ઐતિહાસિક ચુકાદો : વૈવાહિક કે અવૈવાહિક દરેક મહિલાને ગર્ભપાતનો અધિકાર: સુપ્રીમ

29 September 2022 02:14 PM
India Woman
  • ઐતિહાસિક ચુકાદો : વૈવાહિક કે અવૈવાહિક દરેક મહિલાને ગર્ભપાતનો અધિકાર: સુપ્રીમ

♦ મેડીકલ ટર્મીનેશન ઓફ પ્રેગ્નેન્સી કાનૂનની મહત્વપૂર્ણ વ્યાખ્યા કરતી સર્વોચ્ચ અદાલત

♦ કોઈપણ મહિલાને વૈવાહિક કે અન્ય પ્રકારની સ્થિતિથી તેને ગર્ભપાતના અધિકારથી વંચિત રાખી શકાય નહી: ગર્ભાવસ્થાના 24 સપ્તાહમાં કાનૂન ગર્ભપાતનો અધિકાર દરેક મહિલાને આપે છે: વિધવા મહિલાઓ માટે 20 સપ્તાહની મર્યાદા પણ રદ કરતી સર્વોચ્ચ અદાલત

♦ પરિણીત મહિલા પર બળજબરીથી શારીરિક સબંધ બંધાય અને તે ગર્ભવતી બને તો તેને પણ ગર્ભપાતનો અધિકાર છે

નવી દિલ્હી તા.29
સર્વોચ્ચ અદાલતે આજે એક મહત્વના ચૂકાદામાં તમામ મહિલાઓને ગર્ભપાતના અધિકાર હોવાનું પ્રસ્થાપીત કર્યુ હતું અને એ પણ જણાવ્યું હતું કે જો કોઈ વૈવાહિક મહિલા પર પરાણે પ્રેગ્નન્સી લાદવામાં આવે તો તેને બળાત્કાર માનવામાં આવશે અને આ મહિલાને પણ ગર્ભપાતનો અધિકાર રહેશે. સર્વોચ્ચ અદાલતે જણાવ્યું હતું કે વૈવાહિક મહિલાઓની જેમ અવૈવાહિક મહિલાઓને પણ કોઈપણ જાતની મંજુરી વગર 24 સપ્તાહ સુધી ગર્ભપાતનો અધિકાર રહેશે.

સુપ્રીમ કોર્ટે એ પણ સ્પષ્ટ કર્યુ કે સુરક્ષિત ગર્ભપાત એ તમામ મહિલાઓનો અધિકાર છે પછી તેમાં તે પરણીત છે કે અપરણીત છે અથવા છૂટાછેડા લીધેલી છે કે વિધવા છે તે સ્ટેટસ આડુ આવશે નહી.

સુપ્રીમકોર્ટના ન્યાયમૂર્તિ ડી.વાય.ચંદ્રચૂડના અધ્યક્ષ પદ હેઠળની ખંડપીઠે આજે મેડીકલ ટર્મીનેશન ઓફ પ્રેગનેન્સી એકટની વિસ્તૃત વ્યાખ્યા કરી હતી. જેમાં જસ્ટીસ એસ.બોપન્ના તથા જસ્ટીસ જે.પી.પારડીવાલા દ્વારા મહિલાને તેના શરીર પર પૂર્ણ અધિકાર હોવાનું સ્થાપીત કર્યુ હતું.

હાલના નિયમ મુજબ વિધવા મહિલા 20 સપ્તાહ બાદ ગર્ભપાત કરાવી શકતા નથી જયારે અન્ય મહિલાઓને 24 સપ્તાહ સુધી ગર્ભપાતનો અધિકાર છે તેના પર અદાલતે ટિપ્પણી કરતા કહ્યું કે, કાનૂન કોઈ મહિલાના સ્ટેટસના આધારે આ પ્રકારે વર્ગીકરણ કરી શકે નહી.

કોઈપણ રીતે તે પ્રેગ્નેન્સી એટલે કે ગર્ભવતી બન્યા હોય તો તેને ગર્ભપાતનો પણ અધિકાર મળે છે. અદાલતે સ્પષ્ટ કર્યુ કે મહિલાઓ પાસેથી આ અધિકાર છીનવવો તે તેની ગરીમાને કચડવા જેવુ ગણાશે.


Related News

Advertisement
Advertisement
Advertisement