જન્માષ્ટમી પર રમકડાં વેચવા આવેલી ટોળકીએ વકીલના મકાનને નિશાન બનાવી 34 લાખના ઘરેણા ચોર્યા

29 September 2022 05:55 PM
Rajkot Crime
  • જન્માષ્ટમી પર રમકડાં વેચવા આવેલી ટોળકીએ વકીલના મકાનને નિશાન બનાવી 34 લાખના ઘરેણા ચોર્યા
  • જન્માષ્ટમી પર રમકડાં વેચવા આવેલી ટોળકીએ વકીલના મકાનને નિશાન બનાવી 34 લાખના ઘરેણા ચોર્યા
  • જન્માષ્ટમી પર રમકડાં વેચવા આવેલી ટોળકીએ વકીલના મકાનને નિશાન બનાવી 34 લાખના ઘરેણા ચોર્યા

મેળો ભરાય ત્યારે સવારથી સાંજ સુધી રમકડાં વેચે’ને રાત્રે ચોરી કરવા નીકળી જતી મધ્યપ્રદેશની ‘પારઘી’ ગેંગના ત્રણ પકડાયા, ત્રણ ફરાર: વકીલ પરિવાર રજામાં બહાર ફરવા ગયાનું ધ્યાન પર આવતાં જ ચોરીને આપ્યો અંજામ: 20 લાખનો મુદ્દામાલ કબજે

રાજકોટ, તા.29 : તહેવારોની રજા દરમિયાન લોકો હરવા-ફરવા માટે જેટલા થનગની રહ્યા હોય એટલો જ થનગનાટ તસ્કરો અને ગઠિયાઓને રહેતો હોય છે ! લોકો જેવા પોતાના ઘરને તાળું મારીને બહાર જાય એટલે તસ્કર ટોળકી ત્રાટકીને તેમના મકાનમાંથી હજારો-લાખોની મત્તા ચોરી લેતી હોય છે. આવો જ એક બનાવ જામનગરની વાલકેશ્ર્વરી સોસાયટીમાં આવેલા એડવોકેટના મકાનમાં બનવા પામ્યો હતો. તેમના મકાનને જન્માષ્ટમીના મેળામાં રમકડા વેચવા આવેલી મધ્યપ્રદેશની કુખ્યાત પારઘી ગેંગે નિશાન બનાવી 34 લાખની કિંમતના ઘરેણા ચોરી લેતાં પોલીસે આ ગેંગને દબોચી લેવા માટે ચારે બાજુ તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. પોલીસને સફળતા સાંપડી હોય તેવી રીતે ચોરી કરનાર પારઘી ગેંગના ત્રણ લોકો 20 લાખના મુદ્દામાલ સાથે પકડાઈ ગયા છે જ્યારે આ ગેંગના હજુ ત્રણ આરોપીઓ ફરાર હોવાથી તેમને પકડવા તજવીજ ચાલી રહી છે.

આ અંગે જામનગર એસપી પ્રેમસુખ ડેલુ, ડીએસપી જયવીરસિંહ ઝાલા, એલસીબી પીઆઈ કે.જે.ભોયે માહિતી આપતાં જણાવ્યું કે ગત તા.19-8થી 23-8ના ચાર દિવસ દરમિયાન વાલકેશ્ર્વર સોસાયટીમાં મકાન ધરાવતાં રાજેશભાઈ અનંતરાય શેઠ તહેવાર નિમિત્તે બહારગામ ફરવા ગયા હોય તેમના રેઢા પડેલાં મકાનમાં પારઘી ગેંગે હાથફેરો કરીને સોના-ચાંદીના દાગીના કે જેની કિંમત રૂા.12.27 લાખ જેટલી થવાય છે તે અને 22 લાખની રોકડ મળી રૂા.34,27,000ની ચોરી કરી લીધી હતી. આ બનાવમાં પારઘી ગેંગનો જ હાથ હોવાની દૃઢ શંકાને પગલે પોલીસે જામનગરના પ્રદર્શન ગ્રાઉન્ડમાં જન્માષ્ટમીના તહેવાર દરમિયાન મેળામાં રમકડા તેમજ ફુગ્ગા વેચવા આવેલા મધ્યપ્રદેશના રાજુ રામદાસ મોગીયા, ચાવલા બાબુરામ મોગીયા, અજય વિશ્ર્નુ પારઘી, મંગલ મંગીલાલ મોંગીયા અને સમીર રમેશ મોગીયાની શોધખોળ શરૂ કરી હતી.

આ પછી જામનગર પોલીસે ઉપરોક્ત શખ્સોના મધ્યપ્રદેશના અશોકનગર, વિદિશા, ઉજ્જૈન, ગુના જિલ્લામાં રહેઠાણ સ્થળે તપાસ હાથ ધરી હતી પરંતુ ગેંગ હાથમાં આવી નહોતી. દરમિયાન તાજેતરમાં જ પોલીસને બાતમી મળી હતી કે આ ગેંગ ધ્રોલમાં ચોરી કરેલા દાગીના વેચવા આવી છે જે પછી તાત્કાલિક ધ્રોલમાં દરોડો પાડી રાજુ રામદાસ મોગીયા, અજય વિશ્ર્નુ પારઘી અને ચાવલા બાબુરામ મોગીયાને પકડી પાડ્યા હતા. જ્યારે મંગલ, સમીર અને વિમલાબાઈ ફરાર થઈ ગયા હોય તેમને પકડવા કાર્યવાહી ચાલી રહી છે. પોલીસે પકડાયેલા આરોપી પાસેથી સોના-ચાંદીના દાગીના, રોકડ સહિત કુલ રૂા.20,20 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસે વધુમાં જણાવ્યું કે પારઘી ગેંગ દ્વારા ગુજરાત ઉપરાંત તેલંગણા, મધ્યપ્રદેશ સહિતના રાજ્યોમાં પણ ચોરીને અંજામ આપ્યો હોય તે દિશામાં પણ તપાસ ચાલી રહી છે.


Related News

Advertisement
Advertisement
Advertisement