રેપોરેટમાં 50 બેઝીક પોઇન્ટનો વધારો : ફરી બેન્ક ધીરાણો મોંઘા થશે : EMI વધશે

30 September 2022 10:35 AM
Business India World
  • રેપોરેટમાં 50 બેઝીક પોઇન્ટનો વધારો : ફરી બેન્ક ધીરાણો મોંઘા થશે : EMI વધશે

♦ કોવિડ, રશિયા-યુક્રેન બાદ હવે ફુગાવો ભારત સહિત વિશ્વના અર્થતંત્ર માટે ત્રીજો મોટો આંચકો : રિઝર્વ બેન્ક

♦ રિઝર્વ બેન્કની મોનેટરી પોલીસી કમિટી દ્વારા 5/1ની બહુમતીથી નિર્ણય : મોંઘવારીનો ખતરો યથાવત : RBI ના વડા શક્તિકાંતા દાસનો સ્વીકાર : રેપોરેટ હવે 5.9 ટકા : નાણાકીય વર્ષના અંત સુધીમાં હજુ વ્યાજ દર વધારવા પડે તેવા સંકેત : અન્ય તમામ યથાવત રખાયા

મુંબઈ,તા. 30
દેશમાં સતત ઉંચા રહેલા ફુગાવાની સ્થિતિ તથા આંતરરાષ્ટ્રીય સ્તરે પણ અમેરિકા સહિતના દેશો દ્વારા ફુગાવાને ડામવા માટે વ્યાજ દર વધારવાના કરાયેલા નિર્ણયને પગલે આજે ભારતમાં પણ રિઝર્વ બેન્કઓફ ઇન્ડીયાએ ધીરાણ મોંઘુ બનાવ્યું છે અને રેપોરેટમાં 50 બેઝીક પોઇન્ટનો વધારો જાહેર કર્યો છે. રિઝર્વ બેન્કના ગવર્નર શક્તિકાંતા દાસે આજે જણાવ્યું હતું કે, છેલ્લા અઢી વર્ષમાં ભારત સહિત વિશ્વના અર્થતંત્રને બે સૌથી મોટા આંચકા કોવિડ તથા રશિયા-યુક્રેનના યુધ્ધના લાગ્યા હતા.

જેમાંથી તબક્કાવાર બહાર આવી રહ્યા છીએ પરંતુ હવે ત્રીજો મોટો આંચકો ફુગાવાનો છે અને તે વૈશ્વિક સ્તરે છે. વૈશ્વિક બેન્કોએ આક્રમક રીતે ટાઈટ મોનેટરી પોલીસી અપનાવી છે અને ભારત પણ તેમાંથી બાકાત રહી શકે તેમ નથી અને તેથી રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડીયાની મોનેટરી પોલીસી કમિટીમાં 5/1 બહુમતીથી રેપોરેટમાં 50 બેઝીક પોઇન્ટનો વધારો કરવાનો નિર્ણય લીધો છે અને તે તાત્કાલીક અસરથી અમલી બની જશે જેને કારણે રેપોરેટ 5.9 ટકાના ઉંચા સ્તરે પહોંચ્યો છે.

શ્રી શક્તિકાંતા દાસે જણાવ્યું કે, મોનેટરી કમિટીની બેઠકમાં આગામી સમયમાં રેપોરેટમાં વધારો કરવો પડે તેવી સ્થિતિ છે અને ચાલુ નાણાંકીય વર્ષના અંત સુધીમાં 6.5 ટકા સુધી ઉંચો જઇ શકે છે. રિઝર્વ બેન્ક દ્વારા આ નિર્ણયથી દિપાવલી સહિતનાં તહેવારોના ટાંકણે જ વ્યાજ દરમાં વધારો થશે અને તેને કારણે હાઉસીંગ, ઓટો સહિતના તમામ ધીરાણો મોંઘા બનશે.

રિઝર્વ બેન્કે રેપોરેટ સિવાયના તમામ દરો યથાવત રાખ્યા છે. રિઝર્વ બેન્કના આ પગલાની અપેક્ષા રખાતી હતી અને હવે બેન્કો તેને કઇ રીતે અમલમાં મુકે છે તેના પર સૌની નજર છે. શ્રી શક્તિકાંતા દાસે જણાવ્યું કે, ફુગાવો એ ભારત સહિત વિશ્વની સમસ્યા છે અને ખાસ કરીને બેન્ક દ્વારા કડક મોનેટરી પોલીસી અપનાવવા સિવાય બીજો કોઇ વિકલ્પ રહ્યો નથી. રિઝર્વ બેન્કના આ નિર્ણયથી આગામી દિવસોમાં બેન્કો કઇ રીતે તેના ધિરાણના દરો વધારે છે તેના પર સૌની નજર છે.


Related News

Advertisement
Advertisement
Advertisement