19 ઓક્ટોબરના વડાપ્રધાન મોદી રાજકોટમાં : રેસકોર્સમાં જંગી જાહેરસભા : ભવ્ય રોડ-શો

29 September 2022 03:38 PM
Rajkot Gujarat Politics Saurashtra
  • 19 ઓક્ટોબરના વડાપ્રધાન મોદી રાજકોટમાં : રેસકોર્સમાં જંગી જાહેરસભા : ભવ્ય રોડ-શો

રૂા. 5000 કરોડથી વધુના વિકાસ કામોનું થશે લોકાર્પણ-ખાતમુહુર્ત : નાનામવા-હોસ્પિટલ ચોક, રામાપીર ચોક ખાતે નવનિર્મિત ઓવરબ્રીજ ખુલ્લા મુકાશે :સાયન્સ મ્યુઝીયમનું ઉદ્દઘાટન : રાજકોટ-ગોંડલ સિક્સલેન હાઇવે પ્રોજેક્ટ, મકનસર કન્ટેનર ડેપો, છાપરા-ખીરસરા જીઆઈડીસી અને રાજકોટ-કાનાલુસ રેલવે લાઇનના ડબલીંગ પ્રોજેક્ટનું થશે ખાતમુહુર્ત : તડામાર તૈયારીઓ

રાજકોટ,તા. 29
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગતાની સાથે જ ભાજપે નગારે ઘા કરી ચૂંટણી પ્રચારના શ્રીગણેશ કરી દીધા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી ઓક્ટોબર માસમાં તારીખ 11ના જામકંડોરણા અને ત્યારબાદ તા.19ના રાજકોટની મુલાકાત લેનાર છે. આ અંગે રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ આરંભી દેવામાં આવી છે.

રાજકોટની વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તા. 19મીની મુલાકાત દરમિયાન રેસકોર્ષ ગ્રાઉન્ડમાં જંગી જાહેરસભા તેમજ ભવ્ય રોડ-શો આયોજીત કરવામાં આવનાર છે. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે 5000 કરોડથી વધુના વિકાસ કામોનાં લોકાર્પણ-ખાતમુર્હુત કરવામાં આવનાર છે. રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરોડોના આ વિકાસ કામોની યાદી પીએમઓ કાર્યાલયને મોકલી દેવામાં આવી છે.

શહેરના નાનામવા ચોક, હોસ્પિટલ ચોક અને રામાપીર ચોકડી ખાતે હાલ ચાલી રહેલા ઓવરબ્રીજ પ્રોજેક્ટના કામો પૂર્ણતાના આરે પહોંચીગયેલ હોય આ ત્રણેય બ્રીજનું લોકાર્પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવનાર છે. તેની સાથોસાથ ઇશ્વરિયા ખાતે કરોડોના ખર્ચે સાયન્સ મ્યુઝીયમનું કામ પરિપૂર્ણ થઇ ગયેલ હોય આ મ્યુઝીયમનું ઉદ્દઘાટન પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કરવાનો તખ્તો તૈયાર કરી દેવામાં આવેલ છે.

આ ઉપરાંત મકનસર (મોરબી) ખાતે નિર્માણ થનાર કન્ટેનર ડેપો, છાપરા તેમજ ખીરસરા ખાતે નવી જીઆઈડીસી, તેમજ રાજકોટ-ગોંડલ સિક્સલેન હાઇવે અને રાજકોટ-કાનાલુસ ડબલીંગ પ્રોજેક્ટનું ખાતમુર્હુત વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવનાર છે.

અહીં એ ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગત તા. 28 મેના રાજકોટ નજીકનાં આટકોટની મુલાકાત લઇ મલ્ટી સ્પેશ્યાલીટી હોસ્પિટલનું ઉદ્દઘાટન કર્યું હતું. જે બાદ હવે આગામી ઓક્ટોબર માસમાં રાજકોટ જિલ્લાની બે-બે વાર મુલાકાત લઇ જંગી જાહેરસભા ગજવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તા. 19 ઓક્ટોબરની રાજકોટની મુલાકાત દરમિયાન તેમનો ભવ્ય રોડ-શો યોજાવાની શક્યતા રહેલી છે.

