જી.એસ.ટી. અધિકારીના પત્નીએ દહેજ મુદ્દે સાસરીયાઓના ત્રાસથી ફાંસો ખાધો : ગાંઠ ખુલી જતા નીચે પટકાયા

05 October 2022 06:27 PM
Rajkot Crime
  • જી.એસ.ટી. અધિકારીના પત્નીએ દહેજ મુદ્દે સાસરીયાઓના ત્રાસથી ફાંસો ખાધો : ગાંઠ ખુલી જતા નીચે પટકાયા

મળી આવેલી સ્યુસાઇડ નોટમાં પતિ ખોટી શંકા કરતો અને અનેક વાર મારકુટ કરતો હોવાનો આક્ષેપ: પતિ દહેજમાં ક્રેટા કારની માંગણી કરતો હોવાનો ફરિયાદમાં આક્ષેપ:પતિ સહિત પાંચ સાસરીયાઓ સામે પોલીસમાં ગુનો

રાજકોટ,તા.5 : કાલાવડ રોડ પર ક્રિષ્ટલ મોલની સામે જીએસટી ઓફિસર્સ કોલોનીમાં રહેતી વૈશાલી નામની ર8 વર્ષની પરિણિતા પાસે દહેજમાં પતિ સહિતના સાસરીયાઓએ ક્રેટા કારની માંગણી કરી ત્રાસ આપતા કંટાળીને ગળાફાંસો ખાઈ આપઘાતની કોશિષ કર્યાનો ચોંકાવનારો બનાવ પોલીસમાં જાહેર થયો છે. રાજકોટ તાલુકા પોલીસે સેન્ટ્રલ જીએસટી કચેરીમાં ટેક્ષ આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવતાં પતિ દિપક રાધેશ્યામ બુદેલા,રાધેશ્યામ બુદેલા,નિર્મલદેવી રાધેશ્યામ,નેહા હર્ષ ચૌહાણ અને તનુજા રાહુલ ચૌહાણ સામે ફરિયાદ નોંધાવી હતી. વૈશાલીબેને જણાવ્યું છે કે,તેણે એમબીએ સુધીનો અભ્યાસ કર્યો છે.

ગઈ તા.5-12-2020 ના રોજ હરીયાણાના ફરીદાબાદના વતની અને હાલ રેસકોર્સ ખાતે આવેલ સેન્ટ્રલ જીએસટી ભવનમાં ટેક્ષ આસિસ્ટન્ટ તરીકે નોકરી કરતા દિપક સાથે લગ્ન કર્યા હતા.લગ્નના એક માસ સુધી પતિના સરકારી કવાર્ટરમાં રહી હતી.લગ્ન વખતે તેના પિતાએ ફર્નિચર, વાસણો, ઈલેકટ્રોનીક આઈટમો વગેરે કરીયાવરમાં આપી હતી.આ ઉપરાંત રૂ.4 લાખની તેના નામે ફીકસ ડીપોઝીટ પણ કરાવી હતી.લગ્ન બાદ સાસુ નિર્મલાદેવીએ કહ્યું કે કરીયાવરના સામાનના બદલામાં જો રોકડ રકમ આપી હોત તો સારૂ થયું હોત.બે નણંદો નેહા હર્ષ ચૌહાણ અને તનુજા રાહુલ ચૌહાણે પણ અમે પણ સામાનના બદલામાં રોકડ રકમ લઈ આવ્યા હતા.જેથી તું પણ તેમ કર તેમ કહી મેણું માર્યું હતું. પતિ અવાર-નવાર પિયરમાંથી ક્રેટા કાર લઈ આવવાની માંગણી કરી મારકુટ કરતો હતો.

જેને કારણે ત્રાસીને લગ્નના એક જ વર્ષમાં પિયરને ત્યાં ફરીદાબાદ જતી રહી હતી.ત્યારબાદ પરીવારની સમજાવટ અને સામાજના ડરને કારણે ગઈ તા.17-8-ર0રર ના રોજ પતિના ઘરે રહેવા આવી ત્યારે પતિએ ઝઘડો કરી દીધો હતો.એટલુ જ નહી તેને એકલી મુકીને પોતાનો સામાન લઈ ઘરેથી જતો રહ્યો હતો.બે-ત્રણ દીવસ બાદ તેને કોલ કરી ફરીદાબાદ જવાનું કહ્યું હતું.ગઈ તા.ર6 ઓગષ્ટના રોજ પતિએ ફરીથી ફરીદાબાદ જવાની વાત કરતા તેણે ઈન્કાર કર્યો હતો.જેથી પતિ પોતાની બેગ અને લેપટોપ લઈને પોતાની ઓફિસે જતો રહ્યો હતો.બાદમાં તેને જાણવા મળ્યું કે પતિ કયાંય ગયો નથી.જેથી તેણે એવો મેસેજ કર્યો કે તેને ટેન્શન થાય છે,

