રોયલ પાર્કમાં બિલ્ડર પ્રભાત સિંધવના 13 વર્ષના પુત્રને બંધક બનાવી 35 લાખની સનસનીખેજ લૂંટ

06 October 2022 04:18 PM
Rajkot Crime Saurashtra
  • રોયલ પાર્કમાં બિલ્ડર પ્રભાત સિંધવના 13 વર્ષના પુત્રને બંધક બનાવી 35 લાખની સનસનીખેજ લૂંટ
  • રોયલ પાર્કમાં બિલ્ડર પ્રભાત સિંધવના 13 વર્ષના પુત્રને બંધક બનાવી 35 લાખની સનસનીખેજ લૂંટ
  • રોયલ પાર્કમાં બિલ્ડર પ્રભાત સિંધવના 13 વર્ષના પુત્રને બંધક બનાવી 35 લાખની સનસનીખેજ લૂંટ
  • રોયલ પાર્કમાં બિલ્ડર પ્રભાત સિંધવના 13 વર્ષના પુત્રને બંધક બનાવી 35 લાખની સનસનીખેજ લૂંટ
  • રોયલ પાર્કમાં બિલ્ડર પ્રભાત સિંધવના 13 વર્ષના પુત્રને બંધક બનાવી 35 લાખની સનસનીખેજ લૂંટ
  • રોયલ પાર્કમાં બિલ્ડર પ્રભાત સિંધવના 13 વર્ષના પુત્રને બંધક બનાવી 35 લાખની સનસનીખેજ લૂંટ
  • રોયલ પાર્કમાં બિલ્ડર પ્રભાત સિંધવના 13 વર્ષના પુત્રને બંધક બનાવી 35 લાખની સનસનીખેજ લૂંટ
  • રોયલ પાર્કમાં બિલ્ડર પ્રભાત સિંધવના 13 વર્ષના પુત્રને બંધક બનાવી 35 લાખની સનસનીખેજ લૂંટ

► અમીન માર્ગ બાદ હવે યુનિ. રોડ પરના રોયલ પાર્કમાં બનેલી લૂંટની ઘટનાથી સનસનાટી

રાજકોટ, તા.6 : નવરાત્રીનું પાવન પર્વ પૂર્ણ થયા બાદ લોકો હવે દિવાળીના તહેવારોની ઉજવણી માટેની તૈયારીમાં લાગી ગયા છે. એકંદરે આ વખતની નવરાત્રી એકદમ રંગેચંગે મતલબ કે કોઈ પ્રકારની અનિચ્છનીય ઘટના વગર પૂર્ણ થતાં ખાસ કરીને પોલીસ તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. જો કે આ રાહત વધુ સમય સુધી ચાલે તે પહેલાં જ આજે વહેલી સવારના અરસામાં શહેરના અત્યંત પોશ ગણાતાં એવા યુનિવર્સિટી રોડ પરના રોયલ પાર્કમાં બંગલાના ચોકીદાર દંપતિએ જ સાગ્રીતો સાથે મળીને લૂંટને અંજામ આપતાં સનસનાટી મચી જવા પામી છે. લૂંટારુઓએ ઘરમાં રહેલા 13 વર્ષના બાળકને બંધક બનાવી આ લૂંટ આચરી હોવાનું ખુલ્યું છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ અધિકારીઓએ દોડી જઈ આરોપીઓને દબોચી લેવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.

► દીકરી લંડન અભ્યાસ માટે જતી હોય સિંધવ પરિવાર તેને મુકવા અમદાવાદ એરપોર્ટ ગયો હતો: ઘરમાં બાળક અને તેના દાદા જ હોવાથી તકનો લાભ લઈને ચોકીદાર દંપતિએ જ આચરેલી લૂંટ

