હર્ષદ રીબડીયા ભાજપમાં, કેસરીયો ખેસ પહેર્યો

06 October 2022 05:37 PM
Rajkot Gujarat Politics
  • હર્ષદ રીબડીયા ભાજપમાં, કેસરીયો ખેસ પહેર્યો
  • હર્ષદ રીબડીયા ભાજપમાં, કેસરીયો ખેસ પહેર્યો

પ્રદેશ મહામંત્રી વાઘેલાએ આવકાર્યા: જુનાગઢ જીલ્લાના અનેક અગ્રણીઓ પણ ભાજપમાં

રાજકોટ તા.6
ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી પુર્વે કોંગ્રેસના ધારાસભ્યો દ્વારા કેસરીયા કરવાની ફરી શરુ થયેલી કતારમાં બે દિવસ પહેલા વિસાવદરના ધારાસભ્યપદેથી અને કોંગ્રેસમાંથી રાજીનામુ આપનાર હર્ષદભાઈ રીબડીયાએ આજે ભાજપના વડામથક કમલમ ખાતે આજે વિધિવત રીતે ભાજપમાં પ્રવેશ કર્યો હતો અને સાથોસાથ કોંગ્રેસ પક્ષ તૂટી રહી હોવાનું જણાવીને મોદી સરકાર તથા ગુજરાતની ભુપેન્દ્ર પટેલ સરકારની પ્રશંસા પણ કરી હતી.

વિસાવદરની મહત્વપૂર્ણ બેઠક પર ભાજપે આ રીતે કોંગ્રેસમાં મોટુ ગાબડુ પાડયુ છે. શ્રી રીબડીયાની સાથે જુનાગઢ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ સહિતના અગ્રણીઓ પણ ભાજપમાં જોડાયા હતા અને પ્રદેશ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલાના હસ્તે કેસરીયો ખેસ પહેરાવ્યો હતો. શ્રી રીબડીયાએ બાદમાં જણાવ્યું કે પહેલા હું કોંગ્રેસમાં હતો અને વિપક્ષ તરીકેની ફરજના ભાગરૂપે અમે ટીકા કરતા હતા પણ આ સરકારે મારા મતવિસ્તારમાં દિવસે ખેડૂતોને વિજળી આપીને ટેકાના ભાવમાં મોટો વધારો કરીને તથા ગ્રામીણ વિસ્તારોના પ્રશ્નો ઉકેલીને જે વાતાવરણ સર્જયુ છે તેનાથી હું આકર્ષાયો છું અને તેથી મે ભાજપમાં જોડાવાનું પસંદ કર્યુ છે.

રાજયમાં ચૂંટણી સમયે જ કોંગ્રેસના ગઢ ગણાતા આ મતવિસ્તારમાં ભાજપે જે રીતે ધારાસભ્યોને પક્ષ સાથે કરી લીધા છે તેનાથી હવે આગામી દિવસોમાં કોંગ્રેસના વધુ એક થી બે ધારાસભ્યો પણ ભાજપમાં જોડાશે તેવા સંકેત છે. એક તરફ કોંગ્રેસ પક્ષ ચૂંટણી તૈયારીમાં છે અને તે સમયે પક્ષમાં ગાબડા એ કોંગ્રેસ માટે સૌથી મોટી સમસ્યા હોવાનું માનવામાં આવે છે.

ભાજપમાં જોડાવા મે કોઈ પૈસા લીધા નથી: મા ભગવતીના સોગંદ: હર્ષદ રીબડીયા
કોંગ્રેસમાં હતો ત્યારે વિરોધ કરવાની ફરજ હતી તેથી ભાજપનો વિરોધ કરતો હતો: વિસાવદરના પુર્વ ધારાસભ્યો પત્રકારોના પ્રશ્નોમાં ફસાયા
એક સમયે પોતાને ભાજપમાં જોડાવા માટે રૂા.20 કરોડની રકમ ઓફર થઈ હોવાનું જાહેર કરનાર શ્રી હર્ષદ રીબડીયાએ આજે આ અંગેના પ્રશ્નના જવાબમાં કહ્યું કે હું મા ભગવતીના સોગંદ લઈને કહું છું કે મે એક રૂપિયો પણ લીધો નથી. શ્રી રીબડીયા પર પત્રકારોએ પ્રશ્નોનો મારો ચલાવ્યો હતો અને પૂછયું હતું કે તમને ભાજપમાં મોકલવાની સોપારી કોને આપી હતી.

