રાજકોટ જિલ્લામાં તરખાટ મચાવનાર ઘાયલ ‘સિંહ’ પાંજરે પૂરાયો

05 October 2022 06:24 PM
Rajkot
  • રાજકોટ જિલ્લામાં તરખાટ મચાવનાર ઘાયલ ‘સિંહ’ પાંજરે પૂરાયો
  • રાજકોટ જિલ્લામાં તરખાટ મચાવનાર ઘાયલ ‘સિંહ’ પાંજરે પૂરાયો

જામકંડોરણા તાલુકાનાં દડવી ગામની સીમમાંથી સાસણ અને રાજકોટ વન વિભાગની ટીમે મોડીરાત્રે સાવજને પકડી લીધો : સારવાર માટે સક્કરબાગ ઝૂમાં ખસેડાયો

રાજકોટ,તા. 5
રાજકોટ જિલ્લામાં છેલ્લા દસેક દિવસ કરતાં વધુ સમયથી તરખાટ મચાવનાર ગીરનાર જંગલના આઠ વર્ષના સિંહને અંતે ગઇકાલે મોડીરાત્રે રાજકોટ જિલ્લા વન વિભાગ અને સાસણથી આવેલી ખાસ રેસ્ક્યુ ટીમે પાંજરે પૂરી દીધો છે અને આ સિંહને સક્કરબાગ ઝૂમાં મોકલી દેવાયો હોવાનું જાણવા મળી રહ્યું છે.

આ અંગેની મળતી વધુ વિગતો મુજબ રાજકોટ જિલ્લાના ગોંડલ અને જેતપુર પંથકમાં છેલ્લા 10 દિવસ કરતાં વધુ સમયથી ગીરનાર જંગલમાંથી આવી ચડેલો આઠ વર્ષ આસપાસનો એક સિંહ તરખાટ મચાવી રહ્યો હતો અને ગોંડલ તેમજ જેતપુર પંથકના ગ્રામ્ય વિસ્તારો અને સીમ વિસ્તારમાં પશુઓનું મારણ કરી રહ્યો હતો. જેના પગલે આ બંને પંથકમાં ભારે ફફડાટની લાગણી ફેલાઈ ગઇ હતી.

આથી ગ્રામ્યજનો અને પશુપાલકોએ આ સિંહને પાંજરે પૂરવા માટે વન વિભાગમાં રજૂઆતો કરી હતી જેના પગલે છેલ્લા ચાર-પાંચ દિવસથી વન વિભાગે જેતપુર અને ગોંડલ પંથકની સીમમાં પાંજરુ ગોઠવેલ હતું પરંતુ આ સિંહ પાંજરે પૂરાતો ન હતો. અંતે ગઇકાલે મોડીરાત્રે આ સિંહને જામકંડોરણા તાલુકાના દડવી ગામે લોકેશન મળતા તાત્કાલીક વન વિભાગની ટીમ પાંજરા સાથે દડવીની સીમમાં દોડી ગઇ હતી અને સર્કલ પાંજરામાં મારણ મુકી આ સિંહને પકડવા પ્રયાસો હાથ ધર્યા હતા. અંતે આ સિંહ વન વિભાગની જાળમાં ફસાઈ ગયો હતો

અને ગઇકાલે મોડીરાત્રે આ સિંહને સાસણ અને રાજકોટ જિલ્લા વન વિભાગની ટીમે રેસ્ક્યુ કરી લીધો હતો. દરમિયાન રાજકોટ જિલ્લા ડીએફઓ તુષાર પટેલનો સંપર્ક સાધતા તેઓએ ‘સાંજ સમાચાર’ને જણાવેલ હતું કે ગઇકાલે મોડીરાત્રે દડવીની સીમમાંથી પકડી લેવામાં આવેલ સિંહને પૂંઠના ભાગે અને માથાના ભાગે ઇજા થઇ હતી. આથી આ સિંહને હાલ તુરંત જ સક્કરબાગ ઝૂ ખાતે મોકલી દેવાયો છે. જ્યાં આ સિંહની સારવાર બાદ તેને ફરી ગીરનારના જંગલમાં છોડી દેવામાં આવશે. આ સિંહને પાંજરે પૂરવા માટે રેન્જ ફોરેસ્ટ ઓફીસર પરેશ મોરડીયા અને તેની ટીમે જહેેમત ઉઠાવી હતી.


Related News

Advertisement
Advertisement
Advertisement