આ અંગે વધુમાં જાણવા મળતી વિગતો પ્રમાણે રોયલ પાર્ક શેરી નં.6માં રહેતાં અને બિલ્ડિંગ તેમજ હોટેલ વ્યવસાય સાથે સંકળાયેલા પ્રભાત દેવાયતભાઈ સિંધવ આજે સવારે તેમની પુત્રીને લંડન અભ્યાસ કરવા માટે જવાનું હોવાથી ગતરાત્રે આઠ વાગ્યે પત્ની સાથે અમદાવાદ એરપોર્ટ જવા માટે નીકળ્યા હતા. તેમના ગયા બાદ 13 વર્ષનો પુત્ર જશ સિંધવ અને દાદા દેવાયતભાઈ સિંઘ જ્યાં આ બનાવ બન્યો તે ‘માતોશ્રી’ બંગલામાં એકલા જ હતા. પોલીસના જણાવ્યા પ્રમાણે દેવાયતભાઈ ગ્રાઉન્ડ ફ્લોર ઉપર આવેલા રૂમમાં રહે છે જ્યારે બીજા માળે જશ સિંધવનો રૂમ આવેલો છે. જ્યારે આ લૂંટને અંજામ આપનાર નેપાળી દંપતિ ગ્રાઉન્ડ ફ્લોર પરના રૂમમાં જ રહે છે. દરમિયાન આજે સવારે 7થી 8 વાગ્યાના અરસામાં દેવાયતભાઈ જ્યારે નીચે હતા

► સોના-ચાંદીના દાગીના, રોકડ સહિતની માલમત્તા ઉસેડી ગયા: ઘટનાની જાણ થતાં જ પરિવાર મારતી મોટરે રાજકોટ પહોંચ્યો; બાળક હેમખેમ હોવાથી લીધો રાહતનો શ્વા સ: ડીસીપી, એસીપી સહિતનો ઉચ્ચ અધિકારીઓનો કાફલો દોડી ગયો

ત્યારે નેપાળી ચોકીદાર દંપતિ અનિલ ઉર્ફે રામ, તેની પત્ની લક્ષ્મીએ લૂંટને અંજામ આપવાનો નિર્ણય લીધો હતો. આ માટે અનિલે તેના બે નેપાળી મીત્રોને બોલાવ્યા હતા અને ત્રણ લોકો ઉપર જશના રૂમમાં પહોંચ્યા હતા તો પત્ની લક્ષ્મી નીચે જ રોકાઈ હતી. અનિલ અને તેની સાથે રહેલા ત્રણેય શખ્સો બીજા માળે જશના રૂમમાં ગયા ત્યારે જશનો રૂમ બંધ હોવાથી તેને ખખડાવ્યો હતો. આ પછી જશે દરવાજો ખોલતાં અનિલે તેને રૂમ સાફસૂફ કરવાનો છે તેમ કહી અંદર પ્રવેશ કરી લીધો હતો. અંદર ગયા બાદ ત્રણેયે જશને તકીયાના કપડાથી બાંધી દઈ જશની સામેનો જ રૂમ કે જ્યાં લાખો રૂપિયાની માલમત્તા પડી હતી તે રૂમની ચાવી માંગતાં ડરના માર્યા જશે એ ચાવી આપી દીધી હતી. ત્યારબાદ ત્રણેય શખ્સો પ્રભાત સિંધવ અને તેમનાં પત્નીના રૂમમાં ગયા હતા અને કબાટ ખોલી તેમાંથી લાખો રૂપિયાની કિંમતના સોના-ચાંદીના દાગીના અને રોકડ લઈ ફરાર થઈ ગયા હતા.

► વહેલી સવારે 7 વાગ્યાના અરસામાં બનેલી ઘટના: આરામથી દરવાજો ખોલી અંદર પ્રવેશ્યા’ને બાળકને ઓશિકાના કપડાથી બાંધી દીધો !: નેપાળી મહિલા નીચે જ રહી અને ત્રણ લોકોએ ઉપર જઈ લૂંટ કરી

