રાજકોટ,તા. 14 : ગુજરાતમાં હવે બીજા તબક્કાની ઉમેદવારી માટેના આખરી 16 નામો પર ભાજપ વિચારણા કરી રહ્યું છે તે સમયે આજે સાંજ સુધીમાં આ નામોની જાહેરાત થશે તેમ માનવામાં આવે છે અને ફરી એક વખત કેન્દ્રીય મંત્રી શ્રી અમિત શાહ કમલમ ખાતે પહોંચી રહ્યા છે અને તેઓની મંજુરી બાદ 16 નામો જાહેર કરવામાં આવશે.
ગઇકાલે શ્રી શાહે કમલમમાં ત્રણ કલાક સુધી બેઠકોનો દોર ચલાવ્યો હતો અને ખાસ કરીને તેમાં પક્ષમાં જે રીતે બળવાખોરી અને અસંતોષનો ઉભરો આવ્યો છે તે ઠારવાની વ્યૂહરચના ઘડી હતી હવે ગાંધીનગરની મહત્વપૂર્ણ દક્ષિણ અને ઉતર બેઠક ઉપરાંત અન્ય બેઠકોના નામમાં ભાજપે નિર્ણય લેવાનો છે જેમાં પક્ષે ગાંધીનગર દક્ષિણ માટે અલ્પેશ ઠાકોરને ઉમેદવારી કરવા જણાવ્યું છે અને અન્ય બેઠકોના ઉમેદવારોને પણ ફોન દ્વારા જાણ કરાશે અને સાંજ સુધીમાં આ નામોની જાહેરાત થશે તેવું માનવામાં આવે છે.
છેલ્લા 16 નામોમાં ભાજપ ખાસ કરીને ઠાકોર મતો યોગ્ય રીતે ભાજપને મળે તે જોવા માટે આગળ વધી રહ્યું છે અને કોંગ્રેસ તેમજ આમ આદમી પાર્ટીએ પણ તેમના નામો જાહેર કર્યા હોવાથી ભાજપને હવે સરળતા રહેશે. વડોદરામાં માંજલપુર બેઠકમાં પણ હજુ ભાજપે ઉમેદવાર જાહેર કર્યા નથી. હવે ત્યાં પાટીદારને ટીકીટ આપવી કે અન્ય સમુદાયને તે પ્રશ્ર્ન છે.