મુંબઈ,તા. 8 : મહારાષ્ટ્રના એનસીપીના નેતા અને પૂર્વ મંત્રી જિતેન્દ્ર આહવાડ અને તેના સમર્થકોએ ગઇકાલે સાંજે થાણેમાં પીવીઆર મલ્ટી પ્લેક્સમાં મરાઠી ફિલ્મ હર હર મહાદેવ ફિલ્મનું પ્રદર્શન રોકાવી દીધું હતું. અને એક દર્શકે તેનો વિરોધ કરતા તેની સાથે મારપીટ કરવામાં આવી હતી. આ મામલે એનસીપી નેતા આહવાડનો આરોપ છે કે આ ફિલ્મમાં જે વાતો બતાવાઇ છે તે ખોટી છે.
છત્રપતિ શિવાજી મહારાજનું ખોટુ ચિત્રણ કરાયું છે. તેમણે સવાલ કર્યો હતો કે આવી ખોટી બાબતોનું ફિલ્મમાં કેમ પ્રદર્શન થઇ શકે ? ઉલ્લેખનીય છે કે આ પહેલા શિવાજીના વંશજ અને પૂર્વ સાંસદ સંભાજીરાજે છત્રપતિએ એલાન કર્યું હતું કે મરાઠા સમ્રાટનું ફિલ્મમાં ખોટી રીતે ચિત્રણ સહન કરવામાં નહીં આવે. તેમણે આવનારી મરાઠી ફિલ્મ વેદાંત મરાઠે વીર દૌદાલે સાતનો પણ વિરોધ કર્યો હતો. તેમાં અક્ષયકુમાર છત્રપતિ શિવાજીની ભૂમિકા ભજવશે. આ ફિલ્મનું નિર્દેશન મહેશ માંજરેકરે કર્યું છે.