ખડગે અમદાવાદમાં : ગુજરાતથી પ્રચારનો પ્રારંભ

07 October 2022 11:18 AM
Ahmedabad Gujarat Politics
  • ખડગે અમદાવાદમાં : ગુજરાતથી પ્રચારનો પ્રારંભ

કોંગ્રેસ પ્રમુખપદના ઉમેદવાર ખડગેની ગાંધી આશ્રમે મુલાકાત : પ્રદેશ ડેલીગેટો સાથે બેઠક

અમદાવાદ,તા. 7 : કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખપદ માટેની ચૂંટણી રસપ્રદ બનવા લાગી જ છે. પ્રમુખપદ માટે ઉમેદવારી કરનારા મલ્લીકાર્જુન ખડગે તથા શશી થરુર દ્વારા પ્રચારનો દોર શરુ કરી દેવામાં આવ્યો છે તેના ભાગરુપે ખડગે ગુજરાતની મુલાકાતે આવ્યા છે. મતાધિકાર ધરાવતા કોંગ્રેસના ડેલીગેટો સાથે બેઠક કરી હતી.

કોંગ્રેસના પ્રમુખપદના ઉમેદવાર મલ્લીકાર્જુન ખડગેએ પ્રચાર અભિયાનનો પ્રારંભ ગુજરાતથી શરુ કર્યો હોય તેમ ગઇરાત્રે અમદાવાદ આવી પહોંચ્યા તા. આજે દિવસભર શ્રેણીબધ્ધ કાર્યક્રમોમાં સામેલ થયા હતા. તેઓએ મહાત્મા ગાંધીજીના સાબરમતી આશ્રમની મુલાકાત કરી હતી. ઉપરાંત પ્રદેશ કાર્યાલયે કોંગ્રેસના ડેલીગેટો સાથે બેઠક કરી હતી.

પ્રમુખપદની ચૂંટણી 17મી ઓક્ટોબરે યોજાવાની હોવાનું ઉલ્લેખનીય છે. ગુજરાતમાં પ્રચાર કાર્યક્રમ બાદ ખડગે મુંબઈ પહોંચશે. આવતીકાલે તેલંગાણા તથા આંધ્રપ્રદેશના ડેલીગેટો સાથે બેઠક કરશે. રવિવારે કાશ્મીર તથા દિલ્હીમાં, સોમવારે પશ્ર્ચિમ બંગાળ-આસામ તથા મંગળવારે બિહાર અને ઉતરપ્રદેશનો પ્રવાસ કરશે. આવતા પાંચ દિવસમાં તેઓ ઓછામાં ઓછા 10 રાજ્યોની મુલાકાત લેવાના છે.

ખડગેના પ્રતિસ્પર્ધી અને પ્રમુખપદના બીજા ઉમેદવાર શશી થરુરે અગાઉ જ પ્રચાર શરુ કરી દીધો છે. તેઓએ હોમસ્ટેટ કેરળથી પ્રચાર શરુ કર્યો હતો અને મહારાષ્ટ્ર, તેલંગાણા તથા તામીલનાડુના પ્રવાસ કરી ચૂક્યા છે. કોંગ્રેસ પ્રમુખની ચૂંટણી 17 ઓક્ટોબરે યોજાવાની છે. 19મીએ મતગણતરી થશે અને ત્યારબાદ પરિણામ જાહેર કરાશે. દેશભરના 9000થી વધુ પ્રદેશ કમીટીના ડેલીગેટો મતાધિકારનો ઉપયોગ કરશે.


Related News

Advertisement
Advertisement
Advertisement