કોંગ્રેસ પ્રમુખપદની ચૂંટણીમાં ધમાસાણ : શશી થરૂર વિરૂધ્ધ મલ્લીકાર્જુન ખડગેનો જંગ શક્ય

30 September 2022 11:25 AM
India Politics
  • કોંગ્રેસ પ્રમુખપદની ચૂંટણીમાં ધમાસાણ : શશી થરૂર વિરૂધ્ધ મલ્લીકાર્જુન ખડગેનો જંગ શક્ય

♦ રાજસ્થાનની કટોકટી એક બાજુ મુકી ગાંધી કુટુંબ માટે હવે પહેલા પક્ષમાં પ્રમુખપદ માટે પસંદગીની ચિંતા

♦ વધુ એક વરિષ્ઠ નેતા દિગ્વીજયસિંહ આખરી ઘડીએ ચૂંટણીમાંથી ખસી જાય તેવા સંકેત : પક્ષનું જી-23 જૂથ ફરી એકશનમાં : મનીષ તિવારી પણ ચૂંટણી લડવા ઇચ્છતા હોવાનો દાવો

નવી દિલ્હી,તા. 30
કોંગ્રેસમાં રાષ્ટ્રીય પ્રમુખ પદની ચૂંટણીમાં સર્જાયેલા જબરા ધમાસાણમાં હવે નિર્ણાયક સ્થિતિ આવી ગઇ છે. આજે પ્રમુખપદ માટે ઉમેદવારી નોંધાવાના અંતિમ કલાકો ગણાઇ રહ્યા છે તે સમયે પક્ષના જી-23 જૂથની ગઇકાલે મળેલી બેઠકે નવો સંકેત આપી દીધો છે અને પક્ષના વરિષ્ઠ નેતા શશી થરુરએ ચૂંટણી લડવાની જાહેરાત કરવાની સાથે આજે સવારે ગાંધી સમાધિ પર જઇને આશીર્વાદ લીધા હતા.

તો બીજી તરફ મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને વરિષ્ઠ નેતા દિગ્વીજયસિંહએ પણ અગાઉ પ્રમુખ પદની ચૂંટણી લડવાની જાહેરાત કરી હતી પરંતુ હવે તેઓ આ સ્પર્ધામાંથી ખસી જાય અને ગાંધી કુટુંબ તરફથી રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લીકાર્જુન ખડગે પ્રમુખપદની ઉમેદવારી કરે તેવા સંકેત છે. શ્રી થરુરે જણાવ્યું કે હું બપોરે 12.30 કલાકે મારી ઉમેદવારી નોંધાવીશ.

જ્યારે દિગ્વીજયસિંહ અને શશી થરુર વચ્ચેની બેઠક બાદ થરુરની ચૂંટણી લડવાની મક્કમતાથી આ ચૂંટણી બિનહરીફ થાય તેવી શક્યતા નથી. દિગ્વીજયસિંહ બાદમાં કોંગ્રેસના મહાસચિવ કે.સી. વેણુગોપાલનના ઘરે પહોંચ્યા હતા. આ પૂર્વે તેઓ ખડગેને પણ મળ્યા હતા. દરમિયાન ગઇકાલે રાત્રે કોંગ્રેસના જી-23 જુથની બેઠકમાં પૃથ્વીરાજ ચૌહાણ, મનીષ તિવારી, ભુપેન્દ્ર હુડ્ડા પણ હાજર રહ્યા હતા અને તેઓ શશી થરુરને ટેકો આપે તેવી શક્યતા છે.

આ અગાઉ જી-23 જુથના વરિષ્ઠ નેતા આનંદ શર્માએ ગઇકાલે અશોક ગેહલોત સાથે પણ મુલાકાત કરી હતી. મનીષ તિવારી પણ પોતે કોંગ્રેસ પ્રમુખપદની ચૂંટણી લડવા આતુર છે પણ જો દિગ્વીજયસિંહ જો ચૂંટણીમાંથી ખસી જાય તો સંભવ છે કે શશી થરુર વિરુધ્ધ મલ્લીકાર્જુન ખડગે વિરુધ્ધનો જંગ થઇ જશે. હજુ સાંજે પાંચ વાગ્યા સુધીમાં પક્ષ પ્રમુખ પદની ઉમેદવારી કરવાની રહેશે.


Related News

Advertisement
Advertisement
Advertisement