અમદાવાદ ખેલમહાકુંભ માટે સુરેન્દ્રનગર જિલ્લામાંથી 180 બસ ફાળવવામાં આવી : સ્થાનિક મુસાફરો હેરાન

29 September 2022 01:31 PM
Surendaranagar Saurashtra
  • અમદાવાદ ખેલમહાકુંભ માટે સુરેન્દ્રનગર જિલ્લામાંથી 180 બસ ફાળવવામાં આવી : સ્થાનિક મુસાફરો હેરાન
  • અમદાવાદ ખેલમહાકુંભ માટે સુરેન્દ્રનગર જિલ્લામાંથી 180 બસ ફાળવવામાં આવી : સ્થાનિક મુસાફરો હેરાન
  • અમદાવાદ ખેલમહાકુંભ માટે સુરેન્દ્રનગર જિલ્લામાંથી 180 બસ ફાળવવામાં આવી : સ્થાનિક મુસાફરો હેરાન

સુરેન્દ્રનગર જિલ્લામાંથી છાશવારે સરકારી કાર્યક્રમોમાં એસટી બસો ફાળવાતા મુસાફરોને હાડમારી ભોગવવી પડી રહી છે. તો બીજી તરફ અનેક એવા ગામો છે કે જયા આજે પણ એસટી બસની સુવિધા મળતી નથી.આવા ગામના લોકોને શહેર સુધી આવવા અને પરત ઘરે જવા માટે ખાનગી વાહનોની જોખમી મુસાફરી કરવી પડે છે. આજથી દોઢ દિવસ સુધી અમદાવાદ ખેલમહાકુંભમાં જિલ્લામાંથી 180 એસટી બસો એસટી તંત્રએ ફાળવણી કરી દીધી હોવાનું બહાર આવ્યુ છે. પરિણામે જિલ્લામાં ગુરૂ તેમજ શુક્રવારની બપોર સુધી 625 થી વધુ ટ્રીપો પર એસટી બસ નહી દોડે જેને કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડે તેવી સ્થિતિ સર્જાઇ છે.

અમદાવાદમાં નરેન્દ્ર મોદી મેદાનમાં આજે ખેલમહાકુંભ યોજાનાર છે. જેમાં ગુજરાતભરના વિદ્યાર્થીઓ ભાગ લેવાના છે. તેમજ આ કાર્યક્રમનુ ઉદ્દઘાટન પણ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી કરવાના છે. ત્યારે જિલ્લામાંથી પણ વિદ્યાર્થીઓ તેમજ તેની સાથેના લોકો સહિત અંદાજે કુલ 9,000 માણસો માટે એસટી તંત્ર પાસે 180 જેટલી એસટી બસોની માંગ કરવામાં આવી હોવાનું સૂત્રો પાસેથી બહાર આવ્યુ હતુ. જેમાં સુરેન્દ્રનગર-28, ધ્રાંગધ્રા-20, લીંબડી-20 અને ચોટીલા ડેપમાંથી-10 બસો તેમજ રાજકોટ, ગોંડલ, વાંકાનેર, મોરબી, જસદણ ડેપોની પણ જિલ્લામાં 102 સહિત કુલ 180 બસો દોડાવાશે.

જેને લઇને સુરેન્દ્રનગર જિલ્લામાં અંદાજે 625 જેટલી ટ્રીપો બંધ રહેવાની સાથે મુસાફરોને પણ તા. 29 સપ્ટેમ્બરથી લઇને તા. 30 સપ્ટેમ્બર બપોર સુધી ખાનગી વાહનોના ભરોસે રહેવાનો ઘાટ સર્જાયો છે. જિલ્લાના ગ્રામ્ય પંથકના લોકો માટે એસટી બસો લોકલરૂટો સાથે દોડાવવામાં આવી રહી છે. પરંતુ અવારનવાર સરકારી સહિતના કાર્યક્રમોમાં એસટી બસો જ દોડાવવામાં આવતી હોવાથી મુસાફરોને ખાનગી વાહનોના ભરોસે આવવુ-જવુ પડે છે. એસટી બસોની ફાળવણીમાં પણ મોટાભાગે ગામડાની રૂટોની બસનો ઉપયોગ થતા હોવાથી વિદ્યાર્થીઓ તેમજ મુસાફરોને હાલાકીનો સામનો કરવાનો વારો આવે છે. ત્યારે આ દોઢ દિવસ દરમિયાન પણ સૌથી વધુ ગામડાઓની એસટી બસોની ટ્રીપો બંધ રહેવાનુ બહાર આવ્યું હતું.

50 દિવસમાં જિલ્લામાંથી 481 બસ ફાળવાઈ
જિલ્લામાંથી 9 ઓગસ્ટે સુરેન્દ્રનગર વટેશ્ર્વર વન કાર્યક્રમમાં 11 ઓગસ્ટ-2022 બપોરથી 12 ઓગસ્ટ સુધી 200 બસો ફાળવતા 300 ટ્રીપો બંધ રહી હતી. જ્યારે 29 ઓગસ્ટ-20200ના રોજ અમદાવાદ અને ભુજના સરકારી કાર્યક્રમમાં 101 બસો ફાળવાતા 500 ટ્રીપો બંધ રહી હતી. ત્યારે હવે 28 થી 29 સપ્ટેમ્બર -2022 બપોર સુધી અમદાવાદ ખેલમહાકુંભમાં 180 બસો ફાળવાતા 625 ટ્રીપોને પણ અસર થશે. સરકારી કાર્યક્રમ માટે 50 દિવસમાં જિલ્લામાંથી 481 બસો ફાળવતા 1422 ટ્રીપોને અસરથી મુસાફરોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. (તસ્વીર / અહેવાલ : ફારૂક ચૌહાણ - વઢવાણ)


Related News

Advertisement
Advertisement
Advertisement