લખતર-લીંબડી રોડ ઉપર અકસ્માત

29 September 2022 01:29 PM
Surendaranagar
  • લખતર-લીંબડી રોડ ઉપર અકસ્માત

11 લોકોને નાની મોટી ઈજા : નવ મહિનાનાં બાળકનો આબાદ બચાવ

(ફારૂક ચૌહાણ) વઢવાણ, તા.29 : લખતર-લીંબડી રોડ ઉપર દેવળીયા ગામ નજીક લીલો ચાહટીયો (ઘાંસ) ભરેલું આઈશર પલટી ખાઈ જતા અકસ્માત સર્જાયો હતો. તેમાં હાલ બોટાદ રહેતા 11 પરપ્રાંતિય મજુરો ઘાસ નીચે દટાઇ જતા તમામને નાની મોટી ઈજા થઈ હતી. જ્યારે નવ મહિનાનાં બાળકનો આબાદ બચાવ થયો હતો.

અકસ્માતની મળતી વિગત એવી છે કે, લખતર તરફથી લીલો ચારો ભરીને બોટાદ તરફ આઇસર ટ્રક જઈ રહી હતી. ત્યારેે લખતર-લીંબડી રોડ ઉપર દેવળીયા ગામ નજીક પહોંચતા બસ સ્ટેન્ડ પાસે વરસાદના કારણે પડેલો ખાડો તારવવા જતા ડ્રાઈવરે કાબુ ગુમાવતાની સાથે વાહન પલટી મારી ગયુ હતું. પરિણામે લીલા ચારા નીચે નાના મોટા વ્યક્તિઓ સહિત 11 પરપ્રાંતિય મજુરો દટાયા હતા.

અકસ્માતની જાણ થતા સ્થાનિક લોકો ઘટનાસ્થળે દોડી ગયા હતા અને તમામને ભારે મહેનત બાદ બહાર કાઢયા હતા. તમામને નાની-મોટી ઈજાઓ થઈ હોવાથી 108ની મદદથી લખતર સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. એક મજુરને પગમાં ગંભીર ઈજા થવાથી વધુ સારવાર માટે સુરેન્દ્રનગર ખસેડવામાં આવ્યો હતો. અકસ્માતમાં નવ મહિનાનાં કિસ્મત નામનાં બાળકનો આબાદ બચાવ થયો હતો.


Advertisement
Advertisement
Advertisement