હિડન હંગર: ભારતીયોની થાળીમાંથી પોષક તત્વો ગાયબ

05 October 2022 11:47 AM
Health India
  • હિડન હંગર: ભારતીયોની થાળીમાંથી પોષક તત્વો ગાયબ

આયરન, આયોડીન તથા વિવિધ વિટામીનોની કમીથી આવનારી પેઢી પર વધતુ જોખમ: નવજાત શિશુમાં વિકૃતિના વધતા કેસ: લાન્સેટનો ચોંકાવનારો રિપોર્ટ

નવી દિલ્હી તા.5
સંતુલીત તથા આરોગ્યપ્રદ આહાર જ તંદુરસ્ત જીવનનો આધાર છે. પરંતુ ભારત એક એવા સંકટ સામે ઝઝુમી રહ્યું છે કે જેનાથી ભાવિ પેઢીને સહન કરવું પડશે. વૈજ્ઞાનિકોએ આ સંકટને ‘હિડન હંગર’ અર્થાત છુપી ભૂખનુ નામ આપ્યુ છે જે અંતર્ગત મોટાભાગના પરિવારોની ભોજનની થાળીમાં પોષક તત્વોની કમી છે. આ સ્થિતિની સૌથી ખરાબ અસર ગર્ભવતી મહિલાઓ પર પડે છે અને નવજાત શિશુમાં વિકૃતિનું જોખમ રહે છે.

મેડીકલ જર્નલ ‘ધ લાન્સેટ’માં પ્રકાશિત અભ્યાસ રિપોર્ટમાં વૈજ્ઞાનિકો એવી ચિંતા દર્શાવી છે કે હિડન હંગરનો અર્થ ભોજનની જબરદસ્ત ઈચ્છા તથા તેની કમીથી ઉત્પન્ન સંકટ છે. ભારતના મોટાભાગના પરિવારોની ભોજનની થાળીમાં પોષક તત્વો નથી. શહેરી તથા ગ્રામ્ય એમ બન્ને ક્ષેત્રોમાં સમાન હાલત છે. અમુક પારંપારિક પોષક તત્વોના આધારે આ સંકટનું સમાધાન શકય છે.

મુંબઈ સ્થિત લીલાવતી હોસ્પીટલના બાળરોગ સર્જન ડો. સંતોષ કર્માકરે અભ્યાસમાં એમ કહ્યું છે કે આયર્ન આયોડીન જેવા ખનિજ તત્વો ઉપરાંત વિટામીન એ-ડી, બી12 તથા ફોલેટની કમીના કિસ્સાઓમાં ઝડપી વધારો થઈ રહ્યો છે. આ પોષક તત્વોની કમીને ‘છુપી ભૂખ’ નામ આપવામાં આવ્યુ છે. એનિમીયા, ગર્ભાવસ્થા તથા ગર્ભાશયના ભૂણમાં મગજના વિકાસ પર ગંભીર નકારાત્મક અસર સર્જાય છે. આ કારણે ભારતમાં વિકૃતિ સાથે જન્મતા બાળકોની સંખ્યા વધી રહી છે.

તમામ તરૂણી તથા ગર્ભવતી થવાની ઉમર ધરાવતી મહિલાઓને પર્યાપ્ત માત્રામાં આયરન, વિટામીન બી12 તથા ફોલેટ મળે તે માટે ગંભીર પ્રયાસ થવા જોઈએ જેનાથી સૂક્ષ્મ પોષક તત્વોની કમી દુર થઈ શકે.

વિટામીન ફોર્ટીફાઈડ ભોજન માટે જાગૃતિ અનિવાર્ય છે અને તે માટે વ્યાપક રણનીતિ બનાવવાની જરૂર છે.દેશમાં દર વર્ષે 2.60 કરોડ ગર્ભવતી મહિલાઓને પ્રસવ દરમ્યાન લોહીની જરૂર રહે છે. કારણ કે પોષક તત્વોની કમીને કારણે એનીમીયાની ફરિયાદ રહે છે. 2018માં એનીમીયાથી 25000થી વધુ માતા મૃત્યુ થયા હતા.


Related News

Advertisement
Advertisement
Advertisement