ગારડી કોલેજ પાસે બાઈક સ્લીપ થતા નિવૃત આરોગ્ય કર્મચારીનું મોત

05 October 2022 06:28 PM
Rajkot
  • ગારડી કોલેજ પાસે બાઈક સ્લીપ થતા નિવૃત આરોગ્ય કર્મચારીનું મોત

કાલાવડ રોડ પર રહેતા વનરાજસિંહ આણંદપરમાં આવેલ વાડીએથી પરત ફરતા હતા ત્યારે દુર્ઘટના ઘટી: સારવાર મળે તે પહેલાજ દમ તોડયો: પરિવારમાં કલ્પાંત

રાજકોટ તા.5 : કાલાવડ રોડ પર ગારડી કોલેજ નજીક છાપરાની ગોળાઈમાં બાઈક સ્લીપ થતા નિવૃત આરોગ્ય કર્મચારી વનરાજસિંહ ચુડાસમાને ગંભીર ઈજા પહોંચતા સારવાર મળે તે પહેલા જ તેનું મોત નિપજતા પરીવારમાં કલ્પાંત છવાયો હતો.

બનાવની વધુ વિગત અનુસાર, કાલાવડ રોડ પર આવેલ ઈસ્કોન મંદિર પાછળ રહેતા વનરાજસિંહ દિલાવરસિંહ ચુડાસમા (ઉ.62) ગત રોજ આણંદપર નજીક આવેલ પોતાની વાડીએ ચકકર મારવા માટે ગયા હતા જયાંથી તેઓ સાંજના સમયે ઘરે પરત ફરતી વેળાએ ગારડી કોલેજ નજીક આવેલ છાપરાની ગોળાઈમાં બાઈક સ્લીપ થતા દુર સુધી ઢસડાયા હતા.જેમાં તેમને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. બનાવ સ્થળે એકઠા થયેલ લોકોએ 108ને જાણ કરતા તાત્કાલીક સારવારમાં સીવીલે ખસેડાયા હતા.

જયાં ફરજ પરના તબીબે તપાસીને મૃત જાહેર કર્યા હતા. બનાવ અંગે સીવીલ ચોકીના સ્ટાફે લોધીકા પોલીસને જાણ કરતા સ્ટાફ દોઢી આવ્યો હતો અને કાગળો કરી મૃતદેહને પીએમમાં ખસેડયો હતો. વધુમાં મૃતક વનરાજસિંહ જીલ્લા પંચાયતના આરોગ્ય વિભાગમાં ફરજ બજાવતા અને હાલ નિવૃત જીવન ગાળતા હતા. જેને સંતાનમાં બે પુત્ર છે જેને પિતાની છત્રછાયા ગુમાવતા પરીવારમાં કલ્પાંત છવાયો હતો.


Related News

Advertisement
Advertisement
Advertisement