વડાપ્રધાન અને મુખ્યમંત્રીના ભોજન તૈયાર કરવા માટે કલેક્ટર તંત્રને જવાબદારી : SPG કમાન્ડોનું આગમન

06 October 2022 05:55 PM
Rajkot Gujarat
  • વડાપ્રધાન અને મુખ્યમંત્રીના ભોજન તૈયાર કરવા માટે કલેક્ટર તંત્રને જવાબદારી : SPG કમાન્ડોનું આગમન

હેલીપેડ, પીએમ-સીએમ રૂમ, કામચલાઉ હોસ્પિટલ તૈયાર : રોડ-રસ્તાને નવા રંગ રૂપ : ચાર હેલિકોપ્ટર આવશે : 43 અધિકારીઓના ઓર્ડર : વીઆઈપી પ્રોટોકોલની 25 જેટલા કર્મચારીઓને સોંપાતી ફરજ

રાજકોટ,તા. 6
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની આગામી તા. 11મીના જામકંડોરણા ખાતે વિરાટ જનસભાનું આયોજન કરવામાં આવેલ છે. આ જનસભામાં બે લાખની જનમેદની ઉમટી પડનાર હોય આ માટે જોરશોરથી તૈયારીઓ ચાલી રહી છે. આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાથે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ તેમજ રાજ્ય સરકારનાં મંત્રીઓ પણ હાજરી આપનાર છે.

વડાપ્રધાન મોદીનાં આ કાર્યક્રમને લઇને એસપીજી કમાન્ડોનું આગમન થવા પામેલ છે. જેની પુષ્ટિ કરતાં કલેક્ટર અરુણ મહેશ બાબુએ જણાવ્યું હતું કે આજે ચાર જેટલાં એસપીજી કમાન્ડો આવી પહોંચેલ છે. આવતીકાલે 20 જેટલાં એસપીજી કમાન્ડો આવશે. આ જનસભાને અનુલક્ષીને પોલીસ બંદોબસ્તની જવાબદારી રાજકોટ જિલ્લા પોલીસ વડાને સોંપવામાં આવી છે. જ્યારે વડાપ્રધાન અને મુખ્યમંત્રી માટે ભોજન તૈયાર કરવાની જવાબદારી કલેક્ટર તંત્રને સોંપવામાં આવી છે.

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના આ કાર્યક્રમ માટે વીઆઈપી પ્રોટોકોલની કલેક્ટર કચેરીના 20 થી 25 જેટલા અધિકારીઓને જવાબદારી સોંપવામાં આવી છે. તેની સાથોસાથ આ કાર્યક્રમ માટે એન્ટ્રી પાસ માટે એસડીએમ ધોરાજી, પાર્કિંગ વ્યવસ્થા એસડીએમ ગોંડલ, તેમજ એન્ટ્રી સ્ટેજ પાસ માટે આરએન્ડબીને જવાબદારી સોંપવામાં આવી છે. વડાપ્રધાનના આ કાર્યક્રમને અનુલક્ષીને રોડ-રસ્તાની કામગીરી પૂર્ણતાના આરે પહોંચી ગઇ છે.

વડાપ્રધાનની જનસભાના સ્થળ નજીક જ હેલીપેડ તૈયાર કરી દેવામાં આવેલ છે. આ ઉપરાંત જામકંડોરણામાં પીએમ અને સીએમ રુમ તૈયાર કરવામાં આવેલ છે. તેની સાથોસાથ હોસ્પિટલ પણ કામચલાઉ હોસ્પિટલ પણ તૈયાર કરવાની કામગીરી શરુ કરવામાં આવી છે. આ હોસ્પિટલમાં રાજકોટ સરકારી હોસ્પિટલના તબીબી સ્ટાફને ફરજ સોંપાઈ છે.

આ ઉપરાંત ચાર બસ પાર્કિંગ, સાત કાર પાર્કિંગ, જનરલ વાહનોના પાર્કિગ માટે ચાર સ્થળે ચાર જગ્યા નિયત કરવામાં આવી છે. વડાપ્રધાનની આ જનસભા માટે 33 અધિકારીઓના ઓર્ડર ઇસ્યુ કરી દેવામાં આવેલ છે. આવતીકાલે તેઓ આ કાર્યક્રમ સંદર્ભે અધિકારીઓ પાસેથી રિવ્યુ લેશે.


Related News

Advertisement
Advertisement
Advertisement