રાજકોટના શિવધારા પાર્કમાં અગાઉના ઝઘડાનો ખાર રાખી યુવકની હત્યાનો પ્રયાસ

29 September 2022 12:40 PM
Rajkot Crime
  • રાજકોટના શિવધારા પાર્કમાં અગાઉના ઝઘડાનો ખાર રાખી યુવકની હત્યાનો પ્રયાસ

અગાઉ યુવકની બહેનની આરોપી આકાશ બગથરીયાએ પજવણી કરી હોય જે મામલે માથાકૂટ ચાલતી હતી:ગઈકાલે આકાશ રસ્તામાં મળતા તેને ફડાકો ઝીંકી દેતા સમાધાન માટે બોલાવી ધોકા વડે ખૂની હુમલો કર્યો

રાજકોટ,તા.29
ખોખડદળ નદી પાસે આવેલા શિવધારા પાર્કમાં રહેતા વિશાલભાઇ તેજાભાઇ રાઠોડ (રબારી) (ઉ.વ. 20)ની ફરિયાદ પરથી આકાશ બગથરિયા, આકાશના પિતા અને આકાશના ભાઈ પ્રેમનું નામ આપતા તેમની સામે કલમ 323,504,326,307,114 હેઠળ કાર્યવાહી કરવામાં આવી રહી છે.

વિશાલભાઈએ ફરિયાદમાં જણાવ્યું હતું કે,હું મારા પરીવાર સાથે રહું છું અને હું મારી પોતાની છકડો રિક્ષા ચલાવું છું. તેમજ મારા ઘરની પાછળ આકાશ બગથરીયા જેના પરીવાર સાથે રહે છે.આ આકાશ એ આજથી બે વર્ષ પહેલા મારી નાની બહેન રિધ્ધિને હેરાન કરતો હોય મે તેને આજથી બે વર્ષ પહેલા તેને સમજાવેલ અને અમારી વચ્ચે ઝઘડો પણ થયેલ હતો.ગઈકાલ બપોરના આશરે બે એક વાગે હું તથા મારો નાનો ભાઇ મયુર તથા મારો મિત્ર રામલો એમ અમો ત્રણેય જણા મારા બાઇકમાં બેસીને મારા ઘર તરફ જતા હતા ત્યારે ખોખડદળ નદીના પુલ પાસે આજથી બે વર્ષ પહેલા મારે અમારા મકાનના પાછળ રહેતા આકાશ બગથરીયા સાથે ઝઘડો થયો હતો તે મને અચાનક સામે મળી જતા અમારા બન્ને વચ્ચે ગાળા ગાળી બોલાચાલીનો ઝઘડો થયો હતો.

બાદમાં મારા નાનાભાઇ મયુરે આ આકાશને લાફો મારી દેતા આ આકાશ ત્યાંથી જતો રહ્યો હતો અને આશરે અઢી વાગ્યાની આસપાસ મારા નાનાભાઇ મયુરના ફોનમાં આ આકાશના નાનાભાઇ પ્રેમનો ફોન આવેલ અને કહેલ કે તમો અમારા ઘરે આવો આપણે સમાધાન કરી લેવું છે.આમ કહેતા હું તથા મારો નાનો ભાઇ મયુર તથા મારો મિત્ર રામલો તથા મારા કૌટુંબીક મોટાબા લાભુબેન આ આકાશના ઘરે ગયેલા ત્યારે અમારે બન્ને વચ્ચે વાત વાત માંથી ગાળા ગાળી અને બોલાચાલીનો ઝઘડો થવા લાગ્યો હતો. આ વખતે આકાશના બાપુજી તથા નાનાભાઇ પ્રેમે મને બન્ને એ મારા હાથ પકડી લીધા હતા અને આકાશે ત્યાં ઘરમાં પડેલ લાકડાનો ધોકો મને માથાના ભાગે મારી દીધો હતો.

જેથી મારા માથાના ભાગે લોહી નિકળવા લાગતા મારો ભાઇ તથા મિત્ર રામલો તથા મારા કૌટુંબીક મોટા બા લાભુબેન વચ્ચે પડતા તેને પણ આ લોકોએ ગાળો આપી ઢીકાપાટુનો માર માર્યો હતો.આ વખતે મને માથાના ભાગે લોહી નિકળતુ હોય તુરંતજ મારા મિત્ર એ રામલો તથા મારો ભાઇ મને બાઇકમાં બેસાડી સાંઇબાબા સર્કલ નજીક પ્રાઇવેટ હોસ્પિટલમાં સારવારમાં ખસેડવામાં આવ્યો હતો.આ અંગે આજીડેમ પોલીસ મથકના પીઆઇ કે.જે.કરપડા સહિતના સ્ટાફે વધુ તપાસ આદરી છે.


Related News

Advertisement
Advertisement
Advertisement