દેશ અને દુનિયા માટે હિમાચલ આરોગ્ય-પર્યટન હબ બનશે : મોદી

05 October 2022 04:35 PM
India
  • દેશ અને દુનિયા માટે હિમાચલ આરોગ્ય-પર્યટન હબ બનશે : મોદી
  • દેશ અને દુનિયા માટે હિમાચલ આરોગ્ય-પર્યટન હબ બનશે : મોદી

► મોદીએ હિમાચલ પ્રદેશમાં વિજયા દશમીએ ચૂંટણી પૂર્વે રણસિંગા ફૂંકીને વિજયનો શંખનાદ કર્યો

(હિમાચલ પ્રદેશ),તા. 5 : હિમાચલ પ્રદેશના પ્રવાસ દરમિયાન વડાપ્રધાન મોદીએ આજે રાજ્યની જનતાને 3650 કરોડની વિવિધ યોજનાઓની ભેટ આપી હતી અને સૌથી પહેલા 1470 કરોડથી વધુના ખર્ચે બનેલ એમ્સનું ઉદ્દઘાટન કર્યું હતું. આ તકે વડાપ્રધાને બિલાસપુરમાં લુહણ્યુ મેદાનમાં વિજયા દશમીએ રણસિંઘ ફૂંકીને વિજયનો શંખનાદ કર્યો હતો. પીએમ મોદીનો સીધો ઇશારો વિધાનસભા ચૂંટણી તરફ હતો. મોદીએ આ તકે જણાવ્યું હતું કે હિમાચલમાં મેડીકલ પર્યટનની સંભાવના છે. દેશ અને દુનિયા માટે હિમાચલ આરોગ્ય અને પર્યટનનું હબ બનશે. વડાપ્રધાને બિલાસપુરમાં એમ્સ અને એન્જિનીયરીંગ કોલેજનું ઉદ્દઘાટન કરવાની સાથે સાથે મેડીકલ ડિવાઈસ પાર્ક અને પિંજોર નાલાઝની આધાર શિલા રાખી હતી.

► વડાપ્રધાને બિલાસપુરમાં રૂા. 3650 કરોડની વિભિન્ન પરિયોજનાની ભેટ આપી : રૂા. 1470 કરોડના ખર્ચે બનેલ એઇમ્સનું ઉદ્દઘાટન કર્યું : હિમાચલના લોકોના બન્ને હાથમાં લાડુ છે : મોદી

આ તકે પ્રાસંગિક ઉદ્દબોધનમાં વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે હિમાચલના રસ્તાઓની ચારે બાજુથી પહોળા કરાઈ રહ્યા છે. વળાંકવાળા રસ્તાથી મુક્તિ અપાવવા સુરંગોનું નિર્માણ થઇ રહ્યું છે. મોદીએ જણાવ્યું હતું કે ડિઝીટલ ક્રાંતિમાં પણ હિમાચલ આગળ છે. આ તકે વડાપ્રધાને જણાવ્યું હતું કે ત્રીજો બ્લડ ડ્રગ પાર્ક અને ચોથો મેડીકલ ડિવાઈસ પાર્ક હિમાચલને મળ્યો છે. ઉદ્યોગ વધશે તો રોજગાર પણ મળશે. હિમાચલમાં મેડીકલ પર્યટનની અપાર સંભાવના છે. દેશ અને દુનિયા માટે હિમાચલ આરોગ્ય અને પર્યટનનું હબ બનશે. હિમાચલના લોકોના બન્ને હાથમાં લાડુ છે. વડાપ્રધાને જણાવ્યું હતું કે હિમાચલ પ્રદેશમાં નિર્માણ કાર્ય સહેલું નથી. મેદાનમાં એક કલાકમાં થતા કામને અહીં એક દિવસ લાગે છે.

► કોંગ્રેસનું નામ લીધા વિના મોદીએ પ્રહાર કરતાં કહ્યું-અગાઉ પહાડી પ્રદેશોની અવગણના થતી હતી : એક સમય હતો-હું અને ધુમલજી અહીં પગપાળા ફરતા હતા

વડાપ્રધાને કોંગ્રેસનું નામ લીધા વિના કોંગ્રેસ પર પ્રહાર કરતાં જણાવ્યું હતું કે પહેલા પહાડી પ્રદેશ સામે આંખ આડા કાન કરવામાં આવતા હતા. દેશનો એક મોટો હિસ્સો અસુવિધામાં રહેતો હતો. હવે દેશ નવા વિચાર સાથે આગળ વધી રહ્યો છે.વડાપ્રધાને જૂના સ્મરણો યાદ કરતાં જણાવ્યું હતું કે બિલાસપુરમાં નડ્ડા અને પ્રેમકુમાર ધુમલ સાથે અનેક કાર્યક્રમો કર્યા. એક સમય હતો જ્યારે હું અને ધુમલજી અહીં એકસાથે પગપાળા કરતાહ તા.વડાપ્રધાને જણાવ્યું હતું કે વિજયાદશમીએ રણસિંઘ શંખ ફુંકવાનો અવસર મળ્યો છે ત્યારે અહીં વિજય નક્કી જ છે.આ પ્રસંગે વડાપ્રધાન મોદીએ શરુઆતમાં બિલાસપુરની પહાડી બોલીમાં સંબોધન કરી સૌનું દિલ જીતી લીધું હતું. વડાપ્રધાને નયનામાતાનો જય જય કાર બોલાવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે બિલાસપુરવાળાઓના કારણે મને માતાના દર્શન કરવાનો મોકો મળ્યો.


Related News

Advertisement
Advertisement
Advertisement