પ્રવાહ શરૂ ? હર્ષદ રીબડીયા બાદ હવે સૌરાષ્ટ્રમાંથી કોંગ્રેસના વધુ ધારાસભ્યોના રાજીનામાની તૈયારી

05 October 2022 11:39 AM
Rajkot Gujarat Politics Saurashtra
  • પ્રવાહ શરૂ ? હર્ષદ રીબડીયા બાદ હવે સૌરાષ્ટ્રમાંથી કોંગ્રેસના વધુ ધારાસભ્યોના રાજીનામાની તૈયારી

2017થી શરૂ થયેલું ‘ઓપરેશન કમલમ’ વિધાનસભા ચૂંટણી નજીક આવતા ફરી આગળ વધ્યું : આગામી દિવસોમાં વિસાવદરના પૂર્વ ધારાસભ્ય કેસરિયો પણ કરશે : ટીકીટ પણ નિશ્ચિત હોવાનો સંકેત

રાજકોટ,તા. 5
ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી જાહેરાતના કાઉન્ટડાઉન વખતે ગઇકાલે કોંગ્રેસના ધારાસભ્ય હર્ષદ રીબડીયાએ પક્ષ અને ધારાસભામાંથી રાજીનામુ આપીને હવે 2017ની રાજ્યસભા અને ત્યારબાદની વિધાનસભા ચૂંટણી પછી જે રીતે કોંગ્રેસમાંથી પલાયનનો પ્રારંભ થયો તેને ફરી એક વખત પ્રારંભ કર્યાનો સંકેત છે.

ગુજરાતમાં ટફ બની શકતી ચૂંટણી પૂર્વે જ કોંગ્રેસમાંથી જે અપેક્ષા રખાતી હતી તે રીતે પ્રથમ રાજીનામુ પડ્યું છે. કોંગ્રેસનાં વધુ બેથી ત્રણ ધારાસભ્યો હજુ આગામી દિવસોમાં પક્ષ છોડે તેવા સંકેત છે અને તેમાં મુખ્યત્વે સૌરાષ્ટ્રની જૂનાગઢ, ગીર સોમનાથ અને અમરેલી જિલ્લાની બેઠકો કે જ્યાં ભાજપને 2017ની ચૂંટણીમાં સૌથી વધુ નુકસાન થયું હતું.

તેને ભરપાઈ કરવા માટે અગાઉ બે તબક્કામાં કોંગ્રેસમાંથી રાજીનામા અને પેટાચૂંટણી મારફત ભાજપમાં ધારાસભ્યો ભળ્યા હતા અને ફરી ચૂંટણી લડીને કેબીનેટ મંત્રીથી લઇ અનેક પ્રકારના મહત્વના લાભો મેળવ્યા હતા તેમાં હવે રીબડીયાને વિસાવદરની ચૂંટણીની ટીકીટ અપાશે કે કેમ તે પ્રશ્ન છે.

પરંતુ ભાજપમાં તેઓ આગામી એક કે બે દિવસમાં અથવા તો વડાપ્રધાન શ્રી મોદીની જામકંડોરણા ખાતેની રેલી સમયે ભાજપમાં ભળી જાય તેવા સંકેત છે. રીબડીયા બાદ હવે કોંગ્રેસનાં વધુ કેટલા ધારાસભ્યો ભાજપમાં આવે છે તેના પર સૌની નજર છે.

2017ની ચૂંટણી પૂર્વે વિજય રુપાણી સરકાર સમયે પણ કોંગ્રેસનાં અનેક ધારાસભ્યોએ રાજીનામા આપીને ભાજપમાં જોડાવાનું કામ કર્યું હતું તે સમય બાદ વર્તમાન પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે હવે કોંગ્રેસના કોઇ ધારાસભ્યોને ભાજપમાં સમાવાશે નહીં તેવું જાહેર કરીને પૂર્ણવિરામ મુકવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ માનવામાં આવે છે કે હજુ પણ આ પ્રકારે પક્ષપલ્ટા ચાલુ રહેશે.

એક વખત હર્ષદ રીબડીયાનું મેન્ડેટ ‘ટાબરીયુ’ આંચકી ગયું હતું
2012માં જીપીપીના ઉમેદવાર કેશુભાઈ પટેલ સામે ચૂંટણી લડવાના ઓરતા અધૂરા રહ્યા : 2014ની પેટાચૂંટણીમાં ભરત પટેલને જ હરાવ્યા
વિસાવદરની ધારાસભા બેઠક ભાજપ માટે છેલ્લી બે ચૂંટણી ટફ રહી છે. 2012માં આ બેઠક પર પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ જીપીપીની ટીકીટ પર જીત્યા હતા પરંતુ બે જ વર્ષમાં તેઓએ ભાજપ સાથે સમાધાન કરી લીધું અને તેમના પુત્ર ભરત પટેલને ભાજપની ટીકીટ અપાવી પરંતુ પેટાચૂંટણીમાં હાલમાં રાજીનામુ આપનાર ધારાસભ્ય હર્ષદ રીબડીયા કોંગ્રેસની ટીકીટ પર જીતી ગયા હતા.

તે સમયે પણ આ સબોટેજ ભાજપે જ કરાવ્યું હોવાનું અને કેશુભાઈ પરિવારની રાજકીય કારકીર્દી ખત્મ કરી દીધાનું મનાતુ હતું અને જ્યારે 2017માં હર્ષદ રીબડીયાએ કોંગ્રેસની ટીકીટ પર 25,000થી વધુ મતથી વિજેતા બન્યા હતા. વાસ્તવમાં 2012માં જ્યારે ધારાસભાની ચૂંટણીમાં કેશુભાઈ પટેલ જીપીપીના વડા તરીકે વિસાવદરની બેઠક લડ્યા તે સમયે પણ હર્ષદ રીબડીયા કોંગ્રેસના ઉમેદવાર હતા.

તેઓનું કોંગ્રેસનું મેન્ડેટ ઉમેદવાર પત્રક ભરવા ગયા તે સમયે કોક ટાબરિયો છીનવી ગયો હતો અને તેઓ પોતે કોંગ્રેસની ટીકીટ પરથી લડી શક્યા નહીં અને બાદમાં 2014માં પેટાચૂંટણી લડીને તેઓ જીત્યા હતા. 2007 સુધી આ બેઠક ભાજપના કબજામાં હતી. પણ ત્યારબાદ ટફ બની ગઇ હતી.


Related News

Advertisement
Advertisement
Advertisement