જુનાગઢમાં સ્કીમનાં નામે લાખોની છેતરપીંડી કરનાર લક્ષ્મી જવેલર્સ પેઢી સામે આખરે ગુનો નોંધાયો

29 September 2022 12:55 PM
Junagadh
  • જુનાગઢમાં સ્કીમનાં નામે લાખોની છેતરપીંડી કરનાર લક્ષ્મી જવેલર્સ પેઢી સામે આખરે ગુનો નોંધાયો

'સાંજ સમાચાર'નો અહેવાલ સાચો ઠર્યો : લોભામણી ઈનામી ડ્રોની સ્કીમ જાહેર કરી અનેક ગ્રાહકોને ફસાવ્યા: જવેલર્સ પરિવાર પેઢીને તાળા મારી ફરાર

જુનાગઢ તા.29
જુનાગઢ છાયાબજાર રોડ પર કાળા પાણાની સીડી નીચે ઉતરતા રોડ પર આવેલી જુની સોના-ચાંદીની પેઢીના સંચાલક પતિ-પત્નિ સામે જુદી જુદી સ્કીમો બહાર પાડી લોકોની રોકડ- સોનાના દાગીના લઈને ફરાર થઈ ગયાના સમાચાર થોડા દિવસો પૂર્વે નસાંજ સમાચારથમાં પ્રગટ થયા હતા. જે તે સમયે કોઈ ફરીયાદ થવા પામી ન હતી. જેના પડગા પડતા ગઈકાલે ચાર ફરીયાદ નોંધાઈ છે.

જુનાગઢ હાઉસીંગ બોર્ડ બિલ્ડીંગ નં.785 નંબર એમ 14 બ્લોકમાં રહેતા સામાન્ય જીવન જીવતા ફરીયાદી ગૌતમભાઈ હરસુખભાઈ (કનકપરા) કુંભાર (ઉ.42) એ ગત માર્ચમાં આરોપી છાયાબજાર કાળા પાણાની સીડી નીચે ઉતરતા સ્વામીનારાયણ મંદિરના રસ્તા નજીક બિપીન ધોળકીયા અને તેમના પત્નિ ઉષાબેન બીપીન ધોળકીયા લક્ષ્મી જવેલર્સ નામની 25 વર્ષ જુની પેઢી ચલાવતા હોય નાના સામાન્ય વ્યકિતઓ હાલના ઉંચા સોના ચાંદીના દાગીના બનાવી ન શકતા હોય જેથી કટકે કટકે નાણા જમા કરાવી પોતાના દિકરા દિકરી બહેનના લગ્ન માટે દાગીના બનાવવા માટે ચિટર બીપીન ધોળકીયાએ અનેક જુદી જુદી સ્કીમો બહાર પાડી હતી.

ઠાકોરજી ગ્રુપના નામની ઈનામી યોજનાની સ્કીમ ચલાવી આ ઈનામી યોજના નામે લોભામણી સ્કીમ બહાર પાડી ઈનામી ડ્રો બહાર પાડવાના નામે કોઈ ગ્રાહકોના નાણા જશે નહીં. તમામ ગ્રાહકોને દાગીના અથવા તો પોતાના નાણા મળી જશે. તેવો એક વેપારી તરીકે વિશ્વાસ આપેલ જેમાં ગૌતમભાઈ હરસુખભાઈ કનકપરા વાળા પાસેથી રૂા.10,500 તથા સોનાના દાગીના જેમાં રાઈણ ડીઝાઈનની માળા સોનાની હાંસડી હાર, તથા સોનાના બુટીયા વજન આશરે 5 તોલા રૂા.2,00,000 લાખ અન્ય સાહેદો માયાબેન રાઠોડ પાસેથી રૂા.1,50,800 સાહેદ હેમાંગભાઈ ચુડાસમા પાસેથી રૂા.1,20,000 તેમજ તેજસભાઈ ચુડાસમા પાસેથી રૂા.1,50,000 સ્કીમ હેઠળ મેળવી કુલ રૂા.6,31,300ની રોકડ લઈ જુની પેઢીના વેપારી તરીકે વિશ્વાસમાં લઈ વિશ્વાસઘાત છેતરપીંડી કરી ન તો દાગીના આપ્યા કે ન તો રોકડ રકમ પરત આપી ઘરે

અને દુકાને અલીગઢના તાળા વાસી જુનાગઢ છોડીને બન્ને પતિ પત્નિ થોડા દિવસો પહેલા નાસી છુટયા છે. આવા અનેક ગ્રાહકો દરરોજ દુકાને અને ઘરે ધકકા ખાઈ રહ્યા છે. સીસી ટીવી ફૂટેજમાં આઠ બેગો સાથે બન્ને પતિ-પત્નિ જુનાગઢ છોડીને પાતાળમાં ઉતરી ગયાની ચર્ચા થઈ રહી છે. આવી સ્કીમમાં મોટાભાગના સામાન્ય- નાના- ગરીબ માણસોના રૂપિયા અને દાગીના ઓળવી જઈ રફુચકકર થઈ ગયાનું જાણવા મળેલ છે. ગઈકાલે એ ડીવીઝન પોલીસમાં પ્રથમ ચાર લોકોએ ફરીયાદ નોંધાવી છે. આવા અસંખ્ય લોકોના નાણા ઓળવી જઈ ભાગી ગયાનું ચર્ચાય રહ્યું છે. એ ડીવીઝન પીઆઈ એમ.એમ. વાઢેરે તપાસ હાથ ધરી છે.


Advertisement
Advertisement
Advertisement