ભાજપના અભિગમમાં બદલાવ : ઉત્તરપ્રદેશમાં ભાજપ 1200 વોર્ડમાં મુસ્લિમોને ટીકીટ આપશે

07 October 2022 11:53 AM
India Politics
  • ભાજપના અભિગમમાં બદલાવ : ઉત્તરપ્રદેશમાં ભાજપ 1200 વોર્ડમાં મુસ્લિમોને ટીકીટ આપશે

વર્ષના અંતે યોજાનારી પંચાયત ચૂંટણી માટે રણનીતિ તૈયાર કરતો ભાજપ

લખનૌ,તા. 7
રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના વડા મોહન ભાગવતની મસ્જીદ મુલાકાત વચ્ચે ભાજપમાં હિંદુવાદી વલણમાં મોટો બદલાવ આવી રહયો હોય તેમ હવે પ્રથમવાર ઉતરપ્રદેશની પંચાયત ચૂંટણીમાં 1200 મુસ્લીમ ઉમેદવારોને ટીકીટ આપવામાં આવે તેવા સંકેતો સાંપડ્યા છે.

ઉતરપ્રદેશમાં ચાલુ વર્ષના અંતે પંચાયતોની ચૂંટણી યોજાવાની છે. ભાજપના અત્યંત આધારભૂત સુત્રોએ જણાવ્યું છે કે 17 કોર્પોરેશન, 199 નગરપાલિકા તથા 438 નગર પંચાયતોના મુસ્લીમ બહુમતીવાળા વિસ્તારોમાં ભાજપ 1200 જેટલા મુસ્લીમ ઉમેદવારોને ટીકીટ આપશે. 2017ની ચૂંટણી વખતે ભાજપ દ્વારા એક પણ મુસ્લીમને ટીકીટ આપવામાં આવી ન હતી.

ઉતરપ્રદેશ ભાજપ લઘુમતી મોરચાના પ્રમુખ બાસીત અલીએ જણાવ્યું હતું કે ભાજપના અભિગમમાં નિશ્ર્ચિતપણે બદલાવ આવી રહ્યો છે અને અનેક વોર્ડમાં મુસ્લીમ ઉમેદવારોને ઉભા રાખવામાં આવશે. ભાજપ હવે તમામ જ્ઞાતિ-ધર્મને સમાન મહત્વ આપી રહ્યો છે. ભાજપના પ્રદેશ પ્રમુખ ભુપેન્દ્ર ચૌધરીએ પણ એવો સંકેત આપ્યો હતો કે પંચાયત ચૂંટણીમાં મુસ્લીમ ઉમેદવારો ઉભા રાખવામાં આવશે.

સુત્રોએ કહ્યું કે ઉતરપ્રદેશમાં 19 ટકા મુસ્લીમ મતદારો છે. 2014થી સીધી ચૂંટણીમાં ભાજપે ક્યારેય મુસ્લીમ ઉમેદવારો ઉભા રાખ્યા નથી. 2017ની પંચાયત ચૂંટણીમાં પણ એકપણ મુસ્લીમને ટીકીટ આપવામાં આવી નહતી.ચાલુ વર્ષે સાતમી જુલાઈથી ભાજપમાં એકપણ મુસ્લીમ સાંસદ પણ નથી.

અગાઉ રાજ્યસભામાં મુખ્તાર અબ્બાસ નકવી હતા પરંતુ તેઓની ટર્મ પૂરી થઇ ગયા બાદ નવા કોઇ મુસ્લીમ સાંસદ રહ્યા નથી. 31 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં પણ ભાજપના એક પણ મુસ્લીમ ધારાસભ્ય નથી.

રાજકીય નિષ્ણાંતોના કહેવા પ્રમાણે મુસ્લીમ સમુદાયની મત પેટર્ન ચકાસવા માટે પંચાયત ચૂંટણીમાં મુસ્લીમોને ટીકીટ આપવાનો ભાજપનો વ્યૂહ હોઇ શકે છે.


Related News

Advertisement
Advertisement
Advertisement