શેરબજારમાં વલણના છેલ્લા દિવસે પ્રારંભીક તેજી બાદ ફરી પટકાયુ: કાલે રીઝર્વ બેંકની નીતિ પર મીટ

29 September 2022 05:09 PM
Business India
  • શેરબજારમાં વલણના છેલ્લા દિવસે પ્રારંભીક તેજી બાદ ફરી પટકાયુ: કાલે રીઝર્વ બેંકની નીતિ પર મીટ

સેન્સેકસ 600 પોઈન્ટ ઉછળ્યા બાદ રેડઝોનમાં: બેંક શેરોમાં દબાણ

રાજકોટ તા.29 : મુંબઈ શેરબજાર પ્રારંભીક તેજી બાદ ફરી પટકાઈને રેડઝોનમાં ઉતરી ગયુ હતું. ઉંચા મથાળે આક્રમણકારી વેચવાલી હતી. શેરબજારમાં આજે શરૂઆત ગેપઅપ હતી. વૈશ્વીક બજારોની તેજીનો પડઘો હતો. પરંતુ ઉછાળે વિદેશી સંસ્થાઓ તથા લોકલ ઓપરેટરોનો માલ ફુંકાવા લાગતા માર્કેટ પાછુ પડવા લાગ્યુ હતું. ફોલોઅપ ટેકો નહીં મળતા માર્કેટ દબાણ હેઠળ જ હતું.

જાણીતા શેરબ્રોકરોના કહેવા પ્રમાણે બુધવારે વિદેશી સંસ્થાઓએ 2700 કરોડનું વેચાણ કર્યાના આંકડા જાહેર થતા ખચકાટ હતો. કાલે રિઝર્વ બેંક ધિરાણનીતિની સમીક્ષામાં વ્યાજદરમાં કેટલો વધારો જાહેર કરે છે તેના પર મીટ માંડવામાં આવતી હતી. અગાઉ 0.35 ટકાના વ્યાજવધારાની ગણતરી હતી. પરંતુ મોંઘવારી ઘટતા વિદેશી હુંડીયામણથી તે વધારો 0.50 ટકા રહેવાની આશંકા વ્યક્ત થતા ગભરાટ હતો. આજે સપ્ટેમ્બર ફયુચરનો છેલ્લો દિવસ હતો એટલે નવા વેપારમાં સાવચેતી હતી લેણ ફુંકાયા હતા.

શેરબજારમાં આજે બજાજ ફાઈનાન્સ, કોટક બેંક, લાર્સન, મારૂતી, સ્ટેટ બેંક, ટીસીએસ, એશિયન પેઈન્ટસ, ટેક મહીન્દ્ર, હીરો મોટો, બજાજ ઓટો વગેરે તૂટયા હતા. ડો. રેડ્ડી, ઈન્ડુસઈન્ડ બેંક, ઈન્ફોસીસ, મહીન્દ્ર, નેસલે, પાવરગ્રીડ, ઓએનજીસી, હિન્દાલ્કો, એપોલો હોસ્પીટલમાં સુધારો હતો. મુંબઈ શેરબજારનો સેન્સીટીવ ઈન્ડેકસ 65 પોઈન્ટના ઘટાડાથી 56533 હતો તે ઉંચામાં 57166 તથા નીચામાં 56314 હતો. નેશનલ સ્ટોક એકસચેંજનો નિફટી 6 પોઈન્ટ ઘટીને 16852 હતો તે ઉંચામાં 17026 તથા નીચામાં 16788 હતો. કરન્સી માર્કેટમાં ડોલર સામે રૂપિયો 4 પૈસા વધીને 81.90 હતો.


Related News

Advertisement
Advertisement
Advertisement