મોરબીમાં ભરડીયાના માલિકને વીઆઈપીના અંગત મિત્રની ઓળખ આપીને બે શખ્સોએ કરી 75 લાખની છેતરપિંડી

29 September 2022 12:49 PM
Morbi
  • મોરબીમાં ભરડીયાના માલિકને વીઆઈપીના અંગત મિત્રની ઓળખ આપીને બે શખ્સોએ કરી 75 લાખની છેતરપિંડી

વિદેશ મંત્રાલયમાં વહીવટની વાત કરી: કંપનીના ડિરેક્ટર હોવાનું કહી રૂપિયા લઇ ગયા

(જીગ્નેશ ભટ્ટ) મોરબી તા.29 : મોરબીમાં ભરડીયાના માલિકને વીવીઆઈપીઓના અંગત મિત્ર તેમજ કેન્દ્ર સરકારના વિદેશ વિભાગમાં મહત્વના કર્મચારી તેમજ વહીવટ કરતા હોવાનું ઓળખ આપીને બે શખ્સ મળ્યા હતા. તે બંને મિકામી ઇન્ડસ્ટ્રીઝ પ્રાઇવેટ લિમિટેડના બે ડાયરેક્ટર છે અને આ બંને શખ્સ દ્વારા ભરડિયાના માલિક સાથે 75 લાખ રૂપિયાની છેતરપિંડી કરાતા ભરડીયાના માલિક દ્વારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે છેતરપિંડી અને વિશ્ર્વાસઘાતની ફરિયાદ નોંધાવવામાં આવી છે.

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબીમાં સામાકાંઠા વિસ્તારમાં નજરબાગ રોડ ઉપર આવેલ અનુપમ કો-ઓપરેટીવ સોસાયટીના ઓમ એપાર્ટમેન્ટમાં 301 નંબરના બ્લોકમાં રહેતા અનિલભાઈ જમનાદાસભાઈ ઠક્કર લોહાણા (ઉમર 54)એ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે મીકામી ઇન્ડસ્ટ્રીઝ પ્રાઇવેટ લિમિટેડના ડાયરેક્ટર પંકજકુમાર ફકીરચંદ સોલંકી રહે. 17-એ શિવાલિકા સોસાયટી કબીર એન્કલેવ પાસે ઘૂમા બોપલ રોડ અમદાવાદ તેમજ પ્રેમસાગર ફકીરચંદ સોલંકી રહે. 14 અરુણોદયનગર સોસાયટી શિવાજી પાર્કની બાજુમાં કુબેરેશ્વર મહાદેવ મંદિરની સામે સેજપુર બોધા અમદાવાદ વાળાની સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવેલ છે.
તેમણે જણાવ્યું છે કે, તેઓનો ટીંબડી ગામના પાટીયા પાસે નવરચના સ્ટોન પ્રોડક્ટ યુનિટ નામનો ભરડીયો આવેલ છે

ત્યાં આરોપી પંકજકુમાર ફકીરચંદ સોલંકી તેની પાસે આવેલ હતા અને તેણે રાજપૂત સમાજમાંથી આવતા હોવાની ખોટી ઓળખ અને પરિચય આપ્યો હતો અને વીવીઆઈપીના અંગત મિત્ર હોવાનું અને કેન્દ્ર સરકારના વિદેશ વિભાગમાં મહત્વના કર્મચારી તેમજ વહીવટ કરતા હોવાનું જણાવીને ફરિયાદીની સાથે ઠગાઈ કરવાના ઇરાદે ફરિયાદીની જેઠવા સ્ટોન પ્રોડકટ નામની ભાગીદારી પેઢીમાંથી મીકામી ઇન્ડસ્ટ્રીઝ પ્રાઇવેટ લિમિટેડને 75 લાખ રૂપિયા આપેલ હતા જે પરત નહીં આપી તેની સાથે વિશ્ર્વાસઘાત કરવામાં આવેલ છે. અનિલભાઈ ઠક્કર દ્વારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે બે શખ્સો સામે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે કલમ 120(બી) 406, 419 અને 420 મુજબ ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.


Advertisement
Advertisement
Advertisement