2017માં જૂનાગઢ, ગીર સોમનાથ અને અમરેલી જિલ્લાએ જ સૌરાષ્ટ્રમાં ભાજપને મોટો ફટકો માર્યો હતો

05 October 2022 11:34 AM
Junagadh Gujarat Politics Rajkot Saurashtra
  • 2017માં જૂનાગઢ, ગીર સોમનાથ અને અમરેલી જિલ્લાએ જ સૌરાષ્ટ્રમાં ભાજપને મોટો ફટકો માર્યો હતો

◙ ત્રણેય જિલ્લામાં પક્ષપલ્ટા અને કોંગ્રેસના ધારાસભ્યોને કેસરિયા કરાવી બેઠકો પુન: હાંસલ કરવામાં ભાજપ સફળ રહ્યો

◙ જૂનાગઢમાં પાંચમાંથી એક, ગીર સોમનાથ અને અમરેલીમાં ભાજપ ‘નીલ’ રહ્યો હતો : ધારીમાં કાકડીયાના કેસરિયાથી અમરેલી જિલ્લામાં કમળને પ્રતિનિધિત્વ મળ્યું

રાજકોટ,તા. 5
ગુજરાતમાં 2017ની વિધાનસભા ચૂંટણીમાં નર્વસ નાઈન્ટીનનો ભોગ બન્યા બાદ ભાજપે તેનો સ્કોર આ વિધાનસભાના અંત પૂર્વે 111નો કર્યો છે તેમાં મુખ્યત્વે કોંગ્રેસના જ પૂર્વ ધારાસભ્યોનો ફાળો છે. 2017માં ભાજપને સૌરાષ્ટ્રમાં જે મોટો ફટકો પડ્યો હતો તેમાં મુખ્યત્વે જુનાગઢ જિલ્લો ઉપરાંત ગીર સોમનાથ અને અમરેલી જિલ્લાનો મોટો ફાળો હતો.

ખાસ કરીને જૂનાગઢમાં ભાજપને પાંચમાંથી એકમાત્ર કેશોદની બેઠક મળી હતી. જ્યારે ગીર સોમનાથ જિલ્લામાં ભાજપને તમામ ચાર બેઠકોમાંથી હાથ ધોવો પડ્યો હતો. જ્યારે અમરેલી જિલ્લામાં પણ ભાજપને પાંચમાંથી એક પણ બેઠક મળી ન હતી. આમ 2022માં અલગ ફેક્ટર હોવા છતાં પણ ભાજપ માટે તેનું ગુમાવેલું ગ્રાઉન્ડ પુન: કબજે કરવા માટે કોંગ્રેસમાં ગાબડા પાડવા જરુરી હતા અને આગામી સમયમાં હવે ગીર સોમનાથ ઉપરાંત અમરેલી જિલ્લામાં પણ કોંગ્રેસના બે થી ત્રણ ધારાસભ્યો ભાજપમાં ભળે તેવી શક્યતા છે.

અગાઉ ભાજપે સુરેન્દ્રનગર જિલ્લામાં લીંબડીની બેઠક પર ચૂંટાયેલા સોમા ગાંડાને રાજીનામુ અપાવીને પેટાચૂંટણી કરાવી હતી અને તેમાં હાલના કેબીનેટ મંત્રી કિરીટસિંહ રાણા ચૂંટાયા હતા. તેવી જ રીતે ધારીની બેઠક પરના કોંગ્રેસના ધારાસભ્ય વી.વી. કાકડીયાએ રાજીનામુ આપીને ફરી ભાજપની ટીકીટ પર ચૂંટાયા હતા.

જ્યારે તે પૂર્વે જસદણમાં કુંવરજીભાઈ બાવળિયા અને માણાવદરમાં જવાહર ચાવડાએ પણ કેસરિયા કર્યા હતા અને આ બંનેને કેબીનેટ મંત્રાલય પણ મળ્યું હતું. હવે જ્યારે 2022ની ચૂંટણીમાં કોંગ્રેસમાંથી આવેલા કેટલા લોકોને ફરી ટીકીટ મળશે તે પ્રશ્ન છે વચ્ચે શરુ થયેલા પક્ષપલ્ટામાં આ મત વિસ્તારોમાં ભાજપના અગ્રણીઓ પણ હવે પક્ષ કઇ રીતે નિર્ણય લે છે તેના પર સૌની નજર છે.


Related News

Advertisement
Advertisement
Advertisement