ઓપરેશન કોંગ્રેસ ! અમિત શાહના ‘ગ્રીન સિગ્નલ’ બાદ ફરી ભંગાણનો દોર ?

05 October 2022 04:33 PM
Rajkot Government
  • ઓપરેશન કોંગ્રેસ ! અમિત શાહના ‘ગ્રીન સિગ્નલ’ બાદ ફરી ભંગાણનો દોર ?

► કેન્દ્રીય ગૃહમંત્રીના ગુજરાત પ્રવાસના તૂર્ત બાદ કોંગ્રેસના ધારાસભ્ય રીબડીયાનું રાજીનામુ સૂચક

► અર્ધો ડઝન શંકાસ્પદ ધારાસભ્યોનો સળવળાટ થંભી ગયા બાદ માંડ હાશકારો અનુભવતા કોંગ્રેસના નેતાઓ ફરી સ્તબ્ધ

રાજકોટ,તા.5
વિધાનસભા ચૂંટણી પૂર્વે કેટલાક વખતથી કોંગ્રેસમાંથી નેતાઓની રવાનગીને બ્રેક લાગી હતી પરંતુ ગઇકાલે વિસાવદરના ધારાસભ્ય હર્ષદ રીબડીયાના રાજીનામાને પગલે ફરી વખત રાજકીય ગરમાવો આવી ગયો છે. હજુ કેટલા ધારાસભ્યો કોંગ્રેસને ‘રામ રામ’ કરશે તેની અટકળો વચ્ચે એવા સંકેત સાંપડ્યા છે કે પાર્ટી નેતાગીરી ઉમેદવારી લીસ્ટમાં હવે ધારાસભ્યોના નામ છેલ્લી ઘડીએ જ જાહેર કરશે.

કોંગ્રેસનાં અર્ધો ડઝન ધારાસભ્યો પાર્ટી છોડીને ભાજપમાં સામેલ થવાની અટકળો કેટલાક વખત અગાઉ વ્યક્ત થતી હતી. રાજ્યસભાની ચૂંટણી વખતે અર્ધો ડઝન ધારાસભ્યોના ક્રોસ વોટીંગ વખતે આ અટકળો વધુ દ્રઢ થઇ હતી પરંતુ ત્યારબાદ કોઇ રાજકીય નવા જૂની નહીં થતાં કાવાદાવા અને સોદાબાજી અટકી ગઇ હોવાની ચર્ચા થવા લાગી હતી. પક્ષપલ્ટો કરતા કોંગ્રેસનાં ધારાસભ્યોને હરિફ પક્ષ દ્વારા ટીકીટ આપવાની ના કહી દીધી હોવાનું અને તેના કારણે સમગ્ર રાજકીય ખેલ અટકી ગયો હોવાનું પણ કહેવાતું હતું તેવા સમયે ગઇકાલે રીબડીયાના રાજીનામાથી ફરી એક વખત જુદા જુદા તર્કવિતર્કો વ્યક્ત થવા લાગ્યા છે.

માહિતગાર સુત્રોનાં કહેવા પ્રમાણે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગત સપ્તાહમાં જ ગુજરાતના પ્રવાસ દરમિયાન રાજ્યનાં પ્રદેશ પ્રમુખ સહિતના નેતાઓ સાથે બેઠક કરી હતી અને ચૂંટણીલક્ષી સૂચનાઓ આપી હતી. જે પછી તૂર્ત જ કોંગ્રેસના ધારાસભ્ય રીબડીયાનું રાજીનામુ સૂચક ગણાય છે. અમિત શાહ ઓપરેશન પાર પાડી ગયા હોવાનું અને પક્ષપલ્ટા માટેની શરતોને મહોર મારી ગયા હોવાની ચર્ચા છે.

કોંગ્રેસ હવે ઉમેદવારોની યાદીમાં વર્તમાન ધારાસભ્યોના નામ છેલ્લી ઘડીએ જાહેર કરશે ?
કોંગ્રેસ નેતાગીરી પણ આ અણધાર્યા ઘટનાક્રમથી સ્તબ્ધ બની છે. કોંગ્રેસના નેતાઓ પણ કેટલાક વખતથી એવું માનતા થઇ ગયા હતા કે હવે પાર્ટીમાં કોઇ ભાંગફોડ નહીં થાય પરંતુ રીબડીયાના રાજીનામા પછી હવે અગાઉ શંકાસ્પદ ગણાતા અન્ય પાંચ ધારાસભ્યો પણ શંકાના ઘેરાવામાં આવી ગયા છે. પ્રદેશ કોંગ્રેસના એક સિનિયર નેતાએ જણાવ્યું હતું કે આ ઘટનાક્રમથી હવે કોંગ્રેસને ઉમેદવારોનું લીસ્ટ જાહેર કરવામાં ખાસ સાવધાની રાખવી પડશે. પાર્ટીએ મોટાભાગના ધારાસભ્યોને રીપીટ કરવાનું નક્કી કરી જ લીધું હતું.

ધારાસભ્યોને પણ વાકેફ કરી દેવામાં આવ્યા હતા. પ્રથમ લીસ્ટમાં ઉમેદવાર તરીકે વર્તમાન ધારાસભ્યોના જ નામ રાખવાનો વ્યૂહ હતો. અગાઉ શંકામાં રહેલા ધારાસભ્યો પક્ષપલ્ટો નહીં કરે તેવી પણ ગણતરી રખાવા લાગી હતી આ સમયે પક્ષપલ્ટાનો નવો દોર શરુ થયાની શંકાના આધારે હવે ફરીથી ટીકીટ મેળવનારા ધારાસભ્યોના નામ છેલ્લી ઘડીએ જાહેર કરવામાં આવે તેવો વ્યૂહ શક્ય છે.

પ્રદેશ કોંગ્રેસના એક સિનિયર નેતાએ એમ પણ કહ્યું કે અગાઉ શંકામાં રહેલા અર્ધો ડઝન જેટલા ધારાસભ્યો કદાચ અત્યારે પક્ષપલ્ટો ન કરે અને કોંગ્રેસમાંથી ટીકીટ લડે તો પણ મતદારોના મગજમાંથી શંકા દૂર કરવી મુશ્કેલ છે. ચૂંટણી પછી પક્ષપલ્ટો ન કરે તેની ગેરંટી શું ? તેવો સવાલ પણ મતદારોનાં મનમાં ઘૂમરાઇ શકે છેઆ સંજોગોમાં પાર્ટી હાઈકમાન્ડને ધારાસભ્યોને રીપીટ કરવાના નિર્ણયમાં પણ પડકાર જેવી હાલતમાં મુકાવું પડી શકે છે.


Related News

Advertisement
Advertisement
Advertisement