18 મિનિટ, 15 બોલ’ને આફ્રિકાની અડધી ટીમ તંબુ ભેગી: ટીમ ઈન્ડિયાનો શાનદાર વિજય

29 September 2022 10:11 AM
India Sports World
  • 18 મિનિટ, 15 બોલ’ને આફ્રિકાની અડધી ટીમ તંબુ ભેગી: ટીમ ઈન્ડિયાનો શાનદાર વિજય

♦ અર્શદીપ-દીપક ચાહરે આગ ઓગતી બોલિંગ ફેંકી નવ રનમાં જ આફ્રિકાના પાંચ બેટરોને પેવેલિયન ભેગા કરી દીધા: બુમરાહ-ભુવનેશ્વરની ગેરહાજરી વચ્ચે ભારતીય પેસરોએ સાબિત કરેલી ધાર વર્લ્ડકપ પહેલાં ઉજળો સંકેત

♦ ભેજયુક્ત અને બાઉન્સીપીચ પર રાહુલે ધૈર્યપૂર્વક-સૂર્યકુમારે ઝડપી બેટિંગ કરી 90 રનની ભાગીદારી નોંધાવતાં ટીમ ઈન્ડિયાની જીત બની નિશ્ચિત: રાહુલે 56 બોલમાં અણનમ 51 તો સૂર્યકુમારે 33 બોલમાં અણનમ 50 રન ઝૂડ્યા: કોહલી-રોહિત ફેઈલ

તિરુવનંતપુરમ, તા.29
ટી-20 વર્લ્ડકપ આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ઑસ્ટ્રેલિયામાં રમાનારી આ ટૂર્નામેન્ટ પહેલાં ભારત ઘરઆંગણે સાઉથ આફ્રિકા વિરુદ્ધ ટી-20 શ્રેણી રમી રહ્યું છે. તિરુવનંતપુરમ ગ્રીનફિલ્ડ ઈન્ટરનેશનલ સ્ટેડિયમ પર રમાયેલી આ મેચમાં ભારતીય ફાસ્ટ બોલરોએ રીતસરની આગ ઓકી હોય તેવી રીતે 18 મિનિટમાં 15 બોલની અંદર જ આફ્રિકાના પાંચ બેટરોને પેવેલિયન ભેગા કરી દીધા હતા. અર્શદીપ સિંહ અને દીપક ચાહરે આફ્રિકી બેટિંગ લાઈનને તહેસ-નહેસ કરી નાખતાં માત્ર 9 રનમાં જ ભારતની જીત નિશ્ચિત બનાવી દીધી હતી. આ પછી બેટિંગમાં સૂર્યકુમાર યાદવ અને કે.એલ.રાહુલે કમાલ બતાવતાં ટીમ ઈન્ડિયાએ પહેલી ટી-20 આઠ વિકેટે જીતી લીધી છે.

આફ્રિકાએ પહેલાં બેટિંગ કરતાં આઠ વિકેટે 107 રન બનાવ્યા હતા જેના જવાબમાં ભારતે 20 બોલ બાકી રાખીને મેચ જીતી લીધી હતી. ઓપનર કે.એલ.રાહુલ અને સૂર્યકુમાર યાદવે અણનમ ફિફટી બનાવી તો અર્શદીપ સિંહે ત્રણ અને દીપક ચાહરે બે વિકેટ ખેડવી નાખી હતી.

ટોસ ગુમાવીને પહેલાં બેટિંગ કર્યા બાદ સાવ ફ્લોપ ગયેલી આફ્રિકા સામે ભારત સરળતાથી રન ચેઈઝ કરી લેશે તેવું લાગતું હતું પરંતુ રોહિત શર્મા (0 રન) અને વિરાટ કોહલી (3 રન) સસ્તામાં આઉટ થઈ જતાં ભારત મેચ જીતશે કે કેમ તેવા સવાલો ઉભા થવા લાગ્યા હતા. જો કે રાહુલની ધૈર્યપૂર્વક અને સૂર્યકુમારની ઝડપી ઈનિંગે ભારતને મેચ જીતાડી દીધી હતી. બન્ને વચ્ચે 90 રનની ભાગીદારી જીતનો ટર્નિંગ પોઈન્ટ સાબિત થઈ હતી. ભેજ અને બાઉન્સી પીચ ઉપર સૂર્યકુમાર યાદવે 33 બોલમાં અણનમ 50 રન તો રાહુલે 56 બોલમાં 51 રનની અણનમ ઈનિંગ રમી હતી.

અર્શદીપ અને ચાહરે પીચ તરફથી મળી રહેલા બાઉન્સર અને હવામાં સ્વિંગનો પૂરો ફાયદો ઉઠાવીને બોલને બન્ને બાજુ સ્વિંગ કરાવ્યો હતો. ઑફ સ્પિનર રવિચંદ્રન અશ્વિન (ચાર ઓવરમાં વિના વિકેટે આઠ રન) અને ડાબોડી સ્પીનર અક્ષર પટેલ (ચાર ઓવરમાં 16 રન આપીને એક વિકેટ)એ અત્યંત ચુસ્ત બોલિંગ કરી હતી. હર્ષલ પટેલે પણ 26 રન આપીને બે વિકેટ મેળવી હતી. આફ્રિકાની ટીમ મેચના પ્રથમ 15 બોલમાં જ બેકફુટ પર ધકેલાઈ ગઈ હતી અને ટીમ વધુ કંઈ સમજે તે પહેલાં જ તેનો સ્કોર 9 રને પાંચ વિકેટ થઈ ગયો હતો.

