એસ્ટ્રોન ચોકમાં પાસે ઉભો રહીને મોબાઈલમાં ક્રિકેટ સટ્ટો રમતો યુવાન પકડાયો

29 September 2022 05:45 PM
Rajkot Crime
  • એસ્ટ્રોન ચોકમાં પાસે ઉભો રહીને મોબાઈલમાં ક્રિકેટ સટ્ટો રમતો યુવાન પકડાયો

બેટવોર777 નામનું માસ્ટર આઈડી મળ્યું: યુવાનને જુગાર રમવા આઈડી કોણે આપ્યું તેની સ્પષ્ટતા નહીં: એક લાખ રોકડ સહિત રૂા.1.30 લાખનો મુદ્દામાલ કબજે

રાજકોટ, તા.29
ભારત-આફ્રિકા, ઈંગ્લેન્ડ-પાકિસ્તાન, રોડ સેફ્ટી લીગ, વર્લ્ડ જાયન્ટસ લીગ, કેરેબિયન પ્રિમીયર લીગ સહિતની અનેક ટૂર્નામેન્ટ અત્યારે દેશ-વિદેશમાં રમાઈ રહી છે અને તેનો આનંદ ક્રિકેટરસિકો ઉઠાવી રહ્યા છે. સાથે સાથે આ મેચ ઉપર સટ્ટો રમી લેવાની મોસમ પણ પૂરબહારમાં ખીલી ઉઠી હોય તેવી રીતે ઠેકઠેકાણે દરરોજ લાખો-કરોડો રૂપિયાની હારજીતના સોદા થવાનું શરૂ થઈ ચૂક્યું છે.

જો કે રાજકોટમાં જેટલો સટ્ટો રમાય છે તેના એક ભાગનો પણ પકડાતો નહીં હોવાની વરવી વાસ્તવિક્તા વચ્ચે પોલીસ અત્યારે આ દૂષણને ડામવા મહેનત કરી રહી છે. દરમિયાન એસ્ટ્રોન ચોકમાં રોડ ઉપર ઉભા રહીને મોબાઈલ ફોનમાં ક્રિકેટ સટ્ટો રમી રહેલા યુવાનને ક્રાઈમ બ્રાન્ચે પકડી પાડ્યો છે. ક્રાઈમ બ્રાન્ચના જવાનો પેટ્રોલિંગમાં હતા

ત્યારે એસ્ટ્રોન ચોક પાસે આવેલી આઈસીઆઈસીઆઈ બેન્ક સામેના રોડ ઉપર હાર્દિકગીરી વિલાસગીરી ગોસાઈ (ઉ.વ.24) મોબાઈલમાં શંકાસ્પદ હિલચાલ કરી રહ્યો હોવાનું જણાઈ આવતાં તેની અટકાયત કરી મોબાઈલ ચેક કરતાં તેમાંથી બેટવોર777 ડોટ કોમ નામનું માસ્ટર આઈડી મળી આવ્યું હતું. હાર્દિક ગોસાઈ આ માસ્ટર આઈડી થકી ક્રિકેટ મેચ પર રનફેરના સોદાઓ તેમજ લાઈવ કસીનો ગેમમાં હાર-જીત કરી રહ્યો હોવાનું ખુલતાં તેની ધરપકડ કરી રોકડા રૂા.1 લાખ અને 30 હજારનો મોબાઈલ ફોન મળી કુલ રૂા.1.30 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે અત્યાર સુધી પોલીસ દ્વારા ક્રિકેટ આઈડી સાથે જેટલા લોકોની પણ ધરપકડ કરવામાં આવી છે તેમાં મોટાભાગના પંટરોને જુગાર રમવા માટે આઈડી કોણે આપ્યું છે તેનો સ્પષ્ટ ખુલાસો કરવામાં આવી રહ્યો નથી ત્યારે આવું જ આ મામલાં પણ જોવા મળ્યું છે. પોલીસે હાર્દિકને તો પકડી લીધો પરંતુ તેને આઈડી કોણે આપ્યું તેનો ખુલાસો કરવામાં આવ્યો નથી આ ઉપરાંત હાર્દિકગીરી શું કામધંધો કરે છે અને ક્યાં રહે છે તેની સ્પષ્ટતા પણ કરવામાં આવી નથી.


Related News

Advertisement
Advertisement
Advertisement