વિધાનસભાની ચૂંટણીનું જાહેરનામુ પ્રસિધ્ધ થાય અને આચારસંહિતા લાગુ પડે તે પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતનો પ્રવાસ શરુ કરી દીધો છે. જેમાં આજ તેઓએ સુરત, ભાવનગર, અમદાવાદની મુલાકાત લીધી છે. જ્યારે આવતીકાલે તેઓ યાત્રાધામ અંબાજીની પણ મુલાકાત લઇ અંબે માની મહાઆરતી અને દર્શનનો લાભ લેશે.

જે બાદ તેઓ બીજા તબક્કામાં તા. 11ના જામકંડોરણા ખાતે જંગી જાહેરસભાને સંબોધન કરશે. ત્યારબાદ તા. 19 ઓક્ટો.ના સૌરાષ્ટ્રના પાટનગર રાજકોટની મુલાકાત લઇ 5000 કરોડથી વધુના વિકાસ કામોનું ખાતમુર્હુત-લોકાર્પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરશે. વડાપ્રધાનના આ કાર્યક્રમની તૈયારીઓનો ધમધમાટ વહીવટી તંત્ર દ્વારા શરુ કરી દેવામાં આવેલ છે.

રેસકોર્સમાં યોજાનાર વડાપ્રધાનની સભામાં એક લાખની જનમેદની ઉમટી પડશે
સુરક્ષા કવચ માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાશે : અધિકારીઓને સોંપાતી વિશેષ જવાબદારી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી તા. 19 ઓક્ટોબરે રાજકોટની મુલાકાત દરમિયાન રેસકોર્ષ ગ્રાઉન્ડમાં જંગી જાહેરસભા સંબોધશે. આ જાહેરસભામાં એક લાખની જનમેદની ઉમટી પડવાની શક્યતા રહેલી હોય આ ટાર્ગેટ મુજબ વહીવટી તંત્ર દ્વારા અત્યારથી જ તૈયારીઓનો ગ્રાફ તૈયાર કરવામાં આવી રહયો છે. વડાપ્રધાન મોદીની આ મુલાકાત સંદર્ભે ખાસ સુરક્ષા કવચ પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા ગોઠવવામાં આવનાર છે. આ માટે પોલીસ અધિકારીઓને વિશેષ જવાબદારી સોંપવામાં આવશે.

વડાપ્રધાનના કાફલાના એરક્રાફટ માટે હેલીપેડ તેમજ સ્ટેજ તૈયાર કરવાની જવાબદારી કલેક્ટર તંત્રને શિરે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી તા. 11ના જામકંડોરણા અને તા. 19 ઓક્ટો.ના રાજકોટની મુલાકાત લેનાર હોય વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમના કાફલાના એરક્રાફ્ટ માટે ખાસ હેલીપેડ તૈયાર કરવાની જવાબદારી કલેક્ટર તંત્રને સોંપવામાં આવી છે. કલેક્ટર તંત્ર દ્વારા આ હેલીપેડ ઉપરાંત વડાપ્રધાનના કાર્યક્રમ માટે ભવ્ય સ્ટેજ પણ તૈયાર કરવામાં આવનાર છે.

અહીં એ ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જામકંડોરણાનો કાર્યક્રમ નક્કી થતા તાજેતરમાં રાજકોટ જિલ્લા કલેક્ટર અરુણ મહેશ બાબુ તેમજ પોલીસ વડા સહિતના ઉચ્ચ અધિકારીઓએ જામકંડોરણા દોડી ગઇ વડાપ્રધાનના કાર્યક્રમની સ્થળ મુલાકાત લઇ ચકાસણી કરી હતી.


Related News

Advertisement
Advertisement
Advertisement