હું કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણી નહીં લડુ : અશોક ગેહલોતની જાહેરાત : મુખ્યમંત્રી રહીશ કે નહીં તે મને ખ્યાલ નથી

29 September 2022 04:15 PM
India Politics
  • હું કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણી નહીં લડુ : અશોક ગેહલોતની જાહેરાત : મુખ્યમંત્રી રહીશ કે નહીં તે મને ખ્યાલ નથી

♦ રાજસ્થાનમાં જે કાંઇ થયું છે તે બદલ મેં સોનિયા ગાંધીની માફી માગી લીધી છે : દિલ્હીમાં મુલાકાત બાદ નિવેદન

♦ રાજસ્થાનના મુખ્યમંત્રીએ સસ્પેન્સ વધાર્યું : કોંગ્રેસ પ્રમુખપદ માટે હવે શશી થરૂર, દિગ્વીજયસિંહ કે ત્રીજુ નામ : સોનિયા પર નજર

નવી દિલ્હી,તા. 29
કોંગ્રેસમાં નવા રાષ્ટ્રીય પ્રમુખની ચૂંટણીમાં વધુ એક યુ-ટર્ન આવ્યો છે અને અત્યાર સુધી કોંગ્રેસ મોવડી મંડળ માટે ફેવરીટ ગણાતા અશોક ગેહલોતએ હવે અધ્યક્ષની ચૂંટણી નહીં લડવાની જાહેરાત કરી છે. રાજસ્થાનના મુખ્યમંત્રી દ્વારા પોતે કોંગ્રેસનાં રાષ્ટ્રીય પ્રમુખ બને તો તેમના સ્થાને મુખ્યમંત્રી પદે તેમના જૂથના કોઇ વ્યક્તિને મુકવાની જે શરત હતી.

રાજસ્થાનમાં જે રીતે ગેહલોત જૂથે શક્તિ પ્રદર્શન કરીને મોવડી મંડળને પડકાર્યું તે બાદ દિલ્હીમાં કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ સોનિયા ગાંધીએ ગેહલોત જૂથ સામે આકરા પગલા લેવાની તૈયારી કરી હતી. તે વચ્ચે આજે દિલ્હી પહોંચેલા અશોક ગેહલોતે સોનિયા ગાંધી સાથે લગભગ 1 કલાક સુધી વાતચીત કર્યા બાદ જણાવ્યું કે રાજસ્થાનમાં જે કાંઇ બન્યું તે બદલ મેં સોનિયા ગાંધીની માફી માગી લીધી છે.

હું રાષ્ટ્રીય પ્રમુખની ચૂંટણી લડવાનો નથી. જ્યારે રાજસ્થાનના મુખ્યમંત્રી અંગે હજુ સસ્પેન્સ યથાવત છે. ગેહલોતે જણાવ્યું કે આ નિર્ણય સોનિયા ગાંધી કરશે. આમ કોંગ્રેસની પ્રમુખની ચૂંટણીમાં કોંગ્રેસ મોવડી મંડળ કોના પર પસંદગી કરે છે તે પર સૌની નજર છે. ગેહલોતે એવું જણાવ્યું કે હું મુખ્યમંત્રી રહીશ કે નહીં તે મને ખ્યાલ નથી. આ નિર્ણય સોનિયા ગાંધી કરશે.

બીજી તરફ કોંગ્રેસ પ્રમુખ પદની ચૂંટણી માટે શશી થરુર બાદ દિગ્વીજયસિંહે પણ ચૂંટણી લડવાની જાહેરાત કરી છે.અને કોંગ્રેસ મોવડી મંડળ આ બેમાંથી કોઇ એકને નવા રાષ્ટ્રીય પ્રમુખ તરીકે પસંદ કરે છે કે પછી કોઇ ત્રીજા નામને આગળ ધરશે તે પણ સસ્પેન્સ છે.

તો તમામ ધારાસભ્યો રાજીનામા આપી દેશે: ગેહલોત જૂથની વધુ ધમકી
રાજસ્થાનમાં મુખ્યમંત્રીપદેથી અશોક ગેહલોટનું રાજીનામુ આપી કોંગ્રેસ પ્રમુખપદ સ્વીકારવાની ફોર્મ્યુલામાં હવે સચીન પાયલોટ માટે પણ મુખ્યમંત્રીપદ પ્રતિષ્ઠાનો પ્રશ્ર્ન બની ગયો છે તે વચ્ચે ગહલોટ જૂથે ધમકી આપી છે કે જો સચીન પાયલોટને મુખ્યમંત્રી બનાવાશે તો તમામ ધારાસભ્યો રાજીનામા આપી દેશે.

જો કે કોંગ્રેસ મોવડીમંડળ હવે ગેહલોટ જૂથની આવી ધમકીને માન્ય રાખે તેવી શકયતા નથી. પરંતુ જે રીતે અશોક ગેહલોટ રાજકીય રીતે મહત્વના છે તે જોતા તેમની સામે પગલા અંગે પણ કોંગ્રેસ મોવડીમંડળ હજુ નિશ્ચિત નથી.


Related News

Advertisement
Advertisement
Advertisement