ચાહરે સૌથી પહેલાં આઉટસ્વિંગની જાળમાં તેમ્બા બાવુમા (0 રન)ને ફસાવ્યો હતો. અર્શદીપે ડાબા હાથના બેટર ક્વિન્ટન ડીકોક (1 રન)થી બોલને દૂર લઈ જતાં શરૂઆત કરી અને આ બેટર આકરો પ્રહાર કરવાની કોશિશમાં બોલ્ડ થયો હતો. આ ઉપરાંત રિલી રોસોયુ પણ ઈનસ્વીંગ બોલને સમજી શક્યો નહોતો અને કિપર પંતને કેચ આપી બેઠો હતો.

સૂર્યકુમાર યાદવે ધવનને પાછળ છોડ્યો: એક કેલેન્ડર વર્ષમાં બનાવ્યા 732 રન: હવે બાબર-રિઝવાનનો વારો
ભારતના સ્ટાર બેટર સૂર્યકુમાર યાદવે ઓપનિંગ બેટર શિખર ધવનના એક મોટા ટી-20 રેકોર્ડને તોડી નાખ્યો છે. સૂર્યકુમાર યાદવ એક કેલેન્ડર યરમાં ટીમ ઈન્ડિયા માટે સૌથી વધુ ટી-20 રન બનાવનારો બેટર બન્યો છે. સૂર્યકુમારે 2022માં અત્યાર સુધી ટી-20 આંતરરાષ્ટ્રીયની 21 મેચમાં 732 રન બનાવ્યા છે. ધવનથી આગળ નીકળવામાં સૂર્યકુમારને માત્ર આઠ રનની જરૂર હતી. આફ્રિકા વિરુદ્ધ પહેલી ટી-20માં સૂર્યકુમારે સતત બે છગ્ગા લગાવીને આ રેકોર્ડ પોતાના નામે કર્યો છે. ધવને 2018માં ટી-20 આંતરરાષ્ટ્રીયના એક કેલેન્ડર યરમાં 18 મેચમાં 689 રન બનાવ્યા હતા. સૂર્યકુમાર પહેલાં ધવન આ મામલે ભારતનો નંબર વન બેટર હતો.

ટી-20 આંતરરાષ્ટ્રીયમાં એક વર્ષમાં સૌથી વધુ રન બનાવનારા બેટર

ખેલાડી દેશ વર્ષ મેચ રન
મોહમ્મદ રિઝવાન     પાકિસ્તાન 2021 29 1326
બાબર આઝમ     પાકિસ્તાન 2021 29 939
પોલ સ્ટર્લિંગ   આયર્લેન્ડ 2019 20 748
સૂર્યકુમાર યાદવ ભારત 2022 21 732
કેવિન ઓ’બ્રાયન આયર્લેન્ડ 2019 23 729
મૈક્સ ઑ’ડોડ     નેધરલેન્ડ 2019 24 702
શિખર ધવન     ભારત 2018 18 689
માર્ટિન ગપટીલ     ન્યુઝીલેન્ડ 2021 18 678

વિરાટ કોહલી

બેન કૂપર 

ભારત

નેધરલેન્ડ

2016

2019

15

21

641

637


એક વર્ષમાં ભારતને સૌથી વધુ ટી-20 જીતાડી રોહિતે ધોનીના રેકોર્ડને તોડ્યો
વર્ષ 2022માં ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માએ 16મી જીત મેળવી મહેન્દ્રસિંહ ધોનીના રેકોર્ડને તોડી નાખ્યો છે. આ સાથે જ રોહિત એક વર્ષની અંદર ભારતને સૌથી વધુ મેચ જીતાડનારો કેપ્ટન બની ગયો છે. આ પહેલાં ધોનીએ ભારતને 2016માં 15 ટ-20 મેચ જીતાડ્યા હતા પરંતુ રોહિતે 16મી જીત મેળવી ધોનીને પાછળ છોડ્યો છે.

બુમરાહ ફરી ઈજાગ્રસ્ત: આફ્રિકા સામેની શ્રેણી ગુમાવે તેવી શક્યતા
ટી-20 વર્લ્ડકપ પહેલાં ઘરઆંગણે ટી-20 શ્રેણીમાં ધમાકેદાર પ્રદર્શન કરી રહી છે. પહેલાં ઑસ્ટ્રેલિયાને શ્રેણી પરાજય આપ્યા બાદ હવે આફ્રિકાની પહેલી જ ટી-20માં સણસણતી હાર આપી છે. જો કે આ બધાની વચ્ચે ટીમની ચિંતા ઓછી થવાનું નામ લેતી ન હોય તેવી રીતે ટીમના મુખ્ય બોલર જસપ્રિત બુમરાહ ફરી ઈજાગ્રસ્ત થઈ ગયો છે. બીસીસીઆઈએ આ અંગેની જાણકારી આપતાં કહ્યું કે પ્રેક્ટિસ દરમિયાન બુમરાહને ઈજા પહોંચી છે જેનું અત્યારે ઓબ્ઝર્વેશન ચાલી રહ્યું છે. બીજી બાજુ સૂત્રોએ એમ પણ કહ્યું કે બુમરાહ કદાચ આફ્રિકા સામેની શ્રેણી ગુમાવી શકે છે.


Related News

Advertisement
Advertisement
Advertisement