લીંબડીમાં સોની યુવાનની ફાંસો ખાધેલી લાશ મળી

30 September 2022 11:17 AM
Surendaranagar Gujarat
  • લીંબડીમાં સોની યુવાનની ફાંસો ખાધેલી લાશ મળી

મૃતકની ડાયરીમાંથી 7 લોકોનાં લખેલા નામ મળ્યા: યુવકની હત્યા કે, આત્મહત્યા? જાગેલી ચર્ચા

(ફારૂક ચૌહાણ)
વઢવાણ તા. 30
લીંબડી શહેરના આચાર્ય પા શેરીમાં રહેતા સોની સમાજના યુવાનનો મૃતદેહ ફાંસો ખાધેલી હાલતમાં ઘરેથી મળી આવતાં ચકચાર મચી જવા પામી છે. મૃતક પાસેથી મળેલી ડાયરીમાં 7 નામ લખેલા મળી આવ્યા છે. યુવાનની હત્યા થઈ કે આત્મહત્યા કરી તે કારણ બહાર આવ્યું નથી.

લીંબડી શહેરની શાકમાર્કેટ પાછળ આવેલા આચાર્ય પા શેરીમાં રહેતા 20 વર્ષીય જયમીનભાઈ વસંતભાઈ સોનીનો મૃતદેહ તેમના ઘરેથી ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો. જયમીનના મૃતદેહને પીએમ માટે લીંબડી સિવિલ હોસ્પિટલે લઈ જવામાં આવ્યો હતો. જયમીનના મૃત્યુના સમાચાર સાંભળીને સોની સમાજના લોકો હોસ્પિટલે દોડી આવ્યા હતા. જયમીને આત્મહત્યા કરી કે તેમની હત્યા કરવામાં આવી? તે કારણ હજુ અકબંધ છે. જયમીન પાસેથી એક ડાયરી મળી આવી છે. જેમાં 7 લોકોના નામ લખેલા છે.

જયમીનના મૃત્યુ પાછળ ડાયરીમાં લખેલા નામના લોકો જવાબદાર છે કે નહીં તે તો પોલીસ તપાસ બાદ ખબર પડશે. પરંતુ જયમીને આત્મહત્યા કરી તો ક્યા કારણોસર? પરિવારમાં ઘર્ષણ કે પૈસા ઉઘરાણીનું દબાણ? હત્યા કરાઈ હોય તો શેના માટે હત્યા કરાઈ? હત્યા પાછળ કોણ-કોણ જવાબદાર? અનેક વણઉકેલા સવાલોએ શહેરમાં ચર્ચાનો વિષય બની ગયો છે.

લીંબડી શહેરમાં 3 મહિનામાં અપમૃત્યુના 4 બનાવો
22 જુલાઈ લીંબડી પ્રા.શાળા નં.1માં શિક્ષક તરીકે ફરજ બજાવતા રાજેશ પટેલનો મૃતદેહ છાલિયા તળવામાંથી મળ્યો હતો. 21 ઓગસ્ટે માળીવાડ વિસ્તારમાં રહેતા પ્રહલાદ પટેલ, 2 સપ્ટેમ્બરે દાવલશા શેરીમાં રહેતા બિલકિસબેન શામદાર અને29 સપ્ટેમ્બરે આચાર્ય પા શેરીમાં રહેતા જયમીનનો મૃતદેહ મળી આવ્યો હતો.

મૃતકે છરી મારી હતી
7 માર્ચે લીંબડી શાકમાર્કેટમાં પૈસાની લેતીદેતી બાબતે જયમીને શાકભાજીના વેપારી મુન્ના દલવાડીને સાથે ઝઘડો કરી તેના પેટમાં છરીનો ઘા ઝીંકી દીધો હતો.


Related News

Advertisement
Advertisement
Advertisement