જેતપુરના જુની સાંકળીમાં પાંચ લાખની ઉઘરાણી મામલે માતા-પુત્ર પર હિચકારો હુમલો

29 September 2022 12:58 PM
Rajkot Crime
  • જેતપુરના જુની સાંકળીમાં પાંચ લાખની ઉઘરાણી મામલે માતા-પુત્ર પર હિચકારો હુમલો

તારા પિતા જીવતા ત્યારે રૂપિયા ઉછીના આપ્યા હતા, તે પાછા આપો કહી વૈરાગભાઈ અને તેની માતા પર કાકા, કાકી સહિતના શખ્સો તુટી પડયા: ઈજાગ્રસ્તને સારવારમાં ખસેડાયા: આરોપી સકંજામાં

રાજકોટ તા.29
જેતપુરના જુની સાંકળી ગામે રૂપીયા પાંચ લાખની ઉઘરાણી મામલે માતા-પુત્ર પર તેના કાકા-કાકી સહિતના શખ્સોએ પાઈપથી હીંચકારો હુમલો કરતાં બંનેને સારવારમાં ખસેડાયા હતા. બનાવ અંગે પોલીસ મથકે ફરિયાદ નોંધાતા આરોપીને સકંજામાં લીધા હતા.

બનાવ અંગે ફરિયાદી વૈરાગભાઈ પુનાભાઈ વાલાણી (રહે. જુની સાંકળી, જેતપુર) જણાવ્યુ હતું કે તે ખેતીકામ કરે છે અને તેના પિતાનું વર્ષ 2017માં મોત થયેલ હતું. હાલ તે તેની માતા કાંતાબેન સાથે રહે છે. વધુમાં જણાવ્યા મુજબ તેના કાકા મનુભાઈ દામજીભાઈ વાલાણી અવાર-નવાર ઘરે આવી મેં તારા પિતાજી જીવતા હતા ત્યારે પાંચ લાખ રૂપિયા હાથ ઉછીના આવેલ હતા જે મને પાછા આપો કહી અવારનવાર ઉઘરાણી કરતા હતાં જે બાબતે ફરિયાદીએ તેના પિતાજીએ રૂપિયા મામલે વાત કરેલ નથી તેવું કહેતાં ઝઘડો કરતા હતાં.

ગતરોજ વૈરાગભાઈ અને તેની માતા બાઈકમાં બેસી આરોપી મનુભાઈના ઘર પાસેથી પસાર થતા તેની બાઈક રોકી લોખંડના પાઈપથી હુમલો કર્યો હતો. જે બાદ મનુભાઈની પત્ની સરોજબેન અને તેની પુત્રી ખુશ્બુ પાઈપ સાથે ધસી આવ્યા હતા અને વૈરાગની માતા પર પણ મન ફાવે તેમ પાઈપથી હુમલો કરી નાશી છુટયા હતાં.જે બાદ બન્ને ઈજાગ્રસ્તોને લોહીલુહાણ હાલતમાં જેતપુર સરકારી હોસ્પીટલે સારવારમાં ખસેડાયા હતાં. બનાવ અંગેની ફરિયાદ પરથી જેતપુર તાલુકા પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ વિઠલભાઈ બાવળીયાએ હુમલો કરનાર ત્રણેય આરોપીને સકંજામાં લીધા હતા.


Related News

Advertisement
Advertisement
Advertisement