વધુમાં જાણવા મળતી વિગતો પ્રમાણે જ્યારે આ ઘટના બની ત્યારે દેવાયતભાઈ બહાર ચા પીવા ગયા હતા અને જ્યારે તેઓ પાછા આવ્યા ત્યારે જશને સ્કૂલે જવાનો સમય થઈ ગયો હોવા છતાં તે નીચે નહીં ઉતરતાં જશના રૂમમાં પહોંચ્યા ત્યારે ત્યાં જશને બંધાયેલો જોઈ હેબતાઈ ગયા હતા અને તાત્કાલિક આ અંગે પોલીસ કંટ્રોલરૂમમાં જાણ કરતાં પોલીસ દોડતી થઈ જવા પામી હતી. ઘટનાની જાણ થતાં જ ડીસીપી ક્રાઈમ ડૉ.પાર્થરાજસિંહ ગોહિલ, ડીસીપી ઝોન-2 સુધીરકુમાર દેસાઈ, એસીપી ક્રાઈમ બી.બી.બસીયા, એસીપી ગેડમ, યુનિવર્સિટી પોલીસ મથકના પીઆઈ એ.બી.જાડેજા સહિતના અધિકારીઓનો કાફલો દોડી ગયો હતો અને ડોગસ્કવોડની મદદથી પગેરું મેળવવા તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. જો કે પોલીસને તેમાં સફળતા મળી નહોતી.

લૂંટને અંજામ આપ્યા બાદ ચોકીદાર દંપતિ રિક્ષામાં બેસી ફરાર થઈ ગયું
પોલીસ સૂત્રોએ જણાવ્યું કે જ્યાં લૂંટ થઈ છે તે બંગલાથી થોડે જ દૂર મેઈન રોડ આવેલો હોય નેપાળી દંપતિ અને તેની સાથે રહેલા લૂંટારાઓ શેરીના ખૂણે જઈને રિક્ષા રોકી હતી અને તેમાં ફરાર થઈ ગયા હોવાનું લાગી રહ્યું છે. બીજી બાજુ ડોગ સ્કવોડ દ્વારા ચેકિંગ કરવામાં આવતાં ડોગ પણ શેરીના ખૂણા સુધી જ જતો હોવાને કારણે આશંકા વધુ દૃઢ બની રહી છે.

આખરે લૂંટ થઈ કેટલાની ? જેટલા મોઢા એટલા દાવા
રોયલ પાર્કમાં ‘માતોશ્રી’ બંગલામાં રૂા.35 લાખની રોકડ-દાગીના સહિતની લૂંટ થયાનું પોલીસ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે. જો કે જેમના બંગલામાં આ લૂંટ થઈ છે તે સિંધવ પરિવારે આખરે લૂંટ કેટલાની થઈ છે તેનો ખુલાસો કરવાનો ટાળ્યું છે ત્યારે કેટલા રૂપિયા લૂંટમાં ગયા છે તેને લઈને જેટલા મોઢા એટલા દાવાઓ થવાનું શરૂ થઈ ચૂક્યું છે.

જશ સિંધવ એકલો હોવાથી બાજુમાં જ રહેતાં તેના મિત્ર નીલને સાથે સૂવડાવાયો’તો; તે ગયો કે તુરંત જ આચરાઈ લૂંટ
પોલીસ સૂત્રોએ જણાવ્યું કે માતા-પિતા બહેનને અમદાવાદ એરપોર્ટ પર મુકવા ગયા હોવાથી જશ સિંધવ એકલો જ અહીં હોવાથી તેને એકલું ન લાગે એટલા માટે માતોશ્રી બંગલાની બાજુના જ બંગલોમાં રહેતાં અને જશ સાથે જ અભ્યાસ કરતાં તેમજ તેના મીત્ર એવા નીલને જશ સાથે સૂવડાવવામાં આવ્યો હતો. નીલ સવારે 7 વાગ્યા બાદ તેના ઘેર જવા માટે રવાના થયા બાદ નેપાળી દંપતિએ લૂંટને અંજામ આપ્યો હોવાનું પ્રાથમિક તારણ નીકળી રહ્યું છે.