દરવાજો પણ તુટેલો છે.જેથી રાત્રે પતિ ઘરે આવ્યો હતો. બીજા દિવસે સામાન લઈ ફરીદાબાદ જવા માટે નિકળી ગયો હતો. તેને ઘર ખર્ચના પૈસા આપતો ગયો હતો.એકાદ માસ જેવો સમય વિતતા ઘર ખર્ચના પૈસા બચ્યા ન હોવાથી મેસેજ કરી પતિ પાસે પૈસા મંગાવ્યા હતા.પરંતુ મોકલ્યા ન હતા. ત્યારબાદ વૈશાલીબેને ગઈ તા.29 ના રોજ ગળાફાંસો ખાવાનો પ્રયાસ કર્યો હતો.તે પહેલા બેડરૂમમાં જઈ નોટબુકના પાનામાં એક સ્યુસાઈડ નોટ હિન્દી ભાષામાં લખી હતી.જેમાં લખ્યું હતું કે તેના મોત માટે પતિ, સસરા, સાસુ અને બંને નણંદો જવાબદાર છે.

આ બધાએ તેને બહું હેરાન કરી છે. પતિ ખુબ જ મારમારી ત્રાસ આપે છે. દહેજની પણ માંગણી કરે છે. એક મહિનાથી રાજકોટમાં એકલી રાખી છે. અચાનક આવી તેની ઉપર ખોટા આક્ષેપો કરે છે.તેને બદનામ કરવાની પણ કોશિષ કરી છે.ગઈ તા.ર9 સપ્ટેમ્બરના રોજ રાત્રે કવાર્ટરમાં એકલી હતી ત્યારે કોલોનીમાં રહેતા ધર્મના ભાઈ શંકરભાઈ મીણા તેના ઘરે બેડમીન્ટન અને નવરાત્રીમાં વગાડવા માટે સ્પીકર લાવવા અને મુકવા આવ્યો હતો.તા.26 સપ્ટેમ્બરના રોજ રાતના તેના મકાનની ડોરબેલ વાગી હતી.પરંતુ કોઈ દેખાયું ન હતું. તા.ર9 સપ્ટેમ્બરના રોજ ફરીથી ડોરબેલ વાગતા બહાર આવીને જોતા કોઈ દેખાયું ન હતું.તે વખતે પતિએ બુમો પાડી હતી.

આમ છતાં દરવાજો નહી ખોલતા પતિ દરવાજામાં કાણું પાડી તેને ખોલી અંદર પ્રવેશ્યો હતો.તે વખતે તેના ચહેરા પર કાળા કલરનું કપડું બાંધેલું હતું.તેની સાથે કોલોનીમાં રહેતા વિક્રમભાઈ તેના પત્ની ઉપરાંત અજાણ્યો શખ્સ આવ્યા હતા.બધા તેના ઘરમાં આવી તેના ઉપરાંત શંકર ઉપર શંકા કરી બુમો પાડવા લાગ્યા હતા.તેનો મોબાઈલ તેની પાસેથી આંચકી લીધો હતો.એટલુ જ નહી શંકર અને તું અહી શું કરે છે તેમ પુછયું હતું.અને થોડીવારમાં પોલીસ વેન આવી ગઈ હતી અને પોલીસ મથકે લઈ જવાયા હતા. બાદમાં તેણે સેટી પર પ્લાસ્ટીકની ખુરશી રાખી તેની ઉપર ચડી પંખા સાથે દુપટ્ટો બાંધી ગળાફાંસો ખાઈ લીધો હતો. જો કે ગમે તે કારણોસર ગાઠ ખુલી જતા સેટી પર પટકાયા હતા.બાદમાં તેને પાડોશીઓ ખાનગી હોસ્પિટલ લઈ ગયા હતા.ત્યારબાદ તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.


Related News

Advertisement
Advertisement
Advertisement