રાજકોટ, ધારી પંથક, અમદાવાદ અને વડોદરામાં હળવો-ભારે વરસાદ વરસ્યો

07 October 2022 11:29 AM
Ahmedabad Gujarat Rajkot Saurashtra
  • રાજકોટ, ધારી પંથક, અમદાવાદ અને વડોદરામાં હળવો-ભારે વરસાદ વરસ્યો

અમદાવાદ-વડોદરામાં ગાજવિજ સાથે મેઘવર્ષાથી લોકોને આશ્વર્ય

રાજકોટ તા.7 : સૌરાષ્ટ્ર-ગુજરાતમાંથી ચોમાસાએ સતાવાર વિદાય લઈ લીધી છે. છતા આસો માસમાં અષાઢ જેવો માહોલ વિવિધ વિસ્તારોમાં છેલ્લા બે દિવસથી છવાયેલો છે. ગઈકાલે રાજકોટ શહેર અને અમરેલી જિલ્લાનાં ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. રાજકોટ શહેરમાં રાત્રે 8-30 આસપાસ ધીમીધારે 3 મી.મી. વરસાદ પડયો હતો.

જયારે ધારી નજીક આવેલ ગીરકાંઠાના ગામોમાં ગઈકાલે અચાનક ધોધમાર વરસાદ પડતા વાતાવરણ ઠંડુગાર બની ગયું હતું. દલખાણીયા, ક્રાંગસા, સુખપર, આંબાગાળા, મેઠાપુર, સોઢાપરા, ગોવિંદપુર સહિતના ગામડાઓમાં વરસાદ પડયાનું જાણવા મળેલ છે. અત્રે ઉલ્લેખનીય છે કે હવામાન વિભાગ દ્વારા વરસાદની અપાયેલી આગાહી વચ્ચે રાજકોટમાં ગત સાંજે મોસમનો મિજાજ બદલાયા બાદ રાત્રે ધીમીધારે વરસાદ પડયો હતો. આ તરફ અમદાવાદ અને વડોદરામાં પણ વીજળીના ચમકારા સાથે મેઘવર્ષા થઈ હતી. જેથી આસો માસ છે? કે અષાઢ? તે સવાલ અચૂક થઈ રહ્યો છે.

ગઈકાલે વહેલી સવારે અમદાવાદના વાતાવરણમાં અચાનક પલટો આવ્યા પછી કેટલાક વિસ્તારોમાં વરસાદ પડયો હતો. સાંજે ફરી એકવાર અમદાવાદના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડયો હતો. અમદાવાદના જમાલપુર, શાહપુર, કારંજ, ખોખરા, હાટકેશ્ર્વર, અમરાઈ વાડી વગેરે વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો.

વડોદરામાં દિવસભર ઉકળાટ બાદ સાંજે ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો. ચોમાસાની આમ તો વિદાય થઈ ચૂકી છે. પરંતુ દિવાળી નજીક હોવા છતાં હજુ પણ વરસાદ જારી રહ્યો છે. હવામાન વિભાગના જણાવ્યાનુસાર ગીર સોમનાથ, વલસાડ, નવસારી, પંચમહાલ અને દાહોદમાં પણ વરસાદની આગાહી છે. રાજયના કેટલાક વિસ્તારોમાં પવન સાથે સામાન્ય વરસાદ રહેશે. બંગાળની ખાડીમાં લો પ્રેશર ઝોન ધીમી ગતિએ ઉત્તર-પશ્ચિમ તરફ વધી રહ્યું છે. જેના લીધે પૂર્વના રાજયોમાં વરસાદ પડી રહ્યો છે.


Related News

Advertisement
Advertisement
Advertisement