મોદી ભાવનગરમાં : વિરાટ રોડ શો : વિશાળ સભાને સંબોધન

29 September 2022 12:22 PM
Bhavnagar Gujarat Top News
  • મોદી ભાવનગરમાં : વિરાટ રોડ શો : વિશાળ સભાને સંબોધન

વડાપ્રધાનના કાર્યક્રમોમાં મેદની ઉમટી પડી : વિશ્વના પ્રથમ સીએનજી ટર્મીનલનો શિલાન્યાસ : સાયન્સ સેન્ટર સહિતના લોકાર્પણ પણ કરશે

(વિપુલ હિરાણી) ભાવનગર, તા. 29
વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી આજે બપોરે ભાવનગર આવી રહ્યા છે. તેમનો વિશાળ રોડ શો આયોજીત કરાયો છે. જે માટે તમામ સરકારી વિભાગો અને ભાજપ દ્વારા તૈયારીઓ થઇ ગઇ છે. આ રૂટ પર સવારથી જ શહેર ઉપરાંત બહારગામથી પણ લોકો ઉમટી રહ્યા છે. આજે સાંજ સુધી રોડ શો, શિલાન્યાસ, લોકાર્પણ સહિતના કાર્યક્રમો યોજાય છે.

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના હસ્તે આજે ભાવનગર ખાતેથી રૂ.6.50 હજાર કરોડના ઐતિહાસિક વિવિધ પ્રકલ્પોના લોકાર્પણ-ખાતમૂહુર્ત થનાર છે. ભાવનગરમાં વિશ્વના પ્રથમ સીએનજી ટર્મિનલ, બ્રાઉન ફિલ્ડ પોર્ટનો શિલાન્યાસ કરશે. તે ઉપરાંત ભાવનગરને આંગણે વિજ્ઞાનનગરીનું નવલું નજરાણું અર્પણ કરવા ભાવનગરની ભાગોળે 20 એકરમાં અને રૂા. 100 કરોડના ખર્ચે આકાર પામેલ અનોખું રિજિયોનલ સાયન્સ સેન્ટરનું લોકાર્પણ કરશે.

ભાવનગર કન્ટેનર મેન્યુફેક્ચરિંગનું હબ બનવાની દિશામાં આગળ વધીને મોદી એપીપીએલ કન્ટેનરનું ઉદ્ઘાટન કરશે. જ્યારે તળાજા ખાતે રૂ. 10 કરોડના ખર્ચે નવનિર્મિત મોડેલ સ્કૂલ અને ગર્લ્સ હોસ્ટેલનું લોકાર્પણ, મહુવા ખાતે રૂ. 5.86 કરોડના ખર્ચે નવનિર્મિત સરકારી કન્યા છાત્રાલય (વિકસતી જાતિ) લોકાર્પણ, રૂ. 11.10 કરોડના ખર્ચે નવનિર્મિત ભાવનગર એસ.ટી બસ સ્ટેશનનું લોકાર્પણ, રૂ. 5.31 કરોડનાં ખર્ચે ભાવનગરનું મોતીબાગ ટાઉનહોલ રીનોવેશન અને રી-ડેવલપમેન્ટ લોકાર્પણ, રૂ. 17.94 કરોડનાં ખર્ચે ભાવનગરનાં અકવાડા લેક ફ્રન્ટ ડેવલપમેન્ટ ફેઝ-2નું ખાતમુહૂર્ત તેમજ રૂ.200 કરોડનાં ખર્ચે તૈયાર થનાર માઢીયા જી.આઇ.ડી.સી.નું ખાતમુહૂર્ત કરવામાં આવનાર છે.

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી આજે ભાવનગર ખાતે પધારી રહ્યાં છે. તેઓ જવાહર મેદાન ખાતે જંગી મેદનીને સંબોધવાના છે ત્યારે તેમની સભાના સ્થળ એવાં જવાહર મેદાન ખાતે તેની તડામાર તૈયારીઓ થઇ ગઇ છે.

માનવંતા મહેમાનો અને આવનાર જનમેદનીને બેસવાં માટે કુલ 8 લાખ ચોરસ ફુટમાં ડોમ બાંધવામાં આવ્યો છે. જેમાં 6,50,000 ફૂટનો મુખ્ય જર્મન ડોમ અને તેની બાજુની બંને સાઇડમાં કુલ: 1,50,000 ચો.ફુટમાં બીજા ડોમની વ્યવસ્થા કરવામાં આવી છે. લોકો માટે ડોમમાં 1,800 પંખા, 60 એલ.ઇ.ડી. લગાવવામાં આવી છે. જેથી બેઠા બેઠા જ લોકો જોઇ શકે. આ એલ.ઇ.ડી. સ્ક્રિન પણ મોટા લગાવવામાં આવ્યાં છે. આ ઉપરાંત ટેન્ટ કુલરની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.

જવાહર મેદાનના કુલ 24,74,000 ચો.ફુટમાં બેસવાં, પાણી, સેનિટેશન અને પાર્કિંગ સહિતની વ્યવસ્થાઓ ઉભી કરવામાં આવી છે. વહીવટી તંત્ર દ્વારા રાત-દિવસ કરીને આ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. સભા સ્થળે સૂલેહ અને શાંતિ જળવાઇ રહે તે માટે પૂરતો પોલીસ બંદોબસ્ત પણ કરવામાં આવ્યો છે.

બેસવાની વ્યવસ્થા કલર કોડ સાથે દરેક બેઠક વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવી છે. તંત્ર દ્વારા વિવિધ વિભાગના અધિકારીઓને વિવિધ વ્યવસ્થાઓની જવાબદારી સોંપવામાં આવી છે અને આ અધિકારીઓ સતત તેમની કામગીરીનું નિરીક્ષણ કરીને તેમની કામગીરીને આખરી ઓપ આપી રહ્યાં છે.


Related News

Advertisement
Advertisement
Advertisement