છેલ્લી ઓવરોમાં સંજુ સેમસન ‘સ્ટ્રાઈકવિહોણો’ જ રહ્યો’ને આફ્રિકા સામે ટીમ ઈન્ડિયા હારી ગઈ !

07 October 2022 12:07 PM
India Sports World
  •  છેલ્લી ઓવરોમાં સંજુ સેમસન ‘સ્ટ્રાઈકવિહોણો’ જ રહ્યો’ને આફ્રિકા સામે ટીમ ઈન્ડિયા હારી ગઈ !

♦ પાંચ ઓવરમાં 74 રનની જરૂર હતી ત્યારે સંજુ-શાર્દૂલે ફટકાબાજી કરી ટીમને જીતની નજીક લાવી દીધી; 3 ઓવરમાં 45 રનની જરૂર હતી ત્યારે ભારતે બે ઓવરમાં 15 રન બનાવીને ત્રણ વિકેટ ગુમાવી દેતાં હાર નિશ્ચિત બની

♦ છેલ્લી ત્રણમાંથી બે ઓવરમાં સંજુ પાસે વધુ સ્ટ્રાઈક જ ન આવી, છેલ્લી ઓવરમાં આવી તો 20 રન ફટકારી દીધા; જો કે તે ટીમને જીત ન અપાવી શક્યો: ત્રણ મેચની વન-ડે શ્રેણીમાં આફ્રિકા 1-0થી આગળ: રવિવારે બીજો મુકાબલો

લખનૌ, તા.7
ટીમ ઈન્ડિયાએ સાઉથ આફ્રિકા વિરુદ્ધ ત્રણ મેચની વન-ડે શ્રેણીનો પ્રથમ મુકાબલો ગુમાવી દીધો છે. લખનૌમાં રમાયેલી આ મેચમાં આફ્રિકી ટીમે 9 રને જીત મેળવીને શ્રેણીમાં 1-0ની લીડ મેળવી લીધી છે. હવે શ્રેણીની આગલી મેચ રવિવારે રાંચીમાં રમાશે. જો કે પ્રથમ મેચ અત્યંત રોમાંચક રહી હતી જેમાં ટીમ ઈન્ડિયા માટે સંજુ સેમસને શાનદાર પ્રદર્શન કરતાં 63 બોલમાં અણનમ 86 રનની ઈનિંગ રમી હતી. જો કે તે ટીમને જીત અપાવી શક્યો નહોતો. અંતિમ ઓવરોમાં ટીમથી એક ભૂલ થઈ ગઈ જેના કારણે જીતેલી મેચ હારી ગયા છે.

લખનૌમાં પડેલા ભારે વરસાદને કારણે મેચને 40 ઓવરની કરવામાં આવી હતી. આ પછી ટૉસ હારીને બેટિંગ કરવા ઉતરેલી સાઉથ આફ્રિકાની ટીમનો ટોપ બેટિંગ ઓર્ડર ફેઈલ ગયો હતો. 49 રનના સ્કોરે જ પ્રથમ વિકેટ પડી હતી અને ત્યારપછી જોતજોતામાં 71 રને ત્રણ વિકેટ પડી ગઈ હતી. આફ્રિકા ટીમ માટે ડેવિડ મીલર અને હેનરિક્સ ક્લાસેને કમાલની ભાગીદારી કરતાં બન્નેએ અણનમ 139 રન બનાવ્યા અને ટીમના સ્કોરને 40 ઓવરમાં 249 રન સુધી પહોંચાડ્યો હતો.

ડેવિડ મીલરે 63 બોલમાં 75 રન બનાવ્યા જેમાં પાંચ ચોગ્ગા અને ત્રણ છગ્ગા સામેલ હતા. જ્યારે હેનરિક્સ ક્લાસેને 65 બોલમાં 74 રન બનાવ્યા હતા જેમાં છ ચોગ્ગા અને બે છગ્ગા સામેલ હતા. આ જ ઈનિંગના દમ પર આફ્રિકા 249 રનના સ્કોર સુધી પહોંચી શક્યું હતું. 250ના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમે આઠ રને જ બે વિકેટ ગુમાવી દીધી હતી. 51 રન સુધી આવતાં આવતાં ટીમના ચાર ખેલાડી પેવેલિયન પરત ફરી ગયા હતા. ટીમ ઈન્ડિયાનો ટોપ ઓર્ડર અહીં ફેઈલ રહ્યો હતો. શિખર ધવન ચાર રન, શુભમન ગીલ ત્રણ રન અને ઋતુરાજ ગાયકવાડ 13 રન જ બનાવી શક્યા હતા. ઈશાન કિશન પણ 20 રન બનાવ બાદ આઉટ થઈ જતાં શ્રેયસ અય્યર અને સંજુ સેમસને ટીમને સંભાળી હતી.

ટીમ ઈન્ડિયાને છેલ્લી પાંચ ઓવરમાં 74 રનની જરૂર હતી ત્યારે ક્રિઝ પર સંજુ સેમસન અને શાર્દૂલ ઠાકુર હતા. બન્નેએ તાબડતોબ શોટ લગાવ્યા તો લાગ્યું કે ટીમ ચમત્કાર કરી દેશે પરંતુ શાર્દૂલ ઠાકુર જ્યારે આઉટ થયો ત્યારે ટીમ ઈન્ડિયાની આશા તૂટતી જોવા મળી હતી. સંજુ સેમસન એક છેડો સાચવીને ઉભો રહ્યો હતો પરંતુ સામેના બેટર ક્રિઝ જાળવી શક્યા નહોતા.

છેલ્લી ત્રણ ઓવરમાં ભારતને જીત માટે 45 રનની જરૂર હતી. એ સમયે પણ ભારતીય ટીમને જીતની પૂરી આશા હતી કેમ કે ત્યારે સંજુ સેમસન ક્રિઝ પર હતો. આગલી બે ઓવરમાં સંજુને વધુ સ્ટ્રાઈક ન મળી. આ બે ઓવરમાં ત્રણ વિકેટ પડી અને માત્ર 15 રન જ બની શક્યા હતા. છેલ્લી ઓવરમાં ભારતીય ટીમને જીત માટે 30 રનની જરૂર હતી. આ વખતે સ્ટ્રાઈક સંજુ પાસે જ રહી અને તેણે 20 રન પણ બનાવી દીધા હતા પરંતુ ટીમ જીતી શકી નહોતી.


Related News

Advertisement
Advertisement
Advertisement