રાત્રે 8 વાગ્યા સુધી ચોકીદાર દંપતિએ સિંધવ પરિવાર સાથે ઘણી બધી વાતો પણ કરી’તી; ત્યારે કંઈ જ અજુગતું ન લાગ્યું !
સિંધવ પરિવારના જણાવ્યા પ્રમાણે પ્રભાતભાઈ સિંધવ, તેમના પત્ની અને પુત્રી અમદાવાદ એરપોર્ટ જવા માટે રાત્રે 8 વાગ્યે રવાના થયા હતા. આ પછી લૂંટને અંજામ આપનાર ચોકીદાર દંપતિએ દેવાયતભાઈ સિંધવ, જશ સિંધવ સહિતના સાથે ઘણીબધી વાતો પણ કરી હતી. જો કે ત્યારે પરિવારને કશું જ અજુગતું લાગ્યું નહોતું. એકંદરે ચોકીદાર દંપતિએ ઘર ખાલી થાય એટલે લૂંટને અંજામ આપવાનો પ્લાન ઘણા સમય પહેલાં જ બનાવી લીધો હોવાનું અને તે અંગેની કોઈ જ ભનક નહીં લાગવા દેવાનું બરાબર ધ્યાન રાખ્યું હતું.

જશ સિંધવે તાત્કાલિક કબાટની ચાવી આપી કહ્યું, સામેના રૂમમાં બધું પડ્યું છે: તેને કોઈ નુકસાન ન પહોંચાડ્યું
જ્યારે ત્રણ નેપાળી શખ્સો જશના રૂમમાં પહોંચ્યા ત્યારે સૌથી પહેલાં તેને બાંધવાનું શરૂ કર્યું હતું. આ વેળાએ જશને છરી પણ બતાવતાં ગભરાયેલા જશે તાત્કાલિક મમ્મી-પપ્પાના રૂમના કબાટની ચાવી આપીને કહ્યું હતું કે સામેના રૂમમાં બધું પડેલું છે. આ સાંભળી ત્રણેયે પહેલાં જશને બરાબર બાંધી દીધો અને પછી આરામથી સામેના રૂમમાં પહોંચીને અંદર રહેલી 35 લાખની માલમત્તા લૂંટીને ફરાર થઈ ગયા હતા. જશે કોઈ પ્રકારનો દેકારો નહીં કરતાં તેને કોઈ પ્રકારનું નુકસાન પહોંચાડ્યું નહોતું. જો તેણે પ્રતિકાર કર્યો હોત તો તેને નુકસાન જવાની પણ ભીતિ હતી.

જશને સ્કૂલે જવાનો સમય થઈ ગયો હોવા છતાં નીચે નહીં ઉતરતાં ચા પીને આવેલા દાદાને ગઈ શંકા: જો સ્કૂલે ન જવાનું હોત તો દરવાજો ન ખખડાવત
એવી વિગતો પણ સામે આવી છે કે જશ સિંધવ એસ.એન.કે.સ્કૂલના ધો.7માં અભ્યાસ કરે છે. દરરોજ સવારે 7 વાગ્યે તેણે સ્કૂલે જવાનું હોવા છતાં આજે સવારે તે સમયસર નીચે નહીં ઉતરતાં બહાર ચા પીવા ગયેલા દાદા પરત આવ્યા બાદ તેમને કશુંક અજુગતું બન્યાની શંકા ગઈ હતી. આ પછી તેઓ તુરંત જ બીજા માળ ઉપર આવેલા જશના રૂમમાં પહોંચતાં જશ ત્યાં બાંધેલી હાલતમાં જોવા મળતાં હેબતાઈ ગયા હતા. આ પછી સૌથી પહેલાં તેમણે જશને છોડાવીને પોલીસને ઘટના અંગેની જાણ કરી હતી. જો કે આજે જશને સ્કૂલે જવાનું ન હોત તો કદાચ દાદાએ તેના રૂમનો દરવાજો પણ ખખડાવ્યો ન હોત. આમ બન્યું હોત તો ઘટના અંગેની જાણ થવામાં ઘણો જ વિલંબ થઈ ગયો હોત...

