આસુરીશક્તિ પર દૈવીશક્તિનો વિજય: વિજયાદશમી મહાપર્વ

05 October 2022 06:09 PM
Rajkot
  • આસુરીશક્તિ પર દૈવીશક્તિનો વિજય: વિજયાદશમી મહાપર્વ

દૈવી શક્તિનો આસુરી શક્તિ પર વિજય, ધર્મનો અધર્મ પર વિજય, કષ્ટ અને અમાનવીયતા પર માનવતાનો વિજય, નફરત પર પ્રેમનો વિજય, અસત પર સતનો વિજય, આ મહાવિજય પર્વ એટલે, વિજયા દશમી.
દશેરાએ શૌર્યનો તહેવાર છે, વીરત્વનું પર્વ છે, શક્તિનો સમારોહ છે. ક્ષત્રિયોની દિવાળી છે, દિગ્ગવિજયનું મુર્હુત છે, એટલે જ આ દિવસના પ્રાત:કાલને વિજય મુર્હુત કહે છે, એ જ રીતે સાંજના સૂર્ય આથમ્યા પછી તારક વૃંદો સ્પષ્ટ દેખાવાના શરૂ થાય એ સમયને પણ વિજયમુર્હુત કહેવામાં આવે છે.
ભગવાન રામે પણ શ્રવણ નક્ષત્ર યુક્ત પૂર્ણતિથિ દશમીનાં રાવણને મારવા પ્રસ્થાન કર્યું હતું. અર્થાત દરેક મનુષ્યે પોતાની પ્રગતિ માટે આ દિવસે પ્રસ્થાન યાને સીમાઉલ્લંઘન કરવું જોઈએ.
છત્રપતિ શિવાજી મહારાજે પણ અત્યાચારી ઔરંગઝેબને ઝબ્બે કરવા આ જ દિવસે પ્રસ્થાન કરી હિન્દુ ધર્મનું રક્ષણ કર્યું હતું.
મહાભારતના યુદ્ધમાં પાંડવોએ પણ શક્તિની આરાધના કરી અહંકારી અસુર જેવા કૌરવોનો નાશ કરી વિજયને વર્યા હતાં.
આ દિવસે ખાસ સમી (ખીજડો) વૃક્ષનું પૂજન કરાય છે. કેટલીક જગ્યાએ કાંચનાર વૃક્ષનું પણ પૂજન કરવાનો લોકાચાર છે. કહેવાય છે કે, ‘શમી સમવેત્ પાયમ્!’ અર્થાત સમીનું પૂજન પાપોનો નાશ કરે છે, શમીને ‘અગ્નિગર્યા’ પણ કહેવામાં આવે છે. ‘શમી શર્માદગ્નિ જનપતિ’ અર્થાત-સમીમાં અગ્નિનો વાસ અગ્નિ વિનાશક છે. અત: અનિષ્ઠો, અરિષ્ઠો, અમંગલનો નાશ કરવા માટે સમી વૃક્ષનું પૂજન કરાય છે.
આ દિવસે યુ.પી.માં વાંસ, ઘાસ અને લાકડાનું રાવણનું પુતળું બનાવી દહન કરી, આતશબાજી મનાવાય છે.
મહેસુરમાં તો દશેરાને ‘રાજયોત્સવ’ તરીકે મનાવાય છે અને તે દિવસે હાથીની પૂજા કરાય છે.
સૌરાષ્ટ્ર ગુજરાતમાં આ શુભ દિવસે બહેન, દિકરીઓનાં ઘરે જલેબી, મીઠા સાટા જેવી મીઠાઈ મોકલવાનો ખાસ રિવાજ છે.
કલકતા બેલુર-મઠમાં આજના દિવસે મહિષાસુર મર્દિનીની ખાસ પૂજા અર્ચના કરાય છે.
ભારતમાં અન્ય સ્થળે દશેરાના દિવસે જ દશેરાત્સવ પૂર્ણ થાય છે, જયારે કુલ્લુ ખીણમાં આજથી દસ દિવસ દશેરાત્સવ શરૂ થાય છે.
આ દિવસે અંબાજીમાં થાળ મહોત્સવ ઉજવાય છે.
કાળભૈરવના મંદિરમાં આજના દિવસે ચુરમાની પ્રસાદ વ્હેચવામાં આવે છે. સવા મણ ઘઉંના લોટની કણક બાંધી તેને કપડામાં લપેટી અગ્નિ ઉપર શેકવામાં આવે છે. કહેવાય છે કે, ભીનીકણક શેકાઈ જાય છે પણ કપડું બળતું નથી! આને ત્યાંના લોકો કાળભૈરવની કૃપા માને છે.આજના દિવસે લોક માન્યતા પ્રમાણે ચાસ નિલકંઠ પક્ષી જેને શિવનો અંશ માનવામાં આવે છે, દેવ-ચકલી તથા દિવાળી ઘોડાના દર્શનને શુભ માનવામાં આવે છે.

પ્રાસંગિક
ઘનશ્યામભાઈ ઠકકર
ગાયત્રી ઉપાસક રાજકોટ


Related News

Advertisement
Advertisement
Advertisement