મોરબી પાસેથી વધુ 11052 બોટલ દારૂ પકડાયો : 20 લાખનો મુદ્દામાલ જપ્ત

29 September 2022 12:51 PM
Morbi Crime Saurashtra
  • મોરબી પાસેથી વધુ 11052 બોટલ દારૂ પકડાયો : 20 લાખનો મુદ્દામાલ જપ્ત
  • મોરબી પાસેથી વધુ 11052 બોટલ દારૂ પકડાયો : 20 લાખનો મુદ્દામાલ જપ્ત

સોખડા ગામની સીમમાંથી મધ્યપ્રદેશના ટ્રક ડ્રાઇવરની ધરપકડ : નયન ગઢવીનું નામ ખુલ્યું : એલસીબીએ 24 કલાકમાં રૂ.બાવન લાખથી વધુનો શરાબ પકડયો

(જીજ્ઞેશ ભટ્ટ) મોરબી, તા.29 : મોરબી એલસીબીના સ્ટાફને મળેલ બાતમીને આધારે સ્ટાફે મોરબીના માળિયા હાઇવે ઉપર આવેલ સોખડા ગામ પાસેના કિશનગઢ ગામની સીમમાં રેડ કરી હતી જ્યાંથી મળી આવેલ ટ્રકમાં સર્ચ કરવામાં આવતા વિદેશી દારૂની 9636 બોટલ તેમજ બિયરના 1416 ટીન મળી આવતા દારૂ તેમજ બીયરનો જથ્થો તથા ટ્રક મળીને હાલમાં રૂા.20.24 લાખના મુદામાલની સાથે મધ્યપ્રદેશના એક ડ્રાઇવરની ધરપકડ કરવામાં આવેલ છે અને સોખડા ગામના ગઢવી ઈસમ સહિતનાઓની પોલીસ દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી છે.

મોરબી એલસીબીની ટીમે એક જ રાતમાં જુદી જુદી બે જગ્યાઓએ દારૂ અંગે રેડ કરીને અધધ વિદેશી દારૂનો જથ્થો પકડી પાડ્યો હતો.જેમાં મોરબીના રવાપર-લીલાપર રોડ ઉપર આવેલ રાધે પાર્ટી પ્લોટ પાછળ ગૌશાળા નજીકના ગોડાઉનમાં રેડ કરીને ત્યાંથી 8988 બોટલ વિદેશી દારૂ કિંમત રૂપિયા 40,51,800 નો મુદામાલ પકડી પાડવામાં આવ્યો હતો. તે દરમિયાનમાં એલસીબીના સ્ટાફને મળેલ બીજી બાતમી મળી હતી.જેમા એલસીબીના સ્ટાફના નિરવભાઈ મકવાણા, ભરતસિંહ ડાભી અને દશરથસિંહ પરમારને બાતમી મળી હતી કે સોખડાના રહેવાસી નયન રાયકાભાઇ ગઢવી દ્વારા દારૂનો જથ્થો ઉતારવામાં આવનાર છે.તેવી મળેલ હકીકત આધારે ઉપરી અધિકારીઓને વાકેફ કરીને એલસીબીના સ્ટાફ દ્વારા મોરબીના માળીયા હાઇવે ઉપર આવેલ સોખડા ગામ નજીક કિશનગઢ ગામની સીમમાં રેડ કરવામાં આવી હતી.

જ્યાં બાતમી મુજબનો ટ્રક નંબર જીજે 7 ઝેડ 7524 મળી આવ્યો હતો અને તે ટ્રકની તલાસી લેવામાં આવતા ટ્રકમાંથી વિદેશી દારૂની જુદીજુદી બ્રાન્ડની કુલ 9636 બોટલ કિંમત રૂા.11,82,000 તેમજ બિયરના 1416 ટીન મળી આવ્યા હતા જેથી રૂા.1,41,600 ની કિંમતનો બિયરનો જથ્થો એમ કુલ મળીને દારૂ-બિયરની 11,052 બોટલો કિંમત રૂપિયા 13,23,600 તેમજ રૂપિયા સાત લાખનો ટ્રક એમ કુલ રૂા.20,23,600 ની મતા સાથે સ્થળ ઉપરથી એલસીબીના સ્ટાફ દ્વારા મદન અજુદી કંન્છેદી વિશ્વકર્મા મિસ્ત્રી (ઉંમર 36) ધંધો ડ્રાઇવિંગ રહે.ધૌરાજ જેરથ ગામ તાલુકો બટીગઢ જિલ્લો દમોહ મધ્યપ્રદેશની ધરપકડ કરવામાં આવી હતી હાલમાં મદન મિસ્ત્રી ઉપરાંત દારૂ મંગાવનાર મોરબી તાલુકાના સોખડા ગામના નયન રાયકાભાઈ ગઢવી તેમજ તપાસમાં ખૂલે તે તમામ સામે મોરબી તાલુકા પોલીસ મથક ખાતે ગુનો નોંધાવીને તે બુટલેગરોની પોલીસ દ્રારા શોધખોળ શરૂ કરવામાં આવેલ છે.

વાહન અકસ્માતમાં ઇજા
ટંકારા તાલુકાના સજ્જનપર ગામે રહેતા પ્રભુલાલ કરમશીભાઈ માધાણી નામનો 39 વર્ષનો યુવાન કોઠારીયા-જડેશ્વર રોડ ઉપરથી બાઈક લઈને જતો હતો ત્યારે અન્ય બાઇકની સાથે તેનું બાઈક અથડાતા તેને સારવાર માટે મોરબી ખસેડાયો હતો.જ્યારે વજેપર રહેતા અકબરભાઇ જીવરાની નામના 63 વર્ષીય વૃદ્ધ જોધપર નદી ગામે ગરબી ચોક પાસે સાપ કરડી જતા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

ઝેરી દવા પી જતા સારવારમાં
હળવદના મંજુબેન મનોજભાઈ રાઠવા નામના 50 વર્ષની આધેડ મહિલાએ તેમના ઘેર કોઈ કારણોસર ઝેરી દવા પી લેતા તેને અહીંની સિવિલ હોસ્પિટલે લાવવામાં આવ્યા હતા જેથી એ ડિવિઝન પોલીસ મથકના વિપુલભાઈ ફુલતરીયા દ્વારા તપાસ કરવામાં આવી હતી.જ્યારે જામનગરના જોડિયા તાલુકાના પીઠડ ગામે રહેતા કૈલાષભાઈ રામસિંગભાઈ રાજાવત નામના 50 વર્ષના આધેડને પીઠડ ગામે વસંતભાઈની વાડીએ કામ દરમિયાન સાપ કરડી જતા તેમને પણ અહીંની સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.


Related News

Advertisement
Advertisement
Advertisement