ખંભાળિયાનાં યુવાનને વ્યાજખોરની ધમકી

29 September 2022 01:13 PM
Jamnagar
  • ખંભાળિયાનાં યુવાનને વ્યાજખોરની ધમકી

ચુડેશ્વરનાં શખ્સ સામે ગુનો નોંધાયો

(કુંજન રાડીયા) જામ ખંભાળિયા, તા.29 : ખંભાળિયાના સલાયા ગેઈટ વિસ્તારમાં રહેતા એક યુવાને ચુડેશ્ર્વરના રહીશ એવા એક શખ્સ પાસેથી રૂ. છ લાખ હાથ ઉછીના લીધા બાદ પંદર ટકા વ્યાજ વસૂલવા ચુડેશ્ર્વરના આ શખ્સ દ્વારા પઠાણી ઉઘરાણી કરી, બિભત્સ ગાળો કાઢી, જાનથી મારી નાખવાની ધમકી આપવા સબબ અહીંના પોલીસ મથકમાં ધોરણસર ફરિયાદ નોંધાવવામાં આવી છે.

આ સમગ્ર બનાવની પોલીસ દફતરે જાહેર થયેલી વિગત મુજબ ખંભાળિયાના સલાયા ગેઈટ વિસ્તારમાં ભરવાડ પાળામાં રહેતા હીરાભાઈ દેવાભાઈ ચૌહાણ નામના 39 વર્ષના યુવાને ખંભાળિયા તાલુકાના ચુડેશ્ર્વર ગામે રહેતા જયદીપસિંહ ચંદ્રસિંહ જાડેજા પાસેથી આજથી આશરે નવેક માસ પૂર્વે રૂપિયા છ લાખની રકમ હાથ ઉછીની લીધી હતી. ત્યારબાદ હીરાભાઈએ જયદિપસિંહને ત્રણેક લાખ રૂપિયા ચૂકવી દીધા હતા અને બાકી રહેતા બીજા ત્રણ લાખ રૂપિયા થોડા સમયમાં આપી દેવા હીરાભાઈ જયદીપસિંહને જણાવ્યું હતું.

આમ છતાં પણ જયદીપસિંહ દ્વારા હીરાભાઈ ચૌહાણ પાસેથી બળજબરીપૂર્વક પૈસા પડાવી લેવાના ઇરાદાથી 15 ટકાના વ્યાજ લેખે કુલ રૂપિયા 13,00,000 આપવા પડશે તેમ કહી, પઠાણી ઉઘરાણી કરી હતી. આટલું જ નહીં, આરોપી શખ્સ દ્વારા બિભત્સ ગાળો કાઢી, જાનથી મારી નાખવાની ધમકી આપવા સબબ હીરાભાઈ દેવાભાઈ ચૌહાણએ ચુડેશ્વરના જયદીપસિંહ જાડેજા સામે અહીંના પોલીસ મથકમાં ધોરણસર ફરિયાદ નોંધાવી છે.


Advertisement
Advertisement
Advertisement