ભારતીયોનો બચત દર પાંચ વર્ષના તળિયે

29 September 2022 11:43 AM
India Top News
  • ભારતીયોનો બચત દર પાંચ વર્ષના તળિયે

► મોંઘવારી અને આવક વૃધ્ધિના મર્યાદિત સ્ત્રોત જવાબદાર

► આવક વધારવા લોકો જોખમી રોકાણ પણ કરવા લાગ્યા છે : શેરબજારમાં ઇન્વેસ્ટમેન્ટ પાંચ વર્ષના સર્વોચ્ચ સ્તરે

મુંબઈ,તા. 29 : મોંઘવારીનો માર અને કોરોના કાળ વખતનો ઝટકો સહન કરતા ભારતીયોને હજુ કળ વળી ન હોય તેમ લોકોનો બચત દર પાંચ વર્ષના તળિયે પહોંચી ગયો છે. કોરોના કાળ દરમિયાન લોકોના ખર્ચમાં ઘણો મોટો વધારો થયો હતો અને ત્યારબાદ મોંઘવારીને કારણે ખરીદી ક્ષમતાને અસર થઇ છે. ભારતીય રિઝર્વ બેન્કના રિપોર્ટ પ્રમાણે 2022માં ભારતીયોની ઘરેલુ નાણાકીય બચત દેશની જીડીપીના 10.8 ટકા રહી હતી જે 2021માં 15.9 ટકા હતી. તેના અગાઉના ત્રણ વર્ષની સરખામણીએ 12 ટકાનો ઘટાડો સૂચવે છે.

નિષ્ણાંતોના કહેવા પ્રમાણે મોંઘવારી અને માંગમાં વૃધ્ધિને કારણે લોકોની બચત ક્ષમતા ઘટી ગઇ છે. લાંબા વખત સુધી નીચા વ્યાજ દરને કારણે લોકોને આવકનો ફટકો પડ્યો હતો તે પણ એક કારણ છે. ઉલ્લેખનીય છે કે કોરોના કાળ દરમિયાન લોકોનો બચત દર 21 ટકાની ઉંચાઈએ પહોંચી ગયો હતો. લોકડાઉન વખતે લોકોને ખરીદીની કોઇ તક ન હતી. પરંતુ ત્યારબાદ ડીમાંડમાં એક મોટો વધારો થયો છે.

નાણા વર્ષ 2022માં ડીપોઝીટ 27.2 ટકા રહી હતી જે છેલ્લા 50 વર્ષમાં બીજા નંબરના સૌથી નીચા સ્તરે છે. બીજી તરફ વીમા, પીએફમાં રોકાણ 40 ટકા વધી ગયું છે. આ જ રીતે જોખમી ગણાતા શેરબજારમાં રોકાણ પણ પાંચ વર્ષના સર્વોચ્ચ સ્તરે પહોંચ્યું છે. નિષ્ણાંતોનું એવું કથન છે કે ઓછી આવક ધરાવતા લોકોને મોંઘવારીનો માર વધુ છે અને તેને કારણે આવતા સમયમાં આ વર્ગની ખરીદી ધીમી પડવાની આશંકા છે. ખર્ચના પ્રમાણમાં આવક વધતી નહોવાના કારણે આ વર્ગ ખરીદી પર બ્રેક મારી શકે છે.


Related News

Advertisement
Advertisement
Advertisement