જામનગરના કનેકશનમાં મુંબઈથી 120 કરોડનું MD ડ્રગ્સ પકડાયું

07 October 2022 11:32 AM
Jamnagar Crime Gujarat
  • જામનગરના કનેકશનમાં મુંબઈથી 120 કરોડનું MD ડ્રગ્સ પકડાયું

◙ જામનગરથી પકડાયેલો સોહીલ ગફાર એર ઇન્ડીયાનો પૂર્વ પાયલોટ હોવાનો ખુલાસો

◙ નેવી ઇન્ટેલીજન્સની બાતમી તથા જામનગરથી પકડાયેલા શખ્સની પુછપરછના આધારે મુંબઈમાં નાર્કોટીક્સ બ્યુરોનું ઓપરેશન : નવી ડ્રગ્સ સિન્ડીકેટ હોવાનો સંકેત : કુલ છ શખ્સોની ધરપકડ

મુંબઇ,તા. 7
ગુજરાતના દરિયાઈ માર્ગેથી ઉતારાતા ડ્રગ્સનો સીલસીલો અટકતો ન હોય તેમ તાજેતરમાં જામનગરમાંથી છ કરોડનું એમડી ડ્રગ્સ પકડાયા બાદ હવે તેના કનેકશનમાં મુંબઈમાંથી 120 કરોડનું ડ્રગ્સ પકડાયું છે અને નવી ડ્રગ્સ સિન્ડીકેટનો પર્દાફાશ થયો છે. એર ઇન્ડીયાના એક પૂર્વ પાયલોટ સહિત બે શખ્સોની ધરપકડ કરવામાં આવી છે.

નાર્કોટીક બ્યુરોના ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ એસ.કે. સિંઘે જણાવ્યું હતું કે જામનગરનાં નેવી ઇન્ટીલીજન્સ યુનિટે ગુજરાતમાં ડ્રગ્સની બાતમી આપી હતી અને તેના આધારે સંયુક્ત તપાસ શરુ કરવામાં આવી હતી. ચારેક દિવસ પહેલા જામનગરમાંથી સોહેલ ગફાર નામના શખ્સની છ કરોડના એમડી ડ્રગ્સ સાથે ધરપકડ કરવામાં આવી હતી. આ શખ્સ 2016થી 2018 દરમિયાન એર ઇન્ડીયામાં પાયલોટ હોવાનું તપાસમાં ખુલ્યુ છે.

પુછપરછ દરમિયાન મુંબઈના ગોડાઉનમાં 50 કિલો એમડી ડ્રગ્સ હોવાનો ખુલાસો થયો હતો. જેના આધારે દરોડો પાડીને 120 કરોડની કિંમતનું ડ્રગ્સ પકડી પાડવામાં આવ્યું છે. જામનગર અને મુંબઈમાંથી પકડાયેલ ડ્રગ્સ એક જ સિન્ડીકેટનું હોવાનું માલુમ પડ્યું છે.

મુંબઈના ડ્રગ્સકાંડમાં પકડાયેલા બંને શખ્સો મુંબઈના જ છે. આ ડ્રગ્સ ક્યા લઇ જવાના હતા અને ક્યાંથી આવ્યું સહિતના મામલે પુછપરછનો દોર શરુ કરવામાં આવ્યો છે. સમગ્ર પ્રકરણમાં કુલ છ શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. જામનગરમાં ડ્રગ્સ પકડાયું ત્યારે જ મુંબઈથી અન્ય ત્રણ શખ્સોને ઉપાડી લેવામાં આવ્યા હતા અને હવે બીજા બે શખ્સોની ધરપકડ કરવામાં આવી છે.

આ પૂર્વે ઓગસ્ટ મહિનામાં પણ મુંબઈ ક્રાઈમ બ્રાંચના એન્ટી નાર્કોટીક્સ વિભાગ દ્વારા મોટા ડ્રગ રેકેટનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો. નાલાસોપારામાં ફાર્મા કંપની પણ દરોડો પાડીને 1600 કરોડની કિંમતનું 700 કિલો મેફેડ્રોન ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું હતું અને પાંચ લોકોની ધરપકડ કરવામાં આવી હતી. આ ડ્રગ્સ દિલ્હી લઇ જવાનું હતું.

ગુજરાતને લાગેવળગે છે ત્યાં સુધી છેલ્લા એક વર્ષમાં અબજો રુપિયાનું ડ્રગ્સકાંડનો પર્દાફાશ થયો છે. મુંદ્રા પોર્ટ પરથી ગત વર્ષે રેકોર્ડબ્રેક 21,000 કરોડનું ડ્રગ્સ પકડાયા બાદ જામનગર, મોરબી,કચ્છ સહિતના જુદા જુદા અનેક ભાગોમાંથી કરોડો રુપિયાના નશીલા પદાર્થો પકડાયા હતા. સરકાર દ્વારા સમગ્ર સિન્ડીકેટ તોડી પાડવામાં આવી હોવાનો દાવો કરવામાં આવ્યો હતો છતાં હજુ કરોડોની કિમતના નશીલા દ્રવ્યો પકડાતા જ રહ્યા છે.

મુંબઇ એરપોર્ટ પરથી 80 કરોડનું 16 કિલો હેરોઇન જપ્ત કરતું DRI
મુંબઈમાંથી આજે 120 કરોડનું ડ્રગ્સ પકડાયું તે પૂર્વે ગઇકાલે ડીરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટીલીજન્સ દ્વારા એરપોર્ટ પરથી 80 કરોડની કિંંમતનું 16 કિલો હેરોઇન પણ પકડી પાડવામાં આવ્યું હતું. ટ્રોલી બેગની અંદર છુપાવીને હેરોઇન લઇ જવામાં આવતું હતું. પરંતુ ચોક્કસ બાતમીના આધારે ડીઆરઆઈ દ્વારા તલાશી લેવામાં આવતા 80 કરોડનું આ હેરોઇન મળી આવ્યું હતું. આ પૂર્વે ગત મહિને નવાસેવા પોર્ટ પરથી પણ 1725 કરોડનું 20 ટન હેરોઇન પકડી પાડવામાં આવ્યું હતું તે અત્રે ઉલ્લેખનીય છે.


Related News

Advertisement
Advertisement
Advertisement