બેંક ધારણા કરતા વધુ વ્યાજદર વધારો જાહેર કરશે તેવી આશંકા, વિદેશી નાણા સંસ્થાઓની એકધારી વેચવાલી તથા કરન્સી માર્કેટમાં ડોલર સામે રૂપિયાનું સતત ધોવાણ જેવા કારણોથી ગભરાટ ભરી વેચવાલીનો મારો આવતો રહ્યો હતો.

વિદેશી નાણા સંસ્થાઓ સતત માલ ફુંકતી હોય તેમ સોમવારે 5000 કરોડ બાદ મંગળવારે 2800 કરોડનું વેચાણ કર્યાનું આંકડા જાહેર થતા વિપરીત અસર હતી. મંદીની થપાટમાંથી ભારત પણ બચી નહીં શકે તેવા આંતરરાષ્ટ્રીય એજન્સીઓના રીપોર્ટથી પણ ખચકાટનો માહોલ હતો. જાણીતા શેરબ્રોકરોના કહેવા પ્રમાણે ટુંકાગાળામાં રીઝર્વ બેંકની વ્યાજદરની જાહેરાત જ મોટી અસર ઉભી કરે તેવી શકયતા છે. આવતીકાલે સપ્ટેમ્બર મહિનાનો છેલ્લો દિવસ છે તે પૂર્વે પણ વેચવાલીનો મારો યથાવત રહ્યાનું સૂચક છે.

શેરબજારમાં આજે મોટા ભાગના શેરો ગગડયા હતા. ઇન્ફોસીસ, મહિન્દ્રા, નેસલે, પાવર ગ્રીડ, ટીસીએસ, ભારતી એરટેલ, ડો. રેડ્ડી, હિન્દ લીવર જેવા અમુક શેરો મજબુત રહેવાની સામે ઇન્ડુસ ઇન બેંક, કોટક બેંક, રિલાયન્સ, મારૂતી, સ્ટેટ બેંક, ટાઇટન, એચડીએફસી તથા આઇસીઆઇસીઆઇ બેંકમાં ગાબડા હતા.

મુંબઇ શેરબજારનો સેન્સેટીવ ઇન્ડેક્ષ 428 પોઇન્ટના ગાબડાથી 56679 હતો જે ઉંચામાં 57213 તથા નીચામાં 56498 થયો હતો. નેશનલ સ્ટોક એકસચેંજનો નિફટી 130 પોઇન્ટ ગગડીને 16677 હતો જે ઉંચામાં 17037 તથા નીચામાં 16825 હતો.

કરન્સી માર્કેટમાં ડોલર સામે રૂપિયો સતત ભાંગતો રહ્યો હોય તેમ આજે વધુ 32 પૈસા ગગડયો હતો અને 8રના માર્ગે આગળ ધપતો હોય તેમ 81.94ના નવા નીચલા સ્તરે ધસી ગયો હતો.


Related News

Advertisement
Advertisement
Advertisement