2014 થી 22 સુધી ભાજપની વિરુદ્ધ ચૂંટણી લડનાર શ્રી રીબડીયાએ કહ્યું કે અહમદભાઈ પટેલ જયારે રાજયસભાની ચૂંટણી લડી રહ્યા હતા તે સમયે જ મને કેટલાક આગેવાનોએ ભાજપમાં જવાની સલાહ આપી હતી અને પણ મે ત્યારે પક્ષ છોડયો નહી પણ હવે કોંગ્રેસ ખતમ થવા લાગી છે અને અમે જે વિરોધ કરતા હતા તે વિપક્ષ તરીકેની અમારી ફરજ હતી અને હવે સરકારના કામની પ્રશંસા કરશું. શ્રી રીબડીયા જો કે પત્રકારોના અનેક પ્રશ્નોના જવાબમાં ફસાઈ ગયા છે.

રીબડીયાને આવકારવા સી.આર.પાટીલ હાજર ન રહ્યા
આજે વિસાવદરના પુર્વ ધારાસભ્ય હર્ષદ રીબડીયા ભાજપમાં જોડાયા તે સમયે પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલની કમલમમાં ગેરહાજરી સૂચક હતી અને પ્રદેશ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલા એ તેમને આવકાર્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે સી.આર.પાટીલે અગાઉ જ કોંગ્રેસના કોઈ ધારાસભ્યોને ભાજપમાં નહી લેવાય તેવું જાહેર કર્યુ હતું અને આજે રીબડીયાને આવકારવા તેઓ હાજર રહેશે તેવું મનાતુ હતુ પરંતુ ગેરહાજર રહીને પોતાનું વલણ સ્પષ્ટ રાખ્યું છે.

હર્ષદ રીબડીયા હવે ભાજપના ‘શિસ્તબદ્ધ’ સૈનિક: વિસાવદરની ટિકીટ અંગે મોવડીમંડળ નકકી કરશે
આજે ભાજપમાં જોડાયેલા વિસાવદરના પુર્વ ધારાસભ્ય હર્ષદ રીબડીયાએ તેઓ ફરી ભાજપની ટિકીટ પર વિસાવદર ધારાસભા બેઠક લડશે કે કેમ તે અંગેના એક પ્રશ્નના જવાબમાં કહું કે હું કોઈ શરત વગર ભાજપમાં જોડાયો છું અને પક્ષ મને જે કહેશે તે હું કરીશ. જો ભાજપ મોવડીમંડળ ટિકીટ આપશે તો હું લડીશ.

હું ભાજપમાં જોડાવાનો નથી: ચિરાગ કાલરીયાની ફરી એક વખત સ્પષ્ટતા
વિસાવદરના પુર્વ ધારાસભ્ય હર્ષદ રીબડીયા ભાજપમાં જોડાઈ ગયા બાદ હવે વધુ કેટલા ધારાસભ્યો ભાજપમાં જોડાશે તે અંગે ચાલી રહેલી અટકળો વચ્ચે જામજોધપુરના ધારાસભ્ય ચિરાગભાઈ કાલરીયાનું નામ પણ ચાલે છે તે વચ્ચે આજે ચિરાગભાઈએ ખુલાસો કર્યો કે લાંબા સમયથી આવી અટકળો ચાલુ છે કદાચ કોઈ ષડયંત્ર હોઈ શકે પણ મે ભૂતકાળમાં પણ ખંડન કર્યુ છે કે હું ભાજપમાં જોડાવાનો નથી અને આજે પણ કહું છું કે હું કોંગ્રેસમાં જ છું. વારંવાર સૂત્રો દ્વારા આવા સમાચાર આપવામાં આવે છે પરંતુ મે ભાજપમાં જોડાવા અંગે કદી કોઈ નિવેદન આપ્યુ નથી.


Related News

Advertisement
Advertisement
Advertisement