ચૂંટણી તૈયારી પૂરજોશમાં : 906 મતદાન મથક સંવેદનશીલ : 28 ટીમની રચના

29 September 2022 04:12 PM
Rajkot Politics
  • ચૂંટણી તૈયારી પૂરજોશમાં : 906 મતદાન મથક સંવેદનશીલ : 28 ટીમની રચના

♦ વિધાનસભા ચૂંટણી માટે આયોજન ગોઠવવામાં વ્યસ્ત થતું વહિવટી તંત્ર

♦ 1250 બુથોનું થશે વેબ કાસ્ટીંગ

♦ ફેક ન્યુઝ અને એસએમએસ પર મોનીટરીંગ માટે એડી. કલેક્ટરના વડપણ હેઠળ ખાસ ટીમની રચના : વીડિયોગ્રાફી-સર્વેલન્સ માટે 28 ટીમના કર્મચારીઓને વિશેષ જવાબદારી : જિલ્લામાં 15600 દિવ્યાંગ, 80 વર્ષથી વધુના 54000 અને 128 જેટલાં ટ્રાન્સજેન્ડર મતદારો

રાજકોટ,તા. 29
ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું કાઉન્ટડાઉન શરુ થતાની સાથે જ રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પૂરજોશમાં તૈયારીઓ શરુ કરી દેવામાં આવી છે. ચૂંટણી તૈયારીઓમાં કોઇ કચાશ ન રહે તે માટે જિલ્લા કલેક્ટર અરુણ મહેશ બાબુ દ્વારા ખાસ ચોકસાઈ દાખવવામાં આવી રહી છે. આ અંગે કલેક્ટર અરુણ મહેશ બાબુએ જણાવ્યું હતું કે રાજકોટ જિલ્લામાં 906 જેટલાં મતદાન મથકો સંવેદનશીલ છે. આ મતદાન મથકો ઉપર વિશેષ પોલીસ બંદોબસ્ત મુકી દેખરેખ રાખવામાં આવશે.

આ ઉપરાંત જિલ્લામાં 2253 જેટલાં મતદાન મથકો છે તે પૈકીના 50 ટકા એટલે કે 1250 જેટલા બુથોનું વેબ કાસ્ટીંગ કરવામાં આવશે. ચૂંટણીના દિવસો દરમિયાન રાજકીય પક્ષો દ્વારા રોકડની હેરફેર ન થાય તે માટે સર્વેલન્સ ટીમ સ્ટેન્ડ રહેશે. ટ્રાફીક, વીડિયોગ્રાફી અને સર્વેલન્સ માટે 28 ટીમોની રચના કરી દેવામાં આવી છે. આ ઉપરાંત ફેક ન્યૂઝ પર લગામ અને એસએમએસ પર મોનીટરીંગ કરવા માટે એડીશનલ કલેક્ટરના વડપણ હેઠળ ખાસ ટીમની પણ રચના કરવામાં આવી છે.

વિધાનસભાની ચૂંટણી માટે 17 પ્રકારના નોડલ અધિકારીઓની પણ નિયુક્તિ કરી દેવામાં આવી છે. જેમાં ચૂંટણી ખર્ચ, તાલીમ, મતદાર યાદી, ફરિયાદો માટે સહિતની જવાબદારી આ નોડલ ઓફીસરોને સોંપવામાં આવી છે. વિધાનસભાની આ ચૂંટણીમાં વૃધ્ધો અને સગર્ભાને ચૂંટણી કામગીરીમાં નહીં લેવા માટે પ્રાથમિકતા અપાય છે.

સામાન્ય કારણોમાં કર્મચારીઓને ચૂંટણીની કામગીરીમાંથી મુક્તિ અપાશે નહીં. સર્વગ્રાહી તપાસ કર્યા બાદ કર્મચારીઓની રજા મંજૂર કરવામાં આવશે. કલેક્ટર અરુણ મહેશ બાબુએ વિશેષમાં જણાવ્યું હતું કે રાજકોટ જિલ્લામાં 15600 જેટલાં દિવ્યાંગ મતદારો, 80 વર્ષથી વધુના 54000 મતદારો અને 128 જેટલાં ટ્રાન્સજેન્ડરની નોંધણી થવા પામી છે. આ દિવ્યાંગ મતદારો, 80 વર્ષથી વધુ વયના વૃધ્ધ મતદારો અને ટ્રાન્સજેન્ડરોને મતદાન માટે બેલેટ પેપર મારફત મતદાન કરવાનો વિકલ્પ અપાશે.

આ ઉપરાંત ચૂંટણીના દિવસો દરમિયાન રાજકોટ જિલ્લા કલેક્ટર કચેરીમાં ખાસ કંટ્રોલ રુમ ધમધમતો કરાશે.જિલ્લામાં ગત વિધાનસભાની ચૂંટણીમાં જે મતદાન મથકો પર ઓછું મતદાન થયેલ છે ત્યાં કલેક્ટર તથા પોલીસ વડા દ્વારા ખાસ મુલાકાત કરવામાં આવી રહી છે. આવા વિસ્તારોમાં મતદાન વધે તે માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ચૂંટણીમાં બોગસ મતદાન ન થાય તે પર બાજનજર રાખવામાં આવશે.

દિવ્યાંગો, વયોવૃધ્ધો, ટ્રાન્સજેન્ડરોને બેલેટ પેપર મારફત મતદાન કરવાનો પણ વિકલ્પ
ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણીમાં દિવ્યાંગો, 80 વર્ષથી ઉપરના વયોવૃધ્ધો, ટ્રાન્સજેન્ડરોને બેલેટ પેપર મારફત મતદાન કરવાનો પણ વિકલ્પ અપાશે તેમ જિલ્લા કલેક્ટર અરુણ મહેશ બાબુએ જણાવી ઉમેર્યું હતું કે આ દિવ્યાંગો, બુઝર્ગો અને ટ્રાન્સજેન્ડરો મતદાન મથકો પર જઇ પણ મતદાન કરી શકશે. તેની સાથોસાથ તેઓને મતદાન કરવા માટે અન્ય એક વિકલ્પ આપવામાં આવશે જેમાં તેઓના ઘરે બેલેટ પેપર લઇ બીએલઓને દોડાવવામાં આવશે.

કલેક્ટર કચેરીમાં કંટ્રોલ રૂમ ધમધમશે
ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું જાહેરનામુ પ્રસિધ્ધ થયા બાદ જિલ્લા કલેક્ટર કચેરીમાં ખાસ કંટ્રોલ રુમ ધમધમતો કરી દેવામાં આવશે. ચૂંટણી અંગેની ફરિયાદો આ કંટ્રોલ રુમમાં નાગરિકો કરી શકશે. ચૂંટણી દરમિયાન બોગસ મતદાન ન થાય અને કોઇ અનિચ્છનીય ઘટના ન બને તે માટે વહીવટી તંત્ર અને ચૂંટણી પંચ દ્વારા બાજનજર રાખવામાં આવશે.


Related News

Advertisement
Advertisement
Advertisement