વેરાવળમાં નાગર જ્ઞાતિ દ્વારા આજે પણ બેઠા ગરબાની પરંપરા યથાવત

29 September 2022 12:23 PM
Veraval
  • વેરાવળમાં નાગર જ્ઞાતિ દ્વારા આજે પણ બેઠા ગરબાની પરંપરા યથાવત

વેરાવળ, તા.29
ગીર સોમનાથ જીલ્લાના મુખ્ય મથક વેરાવળમાં નાગર જ્ઞાતિએ બેઠા ગરબાની પરંપરા આજે પણ જાળવી રાખી છે.બેઠા ગરબા એટલે આ ગરબામાં દાંડિયા રાસ કે વર્તુળાકાર ગરબી ઘૂમ્યા સિવાય માત્ર બેઠા બેઠા માતાજીની ભાવમય સ્તુતિ, ગરબા ગાવામાં આવે છે.

નાગર જ્ઞાતિના અગ્રણી દિનેશભાઇ વૈષ્ણવ જણાવેલ કે, નાગરોમાં બેઠા ગરબા એ સદીઓ જૂની પરંપરા છે જેનું તાર્કિક કારણ એ પણ હોઈ શકે કે ગરબી અને ડિસ્કો દાંડિયામાં નાનેરાઓથી માંડી મોટેરાઓ સુધીના તમામ લોકો રાસ ગરબા ઘૂમી શકે, હીંચ પણ લઈ શકે પરંતુ મોટી ઉંમરના અને અશકતો ક્યાં જાય ? એ વિચારે જ આ પ્રાથના નો જન્મ હોઈ શકે. પ્રારંભમાં રાસ આવ્યા જે તાળીઓના સાથથી પડતાં ત્યારપછી દાંડીયારાસ આવ્યા અને આ બેઠા ગરબા પણ આવ્યા હતા અને આ બેઠા ગરબાના કાર્યક્રમમાં શક્રાદય સ્તુતિથી થાય છે

ત્યારબાદ તેર કવચના ગરબા તેમજ માઈ કલાપી તથા કવિ સુમંતના ગરબા - ગરબી આઠમના દિવસે દયા કલ્યાણનો ગરબો અને માઈ બુલબુલની અંબાજીની સ્તુતિ ગવાઈ છે. માંગરોળના દીવાનજી રણછોડના પ્રાચીન ગરબા આમ બહેનો-ભાઈઓના ભાવ નીતરતા કંઠે ગવાતા હોઈ ત્યારે માના વિશ્વ દરબાર ની અનુભૂતિ થાય છે. આ ગરબામાં ઢોલક, મંજીરા, કાંસિયા, કરતાલ જેવા પ્રાચીન વાદ્યો નો ઉપયોગ કરાય છે.આ ગરબાઓ રાત્રીના 9 થી 11 સુધી યોજાય છે જેનો પ્રભાસ પાટણ, વેરાવળ, સુત્રાપાડા અને આસપાસના નાગર જ્ઞાતિનાં ભાઈઓ બહેનો લાભ લઈ રહ્યાં હોવાનું જણાવેલ છે.


Advertisement
Advertisement
Advertisement