હળવદનાં નવા ઘનશ્યામગઢમાં પતિ સાથે બોલાચાલી બાદ પત્નીનો આપઘાત

30 September 2022 12:46 PM
Morbi
  • હળવદનાં નવા ઘનશ્યામગઢમાં પતિ સાથે બોલાચાલી બાદ પત્નીનો આપઘાત

રાસંગ રોડ ઉપર પણ પરીણિતાએ ઝેર પી જીવ દીધો

(જીગ્નેશ ભટ્ટ)
મોરબી તા.30
હળવદના નવા ઘનશ્યામગઢ ગામની સીમમાં પરણીતાને ચા બનાવવા બાબતે પતિ સાથે બોલાચાલી થઈ હતી જેથી કરીને તેને લાગી આવતા તેણે ઝેરી દવા પીને આપઘાત કર્યો હતો આવી જ રીતે હળવદના રાસંગપર રોડ ઉપર આવેલ કંડેશ્વર હનુમાનજી મંદિરની બાજુમાં આવેલ છાપરામાં ઝેરી દવા પીને પરણીતાએ આપઘાત કરેલ છે જેથી કરીને બંને આપઘાતના બનાવની હળવદ તાલુકા પોલીસે નોંધ કરીને રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવની જાણમાં મળતી માહિતી પ્રમાણે મૂળ છોટાઉદેપુર જિલ્લાના ગડોથ ગામના રહેવાસી અને હાલમાં હળવદ તાલુકાના નવા ઘનશ્યામગઢ ગામની સીમમાં ધર્મેન્દ્રભાઈ વશરામભાઈ કડીવાલ જાતે પટેલની વાડીએ રહેતા અને મજૂરી કામ કરતા કરણભાઈ સુરેશભાઈ નાયકના પત્ની ઉર્મિલાબેન (ઉંમર 18) એ ઝેરી દવા પીને આપઘાત કરી લીધો હતો જેથી કરીને તેના મૃતદેહને મૃતક મહિલાના સસરા સુરેશભાઈ ગણપતભાઈ નાયક જાતે આદિવાસી (ઉમર 35) રહે. હાલ નવા ઘનશ્યામગઢ ગામની સીમમાં ધર્મેન્દ્રભાઈ પટેલની વાડી વાળા હળવદ સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા.

અને આ બનાવની હળવદ તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરીને રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી અને વધુમાં જાણવા મળતી વિગત પ્રમાણે મૃતક ઉર્મિલાબેનને તેના પતિ સાથે ચા બનાવવા બાબતે બોલાચાલી થઈ હતી જેથી કરીને લાગી આવતા તેણે ઝેરી દવા પીને આપઘાત કરી લીધેલ છે જેથી કરીને હળવદ પોલીસે આ અંગેની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જ્યારે આપઘાતના બીજા બનાવમાં મૂળ છોટાઉદેપુર જિલ્લાના કવાટ તાલુકાના ખરબડા ગામના રહેવાસી અને હાલમાં હળવદના કંડેશ્વર હનુમાનજી મંદિરે રહેતા મનોજભાઈ રજુભાઈ રાઠવા જાતે આદિવાસીના પત્ની મંજુબેન મનોજભાઈ રાઠવા (ઉંમર 50) એ કોઈ કારણોસર રહેણાંક છાપરામાં ઝેરી દવા પીને આપઘાત કરી લીધો હતો જેથી તેના મૃતદેહને હળવદ સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આપઘાતના આ બનાવની હળવદ તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.


Advertisement
Advertisement
Advertisement