રાજકોટ તા.8 : આજે કાર્તિકી પૂર્ણિમાના ખગ્રાસ ચંદ્ર ગ્રહણ ભારતમાં દેખાવાનું હોવાથી ધાર્મિક દ્દષ્ટિએ પાળવાનું રહેશે. વેધ પ્રારંભ સવારે 5.39, ગ્રહણ સ્પર્શ બપોરે 2.21, ગ્રહણ મધ્ય સાંજે 4.11 કલાકે તથા ગ્રહણ મોક્ષ સાંજે 6.11 કલાકે છે. સોમનાથ, દ્વારકા, સાળંગપુરધામ સહિતના મંદિરો ચંદ્રગ્રહણના કારણષ દર્શનના સમયમાં ફેરફાર થયા છે.
સોમનાથ મંદિરમાં પ્રાત: મહાપૂજન, આરતી, મધ્યાહન મહાપૂજન, આરતી-ગંગાજળ અભિષેક, વિશ્વપૂજા, ધ્વજપૂજા, સોમેશ્વર મહાપૂજન, યજ્ઞો સહિતની તમામ પુજાઓ બંધ રહેશે. સાંજે 6.50 થી પ્રારંભ થશે. સાયં આરતી 7.45 સાંજે કરવામાં આવશે. સોમનાથ મંદિરે દર્શનનો સમય સવારે 6થી1 સુધીનો રાખવામાં આવેલ. સોમનાથ મંદિર ખાતે પ્રથમ પ્રહરની મહાપૂજા રાત્રે 10.45 કલાકે તથા રાત્રે 12 વાગ્યે મહાઆરતી થશે તેમ દેવાભાઈ રાઠોડે જણાવેલ છે.
સાળંગપુરધામ
સાળંગપુર ધામમાં આજે સવારે 7થી8 દરમ્યાન ભોજન પ્રસાદ લેવામાં આવેલ તે પછી ગ્રહણ પુર્ણ થયા બાદ રાત્રે 8થી10 ભોજન પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવેલ છે. આજે સવારે 9થી રાત્રીના 8 સુધી ભોજન વ્યવસ્થા બંધ રાખેલ છે. સંધ્યા આરતી રાત્રીના 8 કલાકે થશે. ગ્રહણ સમયે હનુમાન ચાલીસા, સુંદરકાંડના પાઠ કરવા.
મંદિરો સવારથી જ બંધ
આજે કારતક સુદ પુનમના ખગ્રાસ ચંદ્રગ્રહણ છે જે ભારતમાં દેખાવાનું હોવાથી ધાર્મિક દ્રષ્ટિએ પાળવાનું રહેશે, રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છમાં આવેલા મંદિરો, હવેલીઓમાં સવારથી મંદિર બંધ રહ્યા હતા. જિનાલયોમાં આજે બપોરના 2.30થી સાંજના 6.30 સુધી બંધ રહેશે. આજે ગ્રહણવેધ સવારે 8.પપ થતો હોવાથી મંદિરો બંધ રહ્યા છે. ગ્રહણનો સ્પર્શ સાંજે 5.55 કલાકે તથા ગ્રહણ સાંજે 6.19 કલાકે સમાપ્ત થશે.
સોમનાથ મંદિર, દ્વારકા સહિતના મંદિરોમાં ગ્રહણ મોક્ષ બાદ પૂજા આરતી થશે. ઉપરોકત તસ્વીરમાં પ્રથમ બે તસ્વીરો રાજકોટના પંચનાથ મહાદેવ મંદિરની છે, જેમાં પ્રથમમાં મંદિરના દ્વાર જોવા મળે છે, બીજી તસ્વીરમાં જાળી બંધ દ્રષ્ટિગોચર થાય છે, અન્ય બે તસ્વીરો ભકિતનગર સર્કલ પાસે આવેલ ધારેશ્ર્વર મહાદેવ મંદિરની છે જેના દ્વાર બંધ જોવા મળે છે. (તસ્વીર : દેવેન અમરેલીયા)