આફ્રિકા શ્રેણી માટે બુમરાહની જગ્યાએ મોહમ્મદ સીરાજની પસંદગી: ઈંગ્લેન્ડથી બોલાવાયો

30 September 2022 12:15 PM
India Sports World
  • આફ્રિકા શ્રેણી માટે બુમરાહની જગ્યાએ મોહમ્મદ સીરાજની પસંદગી: ઈંગ્લેન્ડથી બોલાવાયો

પીઠની ઈજાને કારણે બુમરાહ આફ્રિકા સામેની શ્રેણી તેમજ વર્લ્ડકપમાં નહીં રમી શકતાં ભારતને મોટો ઝટકો

નવીદિલ્હી, તા.30
સાઉથ આફ્રિકા વિરુદ્ધ ટી-20 શ્રેણી માટે ટીમ ઈન્ડિયામાં મોહમ્મદ સિરાજને સામેલ કરવામાં આવ્યો છે જે ઈજાગ્રસ્ત જસપ્રીત બુમરાહની જગ્યા લેશે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)એ આ અંગેની જાહેરાત કરી છે. બુમરાહ ઈજાગ્રસ્ત થઈ જવાથી તે આફ્રિકા શ્રેણી અને વર્લ્ડકપમાંથી બહાર થઈ ગયો છે જેના કારણે ભારતીય અભિયાનને મોટો ઝટકો લાગશે. હવે સિરાજને ઈંગ્લેન્ડથી બોલાવાયો છે જ્યાં તે કાઉન્ટી રમી રહ્યો છે.

બીસીસીઆઈ સૂત્રએ કહ્યું કે, બુમરાહનું ટી-20માં રમવું અશક્ય છે કેમ કે તેને પીઠ દર્દની ગંભીર પરેશાની છે જેથી છ મહિના સુધી બહાર રહેવું પડી શકે છે. ચર્ચા હતી કે બુમરાહની જગ્યાએ મુખ્ય ટીમમાં દીપક ચાહર કે મોહમ્મદ શમીને સામેલ કરવામાં આવી શકે છે પરંતુ પસંદગીકારોએ સિરાજને તક આપવાનો નિર્ણય લીધો છે. બીસીસીઆઈએ આ પ્રતિષ્ઠિત ટૂર્નામેન્ટ માટે શમી-ચાહરને સ્ટેન્ડ બાય રાખ્યા છે.

ભારતના વ્યસ્ત કાર્યક્રમને ધ્યાનમાં રાખી અનેક સીનિયર ખેલાડીઓને તાજેતરમાં જ આરામ આપવામાં આવ્યો હતો. રસપ્રદ વાત એ છે કે બુમરાહે 2022માં મુંબઈ ઈન્ડિયન્સ વતી આઈપીએલમાં રમવા ઉપરાંત પાંચ ટેસ્ટ, પાંચ વન-ડે અને પાંચ ટી-20 રમી છે. અધિકારીએ કહ્યું હતું કે ઘણું ક્રિકેટ રમાઈ રહ્યું છે જેને ધ્યાનમાં રાખી તેને એશિયા કપ, વિન્ડિઝ પ્રવાસ અને ભારતમાં રમાયેલી અમુક દ્વિપક્ષીય શ્રેણીમાંથી આરામ આપવામાં આવ્યો હતો. તેને પૂરતો બ્રેક અપાયો છે.

અત્યારે તે એનસીએમાં છે. ટી-20 વર્લ્ડકપ મહત્ત્વપૂર્ણ છે પરંતુ હજુ તે ઘણો યુવા છે અને બોલિંગમાં ભારત માટે અત્યંત મહત્ત્વનો હોવાથી તેને લઈને જોખમ ઉઠાવી શકાય તેમ નથી.

ઑલરાઉન્ડર રવીન્દ્ર જાડેજા બાદ બુમરાહ બીજો સીનિયર ભારતીય ખેલાડી છે જે વર્લ્ડકપમાં રમી શકશે નહીં. જાડેજા ઘૂંટણના ઓપરેશનથી બહાર આવી રહ્યો છે. ભારતીય ટીમ અત્યારે બહુ સારી સ્થિતિમાં દેખાઈ રહી નથી અને આવામાં બુમરાહ ઈજાગ્રસ્ત થવાથી કેપ્ટન રોહિત શર્મા અને કોચ રાહુલ દ્રવિડની મુશ્કેલી વધી જશે. બુમરાહ અને જાડેજાનું બહાર થવું ભારત માટે મોટો ઝટકો છે કેમ કે આ બન્ને નહીં રમી શકે તેવું કોઈએ વિચાર્યું નહોતું.


Related News

Advertisement
Advertisement
Advertisement