જયરાજસિંહ પરિવાર સિવાય ગમે તેને ટિકિટ આપો, ન જીતાડી શકું તો આપઘાત કરી લઈશ: જયંતી ઢોલ

30 September 2022 12:27 PM
Gondal Politics Rajkot
  • જયરાજસિંહ પરિવાર સિવાય ગમે તેને ટિકિટ આપો, ન જીતાડી શકું તો આપઘાત કરી લઈશ: જયંતી ઢોલ
  • જયરાજસિંહ પરિવાર સિવાય ગમે તેને ટિકિટ આપો, ન જીતાડી શકું તો આપઘાત કરી લઈશ: જયંતી ઢોલ

♦ ગોંડલ બેઠક પર ટિકિટ કોને આપવી ? ભાજપ માટે દિવસેને દિવસે ઘેરો બનતો જતો કોયડો

♦ 2012 અને 2017ની ચૂંટણીમાં જયરાજસિંહ અને તેમના પરિવારે ગોંડલ બેઠક જીતી છે તેમાં રીબડાનો સિંહફાળો રહ્યો છે તે ભૂલવું ન જોઈએ: મને જે તે સમયે રીબડા જયરાજસિંહ જ લાવ્યા’તા

♦ રાજદીપસિંહ જાડેજા કે સહદેવસિંહ જાડેજાને ટિકિટ મળે તેવી ફોર્મ્યુલા મેં હાઈકમાન્ડને સુચવી છે: આ બન્ને સિવાય પણ કોઈને ટિકિટ મળશે તો તેને જીતાડી દેશું

♦ રીબડામાં જમીન વેચવી હોય કે ખરીદવી હોય ‘નૈવેદ્ય’ ધરવો પડે છે તેવો જયરાજસિંહનો આક્ષેપ પાયાવિહોણો: અનિરુદ્ધસિંહ જાડેજા સહિતનાની હાજરીમાં જયંતી ઢોલનું પત્રકાર પરિષદને સંબોધન

રાજકોટ, તા.30
ગુજરાત વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ ટિકિટ માટે દાવેદારોની દાવેદારીમાં વધારો થઈ રહ્યો છે. ખાસ કરીને અત્યારે સૌરાષ્ટ્રમાં જો કોઈ બેઠક સૌથી હોટટોપિક બની ગઈ હોય તો તે ગોંડલની બેઠક છે. સામાન્ય રીતે અહીં છેલ્લી બે ટર્મથી કોઈ જ વિવાદ વગર જયરાજસિંહ જાડેજા પરિવારને જ ટિકિટ આપવામાં આવતી હતી પરંતુ આ વખતે રીબડા ગ્રુપ ટિકિટ માટે મેદાનમાં ઉતર્યું હોવાથી અહીં કોને ટિકિટ આપવી તે કોયડો ભાજપ માટે દિવસેને દિવસે ઘેરો બની રહ્યો છે.

દરમિયાન ગોંડલ માર્કેટિંગ યાર્ડના પૂર્વ ડિરેક્ટર અને ભાજપના પીઢ અગ્રણી જયંતીભાઈ ઢોલે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજા સહિતના દિગ્ગજોની હાજરીમાં પત્રકાર પરિષદને સંબોધન કરતાં જણાવ્યું કે ભાજપ દ્વારા જયરાજસિંહ જાડેજા પરિવાર સિવાય કોઈને પણ ટિકિટ આપવામાં આવશે તેને જીતાડવાની જવાબદારી મારી છે અને જો હું તેને ન જીતાડું તો માંડવી ચોકમાં મા અંબાના મંદિર સામે આપઘાત કરી લઈશ !

તેમના આ નિવેદન બાદ રાજકીય ગલિયારાઓમાં તરેહ તરેહની ચર્ચા શરૂ થઈ જવા પામી છે. આ ઉપરાંત જયંતીભાઈ ઢોલે એવું પણ જણાવ્યું કે જયરાજસિંહ જાડેજા અને તેમનો પરિવાર છેલ્લી બે ટર્મથી ગોંડલ બેઠક પરથી ચૂંટણીમાં જીતી રહ્યો છે ત્યારે તેમની જીત પાછળ રીબડાના 24 ગામોનો સિંહફાળો રહ્યો છે તે વાત તેમણે ભૂલવી ન જોઈએ કેમ કે તેમને ગોંડલ બેઠકની મહત્તમ લીડ રીબડાએ જ અપાવી છે. આ ઉપરાંત જયંતીભાઈએ એમ પણ કહ્યું કે મેં મારું અડધું જીવન ભાજપને ખપાવી દીધું છે અને હંમેશા ભાજપ માટે જ કામ કર્યું છે અને આગળ પણ કરતો જ રહીશ. મને રીબડા જયરાજસિંહ જાડેજા જ લાવ્યા હતા તે વાત પણ હવે તેઓ ભૂલી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે.

જો જયરાજસિંહ જાડેજા પરિવારમાંથી કોઈને ટિકિટ આપવામાં ન આવે તો કોને આપવી જોઈએ ? આ સવાલનો પ્રત્યુત્તર આપતાં જયંતીભાઈ ઢોલે જણાવ્યું કે મેં અનિરુદ્ધસિંહ જાડેજાના પુત્ર રાજદીપસિંહ જાડેજા અથવા રાજકેટ જિલ્લા પંચાયતની કારોબારી સમિતિના ચેરમેન હરદેવસિંહ જાડેજાને ટિકિટ આપવી જોઈએ તેવી ફોર્મ્યુલા સુચવી છે. જો કે આ બન્નેમાંથી કોઈને ટિકિટ આપવી કે બીજા કોઈને આપવી તે નિર્ણય ભાજપ હાઈકમાન્ડે લેવાનો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે જયરાજસિંહ જાડેજાએ તાજેતરમાં જ એક સભા દરમિયાન કહ્યું હતું કે જો ગોંડલની બેઠક ઉપર મારા પરિવાર સિવાય કોઈને ટિકિટ આપવામાં આવશે તો ભાજપની ઠાઠડી નીકળી જશે મતલબ કે ભાજપ હારી જશે. તેમના આ નિવેદનની જોરદાર ચર્ચા પણ ચાલી હતી જેના જવાબરૂપે જયંતીભાઈ ઢોલે આ પત્રકાર પરિષદ સંબોધી હોવાનું જાણવા મળી રહ્યું છે. હવે ભાજપ આ બેઠક ઉપર કોને ટિકિટ આપે છે તે તો આવનારો સમય જ બતાવશે પરંતુ અત્યારે ટિકિટને લઈને ગોંડલ-રીબડા ગ્રુપ વચ્ચે જબદરસ્ત ખેંચતાણ ચાલી રહી છે.

બીજી બાજુ જયંતીભાઈ ઢોલ તેમજ રીબડા ઈન્ડસ્ટ્રીયલ એસોસિએશનના પ્રમુખ સહિતનાએ એવું પણ જણાવ્યું હતું કે રીબડામાં કોઈએ જમીન વેચવી હોય કે ખરીદવી હોય પહેલાં જાડેજા પરિવારને નૈવેદ્ય ધરવો પડે છે તેવો જયરાજસિંહ જાડેજાનો આક્ષેપ તદ્દન પાયાવિહોણો છે. ઉલટાનું અનિરુદ્ધસિંહ જાડેજા, મહિપતસિંહ જાડેજા દ્વારા અમને જમીન વેચાણ-ખરીદીમાં ફાયદો થાય તેનું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે.


Related News

Advertisement
Advertisement
Advertisement