દશેરાએ જ ફૂડ ચેકીંગ ઠપ્પ : બજારમાં ભેળસેળવાળી મીઠાઇનું ધુમ વેચાણ : તંત્ર નેશનલ ઇવેન્ટમાં ‘બીઝી’

05 October 2022 06:26 PM
Rajkot Crime
  • દશેરાએ જ ફૂડ ચેકીંગ ઠપ્પ : બજારમાં ભેળસેળવાળી મીઠાઇનું ધુમ વેચાણ : તંત્ર નેશનલ ઇવેન્ટમાં ‘બીઝી’

તહેવારમાં મીઠાઇ-ફરસાણની ખરીદીની મૌસમ વચ્ચે ચારેક દિવસથી કામગીરી બંધ : અધિકારીઓ રસોડાની સેવામાં લાગ્યા

રાજકોટ, તા.5 : રાજકોટને નેશનલ ગેમ્સની યજમાની કરવાનો મોકો મળ્યો છે અને મહાપાલિકાએ સુંદર વ્યવસ્થાઓ પણ કરી છે ત્યારે હાલ પુરૂ કોર્પો. તંત્ર આ ઇવેન્ટમાં બીઝી છે. આ સંજોગોમાં કેટલીક રાબેતા મુજબની અને આવશ્યક કામગીરી પણ ઠપ્પ ગયાનું ચિત્ર તહેવારના દિવસોમાં ઉભુ થયું છે. ખાસ કરીને નવરાત્રી અને આજે દશેરાના દિવસે રાજકોટમાં લાખો રૂપિયાની મીઠાઇનું વેચાણ થયું છે ત્યારે પૂરા રાજકોટમાં આરોગ્યની જવાબદારી સંભાળતો પુરેપુરો ફૂડ વિભાગ હાલ તો આ મુખ્ય કામગીરીથી વિમુખ થઇ ગયો છે.

નેશનલ ગેમ્સની યજમાની રાજય સરકારે કરી છે. સ્પોર્ટસ ઓથોરીટી અને જિલ્લા તંત્રએ પૂરી જવાબદારી સંભાળી હતી. પરંતુ અંતે મેન પાવરની જવાબદારી કોર્પોરેશન ઉપર જ આવી પડી છે. જેથી કોર્પોરેશનના કર્મચારીઓ અને અધિકારીઓ આ વ્યવસ્થામાં મુખ્ય ભાગ બની ગયા છે. એરપોર્ટ કે રેલવે સ્ટેશને ખેલાડીઓને રીસીવ કરવાથી માંડીને વિદાય આપવા સુધીની જવાબદારી લેખિતમાં નકકી થઇ છે. હોટલના રૂમ, સ્વીમીંગ પુલ કે હોકી ગ્રાઉન્ડ સુધી પહોંચવા વાહન સહિતની વ્યવસ્થા તંત્ર માથે આવી છે. જોકે ખર્ચમાં કોઇ જવાબદારી નથી. દરમ્યાન દર વર્ષે નવરાત્રીમાં રાજકોટમાં મીઠાઇ અને ફરસાણના ધુમ વેચાણ થાય છે.

દશેરાએ તો લગભગ ઘરે ઘરે મીઠાઇ અને ફરસાણ આવે છે. આજે રાજકોટના તમામ વિસ્તારમાં આ દુકાનો પર ભીડ જામી છે. ગાંઠીયાથી માંડી જલેબી, સાટા, ઘારી, જુદી જુદી પ્રકારની મીઠાઇ લેવા લોકોએ લાઇન લગાવી છે. પરંતુ ચારેક દિવસથી ફૂડ શાખા બજારમાંથી અદ્રશ્ય છે. આવા સમયે તો વાસી મીઠાઇના નાશ કરવાથી માંડી સેમ્પલની સૌથી મોટી કામગીરી કરવામાં આવે છે. જે તહેવારના દિવસોમાં જ અટકી ગઇ છે. તંત્રના જવાબદારોનો સંપર્ક કરતા એવું જાણવા મળ્યું છે કે લગભગ દરેક વિભાગમાંથી દરેક કર્મચારીઓ અને અધિકારીઓને કોઇને કોઇ કામના સંકલનમાં લગાડવામાં આવ્યા છે.

ભોજનની વ્યવસ્થામાં પણ કોર્પો.ની ટીમ રોકાયેલી છે. આ કારણે દશેરા સહિતના દિવસોમાં ફૂડનું ચેકીંગ લગભગ શૂન્ય જેવું થઇ ગયું છે. દશેરા અને નોરતાના છેલ્લા દિવસોમાં ફૂડનું ચેકીંગ ન થયું હોય તેવું પણ લાંબા સમયે બન્યું છે. રાજકોટમાં ચોકકસ સૌથી મોટી ઇવેન્ટ ચાલી રહી છે. પરંતુ કેટલીક મહત્વની કામગીરી ચોકકસ ડિસ્ટર્બ થઇ છે. આજે પણ મોટા પ્રમાણમાં શુધ્ધ મીઠાઇઓ અને ફરસાણની સાથે વાસી, નુકસાનકારક, કલરવાળી મીઠાઇનો પણ મોટો જથથો માર્કેટમાંથી લોકોના ઘર સુધી પહોંચી ગયાનો અંદાજ છે. આથી લોકોએ પણ પૂરી તકેદારી રાખીને મીઠાઇનો ઉપયોગ કરવા સલાહ આપવામાં આવી છે.


Related News

Advertisement
Advertisement
Advertisement