રાજકોટ રેલવે સ્ટેશનનું 2500 કરોડના ખર્ચે રી-ડેવલપમેન્ટ : મોદી ખાતમુહૂર્ત કરશે

06 October 2022 04:42 PM
Gujarat Rajkot Saurashtra
  • રાજકોટ રેલવે સ્ટેશનનું 2500 કરોડના ખર્ચે રી-ડેવલપમેન્ટ : મોદી ખાતમુહૂર્ત કરશે

► અમદાવાદ-સુરત-સોમનાથ બાદ ગુજરાતના વધુ બે સ્ટેશન અત્યાધુનિક થશે

► વિધાનસભા ચૂંટણી પૂર્વે સરકારની વધુ એક ભેટ : 19મીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમ દરમ્યાન શિલાન્યાસ : પ્લેટફોર્મ મોટા કરવા સહિતની અનેક સુવિધા ઉમેરાશે

રાજકોટ,તા. 6 : ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું કાઉન્ટ ડાઉન શરુ થતાં જ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આગામી તા. 11નાં જામકંડોરણા અને તા. 19મીના સૌરાષ્ટ્રના પાટનગર એવા રાજકોટની મુલાકાતે આવનાર હોય રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જોરશોરથી તૈયારીઓ આરંભી દેવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તા. 19મીની રાજકોટની મુલાકાત દરમિયાન 5500 કરોડથી વધુના વિકાસ કામોના લોકાર્પણ-ખાતમુર્હુત વડાપ્રધાનના હસ્તે કરવામાં આવનાર છે.

જેમાં અમદાવાદ, સુરત, સોમનાથ બાદ રાજકોટ અને જામનગરનાં રેલવે સ્ટેશનોને અત્યાધુનિક બનાવવામાં આવનાર હોય રાજકોટ અને અમદાવાદના રેલવે સ્ટેશનોના રીડેવલોપમેન્ટ માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે ખાતમુર્હુત કરવામાં આવનાર છે. જેમાં રાજકોટ રેલવે સ્ટેશનનું રુા. 2500 કરોડના ખર્ચે રીડેવલોપમેન્ટ કરવામાં આવનાર છે. અહીં એ ઉલ્લેખનીય છે કે શહેરના જંકશન વિસ્તારમાં આવેલ હાલનું રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ ઘણા નાના હોય ઉતારુઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ ઉપરાંત આ સ્ટેશન પર એક ટર્મિનલ પરથી બીજા ટર્મિનલમાં જવા માટે જરુરી લિફટની સુવિધાનો પણ અભાવ રહેલો છે

તેમજ જંકશન વિસ્તાર એ ગીચ હોય રેલવે સ્ટેશન પર જતા ઉતારુઓને ટ્રાફીક સમસ્યાનો પણ સામનો કરવો પડી રહ્યો છે. આ સંજોગોમાં જંકશન વિસ્તારમાં આ રેલવે સ્ટેશનને અત્યાધુનિક બનાવવા માટેનો પ્રોજેક્ટ તૈયાર કરી દેવામાં આવેલ છે. જે અંતર્ગત જૂના રેલવે સ્ટેશનથી આ રેલવે પર જવાનો રસ્તો ખુલ્લો કરી રેલવે સ્ટેશનને 2250 કરોડના ખર્ચે અત્યાધુનિક બનાવાશે. જૂના રેલવે સ્ટેશનથી ઉતારુઓને એન્ટ્રી આપવાની યોજના તૈયાર કરવામાં આવી છે.દરમિયાન જિલ્લા કલેક્ટર અરુણ મહેશ બાબુએ આ સંદર્ભે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની તા. 19મીની રાજકોટની મુલાકાત દરમિયાન તેઓના હસ્તે 5500 કરોડથી વધુના વિકાસ કામોનું લોકાર્પણ-ખાતમુર્હુત કરવામાં આવનાર છે.

જેમાં રાજકોટ અને જામનગરનાં રેલવે સ્ટેશનના રીડેવલોપમેન્ટ માટેનું ખાતમુર્હુત પણ કરવામાં આવનાર છે. તેની સાથોસાથ ગઢકા નજીક સ્થપાનાર અમૂલ ડેરીના પ્લાન્ટ તેમજ રાજકોટ-ગોંડલ સિક્સલેન હાઈવે, મકનસર ખાતે ગતિ શક્તિ ટર્મિનલ, રાજકોટ-કાનાલુસ રેલવે લાઇન ડબલીંગ પ્રોજેક્ટ, છાપરા જીઆઈડીસીનું ખાતમુર્હુત તેની સાથોસાથ શાપર ખાતેના ટેકનોલોજી હબ સેન્ટરનું ખાતમુર્હુત પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવનાર છે. આ ઉપરાંત શહેરનાં હોસ્પિટલ ચોક, નાનામવા ચોક, 150 ફુટ રીંગ રોડ પર નિર્માણ પામેલ ઓવરબ્રીજ તેમજ ઇશ્ર્વરિયા ખાતેના સાયન્સ મ્યુઝીયમનું પણ લોકાર્પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવનાર છે. આ અંગેની તમામ તૈયારીઓ વહીવટી તંત્ર દ્વારા જોરશોરથી ચાલી રહી છે.


Related News

Advertisement
Advertisement
Advertisement