નેપાળી પરિવારને દોઢ મહિના પહેલાં જ નોકરીએ રાખ્યો’તો: નોકરીએ રખાવનાર પરિવારને ઉઠાવી લેવાયો
સિંધવ પરિવારે જણાવ્યું કે તેમને ત્યાં છેલ્લા 10 વર્ષથી એક નેપાળી પરિવાર ચોકીદાર તેમજ ઘરનું કામકાજ કરતો હતો. જો કે દોઢ મહિના પહેલાં તેમને નોકરી પરથી છૂટા થવાનું હોવાથી તેમને છૂટા કરાયા હતા પરંતુ તેમના રેફરન્સથી અનિલ અને તેની પત્ની લક્ષ્મીને માતોશ્રી બંગલામાં નોકરી પર રાખવામાં આવ્યા હતા. જો કે ત્યારે તેમનું વેરિફિકેશન સહિતનું કશું જ કરવામાં આવ્યું નહોતું. પોલીસે અનિલ-લક્ષ્મીને નોકરીએ રખાવનાર અન્ય નેપાળી પરિવારને ઉઠાવી લઈ તેમની પૂછપરછ હાથ ધર્યાનું જાણવા મળી રહ્યું છે.

વર્તનમાં કોઈ જ ફેરફાર ન દેખાયો; ઉપાડ કે એડવાન્સ પગાર પણ નહોતો માગ્યો
સિંધવ પરિવારે જણાવ્યું કે ગતરાત સુધી નેપાળી પરિવારના વર્તનમાં કોઈ જ પ્રકારનો ફેરફાર જોવા મળ્યો નહોતો મતલબ કે તેઓ લૂંટ કરશે તેવું સ્વપ્નેય કોઈને સુઝ્યું નહોતું. આ ઉપરાંત નેપાળી પરિવાર દ્વારા સિંધવ પરિવાર પાસે પાછલા દિવસોમાં કોઈ પ્રકારનો ઉપાડ કે એડવાન્સ પગાર પણ માંગવામાં આવ્યો ન હોવાનું જાણવા મળી રહ્યું છે. એકંદરે પરિવારે લૂંટ કરવાનું પહેલાંથી જ વિચારી લીધું હતું પરંતુ તે આવું કરવાના છે તેવું કોઈને ધ્યાન પર ન આવે તેનું પણ બરાબરનું ધ્યાન રાખ્યું હતું.

પપ્પા, આપણાં ચોકીદાર મને બાંધીને બધું ચોરી ગયા છે !: પુત્રનો ફોન સાંભળી માતા-પિતા હાંફળા ફાંફળા રાજકોટ દોડી આવ્યા
રોયલ પાર્કમાં ‘માતોશ્રી’ બંગલામાં રહેતાં પ્રભાતભાઈ સિંધવના મકાનને નિશાન બનાવી ચોકીદાર દંપતિ અને અન્ય બે લોકો દ્વારા 35 લાખની લૂંટ ચલાવવાની ઘટના બનતાં ખળભળાટ મચી જવા પામ્યો છે. આ ઘટનામાં ઘરમાં માત્ર એક બાળક જ હોવાથી લૂંટારુએ તેને બંધક બનાવી લૂંટને અંજામ આપ્યો છે ત્યારે જાણવા મળતી વિગતો પ્રમાણે જે બાળકને બંધક બનાવાયો તેણે તેના પિતા પ્રભાતભાઈ સિંધવને ઘટના બન્યા બાદ ફોન કરીને એવું કહ્યું હતું કે, પપ્પા, આપણાં ચોકીદાર મને બાંધીને બધું ચોરી ગયા છે. ફોન આવ્યો ત્યારે માતા-પિતા અમદાવાદ હોવાથી મારતી મોટરે હાંફળા-ફાંફળા રાજકોટ દોડી આવ્યા હતા. જો કે પુત્ર હેમખેમ હોવાથી તેમણે રાહતનો શ્ર્વાસ લીધો હતો.

ઘરમાં શું પડ્યું છે તેની બરાબરની ખબર હતી ! મોકો મળે એટલે લૂંટ ચલાવવાનો હતો પ્લાનિંગ
બિલ્ડિંગ-હોટેલ વ્યવસાય સાથે સંકળાયેલા પ્રભાત સિંધવના ‘માતોશ્રી’ બંગલામાં લાખો રૂપિયાની રોકડ તેમજ સોના-ચાંદીના દાગીના પડેલા હોવાથી જાણ ચોકીદાર દંપતિને અગાઉથી જ હોવાનું ખુલ્યું છે. જો કે મોકો મળતો ન હોવાથી લૂંટને અંજામ આપી શકતા નહોતા પરંતુ ગતરાત્રે જેવા પ્રભાત સિંધવ અને તેમના પત્ની બહારગામ ગયા કે તુરંત જ બધું લૂંટી લેવાનું નક્કી કરી લીધું હતું.

લૂંટને અંજામ આપનારા નેપાળી પરિવારના સીસીટીવી જાહેર કરતી પોલીસ
રોયલ પાર્કમાં બાળકને બંધક બનાવી લાખો રૂપિયાની લૂંટને અંજામ આપનારા નેપાળી પરિવારના પોલીસ દ્વારા સીસીટીવી જાહેર કરવામાં આવ્યા છે. પોલીસ દ્વારા કુલ ચાર પુરુષ અને એક મહિલા સહિત પાંચ લોકોની તસવીર જાહેર કરવામાં આવી છે તો લૂંટ કર્યા બાદ ફરાર થઈ રહેલા બે લૂંટારુના સીસીટીવી ફૂટેજ પણ જાહેર કર્યા છે. પોલીસે જણાવ્યું કે વહેલી સવારે ઈન્દીરા સર્કલ પાસે આવેલા એક મકાનમાં નેપાળી યુવક તેમજ તેની પત્નીએ 35 લાખના દરદાગીના તેમજ રોકડ રૂપિયાની લૂંટને અંજામ આપ્યો છે. આ બનાવમાં ત્રણ પુરુષ તેમજ એક સ્ત્રી છે જેમાં એક પુરુષ લાલ કલરનું ટી-શર્ટ પહેરેલું છે ત્યારે આવા વર્ણનવાળા કોઈ લોકો જોવા મળે તો તાત્કાલિક યુનિવર્સિટી પોલીસ મથક (0281-2575124), પોલીસ કંટ્રોલ રૂમ (0281-2457777) અને પીઆઈ એ.બી.જાડેજા (96875 00111)નો તાત્કાલિક સંપર્ક કરવા અપીલ કરવામાં આવે છે.

ઘરઘાટી તરીકે કોઈને પણ નોકરીએ રાખો ત્યારે વેરિફિકેશન-નોંધણી જરૂર કરાવો: પોલીસ કમિશનરની અપીલ
રોયલ પાર્કમાં લૂંટની ઘટના બન્યા બાદ તે અંગેનો અહેવાલ ‘સાંજ સમાચાર’ દ્વારા પ્રસિદ્ધ થતાં જ પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ દ્વારા તાત્કાલિક આ અંગે સંજ્ઞાન લેતાં લોકોને અપીલ કરવામાં આવી હતી કે શહેરમાં રહેતાં દરેક પરિવારે જો તેમના ઘરમાં ઘરઘાટી મતલબ કે નોકર-ચાકર, ચોકીદાર તરીકે કોઈને રાખવામાં આવે ત્યારે તેનું વેરિફિકેશન કરાવવું જ જોઈએ. આ ઉપરાંત નજીકના પોલીસ મથકમાં રૂબરૂ જઈને પણ આ કાર્યવાહી કરાવી શકાય છે અને જો રૂબરૂ ન જવું હોય તો તેઓ ઓનલાઈન એપ્લીકેશન મારફતે પણ આ પ્રક્રિયા કરી શકે છે. અત્રે ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલાં અમીન માર્ગ ઉપર બનેલી ધાડની ઘટનામાં પણ વિસ્તારમાં કડિયાકામ કરી ગયેલા શખ્સ દ્વારા જ લૂંટને અંજામ આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાથી ત્યારે પણ પોલીસે અપીલ કરી હતી કે કડિયાકામ કરતાં દરેક લોકોનું રજિસ્ટ્રેશન કરાવવું જોઈએ. જો કે લોકો દ્વારા આ મામલે અત્યંત ઉદાસીનતા રાખવામાં આવતી હોવાથી આ પ્રકારની ઘટનાઓ બનતી અટકાવી શકાતી નથી.


Related News

Advertisement
Advertisement
Advertisement